નવી દિલ્હીઃ સંસદમાં સત્તાધારી પાર્ટી અને વિપક્ષ વચ્ચેનો તણાવ વધતો જ રહ્યો છે. લંડનમાં કોંગ્રેસ સાંસદ રાહુલ ગાંધીનું નિવેદન અને અદાણી મુદ્દાને લઈને પક્ષ અને વિપક્ષ આમને-સામને છે. તે દરમિયાન ભારે હોબાળાના કારણે લોકસભા અને રાજ્યસભા બન્નેની કાર્યવાહી આવતીકાલ સુધી સ્થગિત કરી દેવામાં આવી છે. વિરોધપક્ષના સભ્યોએ ગૃહમાં તેમનો અવાજ દબાવી દેવાનો શાસક પક્ષ પર આરોપ મૂક્યો છે. કોંગ્રેસ સહિત ઘણાં પક્ષોના નેતાઓએ બુધવારે વિવિધ મુદ્દાઓ પર ચર્ચા માટે નોટિસ આપી હતી.
Advertisement
Advertisement
સંસદના વર્તમાન બજેટસત્રના ત્રીજા દિવસે પણ વિરોધપક્ષોએ ભારે હોબાળો કર્યો હતો. વિપક્ષે મોદી સરકાર પર સીબીઆઈ અને ઈડીનો પોતાના ફાયદા માટે ઉપયોગ કરવાનો આક્ષેપ કર્યો હતો. ત્યારપછી બન્ને ગૃહમાં ભારે ધાંધલધમાલ શરૂ થઈ ગઈ હતી. હોબાળાને કારણે પહેલા તો લોકસભાની અને પછી રાજ્યસભાની કાર્યવાહી સ્થગિત કરી દેવામાં આવી હતી. બન્ને ગૃહની કાર્યવાહી 16 માર્ચને સવારે 11 વાગ્યા સુધી સ્થગિત કરી દેવાઈ હતી.
આજે સવારે રાજ્યસભાની કાર્યવાહી શરૂ થઈ ત્યારે વિપક્ષના નેતા મલ્લિકાર્જૂન ખડગે બોલવા માટે ઉભાં થયા. ખડગે જેવા ઉભાં થયા કે તરત જ ભાજપાના સાંસદો રાહુલ ગાંધી વિરુદ્ધ સૂત્રોચ્ચાર કરવા લાગ્યા હતા.તેના કારણે પહેલા તો ગૃહની કાર્યવાહી બપોરે બે વાગ્યા સુધી મુલતવી કરાઈ હતી.ત્યારબાદ ફરીથી હોબાળો થવાને લીધે અધ્યક્ષ જગદીપ ધનખડે આવતીકાલે સવારે 11 વાગ્યા સુધી ગૃહની કાર્યવાહી સ્થગિત કરી દીધી હતી.
વિરોધપક્ષો પર નિશાન સાધતા સંસદીય બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ કહ્યું કે વિદેશ જઈને દેશને બદનામ કરવા માટે માફી માગવી જોઈએ, સંસદ અને અધ્યક્ષ પર સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે. હોબાળો કરવામાં આવી રહ્યો છે. વિપક્ષ આ બધું ધ્યાન હટાવવા માટેકરે છે કારણ કે વિપક્ષના સાંસદો જાણે છે કે રાહુલ ગાંધીએ જે કર્યું છે તે ખોટું છે.
Advertisement