Gujarat Exclusive > રાજનીતિ > લોકસભા ચૂંટણી: અનેક દિગજ્જોની પ્રતિષ્ઠા દાંવ પર, જાણો ક્યાં કોણે કર્યું મતદાન

લોકસભા ચૂંટણી: અનેક દિગજ્જોની પ્રતિષ્ઠા દાંવ પર, જાણો ક્યાં કોણે કર્યું મતદાન

0
367

લોકસભા ચૂંટણીના ત્રીજા તબક્કામાં 13 રાજ્યો અને બે કેન્દ્ર શાસિત પ્રદેશોની મળીને કુલ 117 બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. જેમાં વડાપ્રધાન મોદી અને ભાજપ અધ્યક્ષ અમિત શાહના ગૃહરાજ્ય ગુજરાતની 26 લોકસભા બેઠકો પર એકસાથે જ મતદાન થવાનું છે.

જો વાત કરવામાં આવે વડાપ્રધાન નરેન્દ્ર મોદીની તો, મતદાન કરતા પહેલા વડાપ્રધાને પોતાની માતા હિરાબાના આશીર્વાદ લીધા હતા, જે બાદ તેઓએ અમદાવાદના રાણીપ વિસ્તારમાં મતદાન કર્યું હતું. અહીં ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહ પણ હાજર રહ્યાં હતા.

આ ત્રીજો તબક્કો કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી અને ભાજપના અધ્યક્ષ અમિત શાહ માટે અગ્નિપરીક્ષા સમાન છે. ભાજપ અધ્યક્ષ પ્રથમ વખત લોકસભા ચૂંટણી લડી રહ્યાં છે, જે ભાજપના ગઢ ગણાતી ગાંધીનગર લોકસભા બેઠક પરથી મેદાનમાં છે. જ્યારે રાહુલ ગાંધી પ્રથમ વખત સાઉથના રાજ્ય કેરલના વાયનાડથી પોતાની કિસ્મત ચમકાવી રહ્યા છે. પાર્ટીઓના પ્રમુખ તરીકે પણ રાહુલ ગાંધી અને અમિત શાહ માટે આ પ્રથમ લોકસભા ચૂંટણી છે.

આ ચૂંટણીમાં મુલાયમસિંહ યાદવ પરિવારની શાખ પણ દાવ પર લાગી છે. મુલાયમ સિંહ પોતે મેનપુરીથી મેદાનમાં છે, તો ધર્મેન્દ્ર યાદવ બદાયું અને અક્ષય યાદવ ફિરોજાબાદથી લડી રહ્યાં છે. આ ઉપરાંત રામપુરમાં આજમખાન અને જયાપ્રદાની કિસ્મત પણ આજે ઈવીએમમાં કેદ થઈ જશે. જ્યારે પીલીભીતથી વરૂણ ગાંધી, બરેલીથી સંતોષ ગંગવાર, મધેપુરાથી શરદ યાદવ અને પપ્પુ યાદવના ભવિષ્યનો નિર્ણય મતદાતાઓ કરશે.

હવે વાત કરીએ કોણે ક્યાં મતદાન કર્યું

લોકસભામાં વિપક્ષ નેતા અને ગુલબર્ગાથી કોંગ્રેસ ઉમેદવાર મલ્લિકાર્જુન ખડગેએ પણ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જાણીતા સમાજ સેવક અન્ના હજારેએ મહારાષ્ટ્રના અહેમદનગર જિલ્લાના રાલેગણ સિદ્ધીમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

જો વાત કરવામાં આવે ગુજરાતની તો અમદાવાદમાં ભાજપના અધ્યક્ષ અમિત શાહ પોતાના પરિવાર સાથે નારણપુરાના મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો.

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીએ અમદાવાદના શાહપુર વિસ્તારની હિંદી હાઈસ્કૂલમાં પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો છે.

કોંગ્રેસ નેતા હાર્દિક પટેલે પણ સુરેન્દ્રનગર લોકસભા બેઠક માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના માતા હીરાબાએ પણ ગાંધીનગરના રાયસણ ખાતે આવેલા મતદાન મથક પર પહોંચીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

આ ઉપરાંત કેન્દ્રીય નાણાંમંત્રી અરૂણ જેટલીએ પણ અમદાવાદના પોલીંગ બૂથ પર આવીને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો.

ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને તેમના પત્ની અંજલી રૂપાણીએ રાજકોટના અનિલ જ્ઞાન મંદિરમાં બનેલા મતદાન મથક પર પહોંચીને મત આપ્યો હતો.