Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, જાણો કારણ

લોકસભા ચૂંટણી: ગુજરાતમાં ભાજપની પ્રતિષ્ઠા દાવ પર, જાણો કારણ

0
417

લોકસભાના ત્રીજા તબક્કાની ચૂંટણીમાં ભાજપ માટે ગુજરાત સૌથી મહત્વ ધરાવે છે. એક તો આ વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહનું ગૃહ રાજ્ય છે. બીજું ગત લોકસભાની ચૂંટણીમાં ભાજપે રાજ્યની તમામ 26 બેઠકો પર કબ્જો જમાવ્યો હતો, પરંતુ 2017ની વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસ અને ભાજપ વચ્ચે કાંટાની ટક્કર જોવા મળી હતી.

2014ની લોકસભા ચૂંટણીમાં હિન્દી ભાષી રાજ્યોમાં ભાજપે શાનદર પ્રદર્શન કર્યું હતું. એક માત્ર ગુજરાજ બિન હિન્દીભાષી રાજ્ય હતું, જ્યાં ભાજપે 26 બેઠકો પર વિજય મેળવ્યો હતો. એ વખતે એવું માનવામાં આવતું હતું કે, નરેન્દ્ર મોદીના મુખ્યમંત્રીના કાર્યકાળ દરમિયાન તેમની ઉપલબ્ધિઓને કારણે લોકોએ ભાજપને એક તરફી વિજય અપાવ્યો. જેના કારણે 2009માં ગુજરાતની માત્ર 11 બેઠકો પર વિજય મેળવનાર કોંગ્રેસ 2014ની ચૂંટણીમાં એક પર બેઠક જીતી શકી નહતી. ભાજપે ગુજરાતમાં 59 ટકા મતો મેળવ્યા હતા, જ્યારે કોંગ્રેસને માત્ર 33 ટકા મતો જ પ્રાપ્ત થયા હતા.

છેલ્લા પાંચ વર્ષોમાં ગુજરાતમાં અનેક રાજકીય ઘટનાઓ બની છે, જે આ ચૂંટણી પર અસર કરી શકે છે. પાટીદાર અનામત આંદોલનનો સૌથી વધુ પ્રભાવ રહેશે. હાર્દિક પટેલના નેતૃત્વમાં 2015મા મોટુ આંદોલન થયું હતું. હાલ હાર્દિક કોંગ્રેસમાં સામેલ થઈને ભાજપને હરાવવા માટે મેદાનમાં ઉતર્યો છે. રાજ્યમાં 21 ટકા પાટીદાર મતદારો છે, જેમણે ગત ચૂંટણીમાં ભાજપને સાથ આપ્યો હતો. માનવામાં આવી રહ્યું છે કે, આ વખતે પાટીદર સમુદાયના મતો ભાજપ અને કોંગ્રેસ વચ્ચે વેંચાઈ શકે છે.

ગુજરાતમાં 2017ની વિધાનસભા ચૂંટણીના પરિણામો પણ આ લોકસભાની ચૂંટણી પર અસર કરી શકે છે. ગત વિધાનસભાની ચૂંટણીના પરિણામોથી જાણી શકાય છે કે, રાજ્યમાં કોંગ્રેસ મજબૂત થઈ રહી છે. 2014ની લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસને 33 ટકા મત મળ્યા હતા, જ્યારે વિધાનસભાની ચૂંટણીમાં તે આંકડો 41 ટકા પર પહોંચ્યો છે. જ્યારે ભાજપના મતની ટકાવારી 59થી ઘટીને 49 પર પહોંચી છે. વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસની 20 બેઠકો વધી છે, જ્યારે ભાજપની 16 બેઠકોમાં ઘટાડો નોંધાયો હતો. રાજકિય વિશ્લેષકોના જણાવ્યા અનુસાર, જો વિધાનસભાની ચૂંટણીના પેરામીટર પર જોવામાં આવે તો, ભાજપને આ વખતે 9 બેઠકોનું નુક્સાન થઈ શકે છે.

ગુજરાતના મહત્વના ચૂંટણી મુદ્દાઓમાં આ વખતે જીએસટી, પાટીદાર અનામત, નોટબંધી અને ખેડૂતોની સમસ્યા છે. આ બધામાં પાટીદાર સમુદાય તમામ મુદ્દાઓ પર હાવી છે, કારણ કે પટેલ ખેડૂત પણ છે, વ્યાપારી પણ છે અને અનામતની માંગ પણ કરી રહ્યાં છે.

આ વખતે ભાજપ ગુજરાતના ગૌરવનો મુદ્દો ઉઠાવી રહી છે. ભાજપ અધ્યક્ષ અમિત શાહ અહીંની ગાંધીનગર લોકસભા બેઠક પર ચૂંટણી લડી રહ્યાં છે. નરેન્દ્ર મોદીને ફરીથી વડાપ્રધાન બનાવવા માટે ગુજરાતની પ્રજાને અપીલ કરવામાં આવી રહી છે. ભાજપનો તર્ક છે કે, જ્યારે મોદી ગુજરાતના મુખ્યમંત્રી હતા, ત્યારે કેન્દ્રમાં કોંગ્રેસની સરકાર હતી. જેણે ગુજરાતના વિકાસમાં અવરોધ ઉભો કર્યો હતો. જ્યારે છેલ્લા પાંચ વર્ષોમાં કેન્દ્રની મોદી સરકારે રાજ્યના વિકાસ માટે ઘણું બધુ કર્યું છે અને આગળ પણ કરતી રહેશે.