Gujarat Exclusive > ગુજરાત > ગુજરાતની 19 બેઠકો પર ‘કમળ’ સુરક્ષિત, 7 બેઠકો પર કાંટાની ટક્કર

ગુજરાતની 19 બેઠકો પર ‘કમળ’ સુરક્ષિત, 7 બેઠકો પર કાંટાની ટક્કર

0
342

આજે ત્રીજા તબક્કામાં ગુજરાતની 26 લોકસભા બેઠકો પર મતદાન થઈ રહ્યું છે. તમામ સર્વે અને કોંગ્રેસના દાવા છતાં ભાજપ ગુજરાત મામલે પરેશાન નથી જોવા મળતી. ગુજરાતમાં ભાજપની મજબૂતીનો અંદાજ 2014ની ચૂંટણીના પરિણામોથી લગાવી શકાય છે. 2014માં ભાજપે સુરત, વડોદરા અને નવસારી બેઠક 5 લાખની જંગી સરસાઈથી જીતી હતી. જ્યારે ગાંધીનગર લોકસભા બેઠક પર 4 લાખના અંતરથી વિજય થયો હતો. બે બેઠકો પર 3 લાખની સરસાઈ, તો 10 બેઠકો પર બે લાખથી વધારે મતોની સરસાઈથી ભાજપે કબ્જો જમાવ્યો હતો. આ ઉપરાંત 7 બેઠકો એવી હતી, જ્યા એક લાખની સરસાઈથી ભાજપનો વિજય થયો હતો. આ રીતે જોવા જઈએ તો, રાજ્યની 26 બેઠકોમાંથી 19 બેઠકો પર ભાજપ સુરક્ષિત છે, જ્યારે 7 બેઠકો પર ખરાખરીનો જંગ જોવા મળી શકે છે, જ્યાં 2014માં માત્ર નજીવી સરસાઈથી હાર-જીતનો નિર્ણય થયો હતો.

બીજી તરફ 2017ની વિધાનસભાની ચૂંટણી સાથે સરખામણી કરવામાં આવે તો, 26માંથી 7 બેઠકો એવી છે, જ્યાં કોંગ્રેસને ભાજપ કરતા 14 હજારથી લઈને દોઢ લાખ જેટલા વધારે મતો મળ્યા હતા. આ બેઠકોમાં બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, સુરેન્દ્રનગર, જૂનાગઢ અને અમરેલી છે. કોંગ્રેસ પણ આ બેઠકો પર સૌથી વધારે ધ્યાન આપી રહી છે, ભાજપને પણ આ વાતનો અંદાજો છે. ભાજપ જાણે છે કે, મોદી લહેર એકમાત્ર ફેક્ટર એવું છે, જે ગમે તેવી સત્તા વિરોધી લહેરને શાંત કરી શકે છે.

આજ કારણ છે કે, મોદીએ ગુજરાતમાં 7 જનસભા સંબોધી, તેમાંથી 4 રેલીઓ આવી બેઠકો પર કરવામાં આવી છે. જેના કારણે થોડા દિવસો પહેલા આ બેઠકો પર કોંગ્રેસ તરફી માહોલને ભેદવામાં ભાજપ સફળ થઈ છે અને ભાજપ આ બેઠકો પર મજબૂત બની છે. ભાજપ ગુજરાતમાં કોંગ્રેસને મોદી વિરોધી, ગુજરાત વિરોધી, દેશ વિરોધી સાબિત કરવામાં સફળ થઈ છે.

2014માં મોદી લહેર હોવા છત્તા રાહુલ અને સોનિયા ગાંધીએ ગુજરાતમાં 11 રેલીઓને સંબોધી હતી, જ્યારે આ વખતે માત્ર રાહુલ ગાંધી આવ્યા અને માત્ર 5 જનસભા સંબોધી શક્યા છે. કોંગ્રેસ તરફથી પ્રચારની જવાબદારી હાર્દિક પટેલ, અહેમદ પટેલ અને સ્થાનિક નેતાઓને જ સોંપવામાં આવી હતી. આટલું જ નહી, પ્રિયંકા ગાંધીને ગુજરાતમાં પ્રચાર કરવાથી દૂર રાખવામાં આવી છે.

ગુજરાતમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ, મતદાનના દિવસે હિટવેવની આશંકા છે. ભાજપ અને કોંગ્રેસ બન્નેની કોશિષ રહેશે કે, શરૂઆતના 4 કલાકમાં જ વધારે મતદાન થઈ જાય. ભાજપ શહેરોમાં સૌથી વધારે, તો ગ્રામીણ વિસ્તારોમાં ઓછો ફાયદો જોઈ રહી છે, જ્યારે કોંગ્રેસ દ્વારા ગામડાઓમાં સૌથી વધારે મતદાન કરાવવાની કોશિષ કરવામાં આવશે.

ગુજરાતમાં 43 ટકા મતદારો શહેરમાં અને 57 ટકા મતદારો ગામડાઓમાં છે. 2014માં 60 ટકા મતદાન થયું હતું. જો કે તે વખતે મોદી લહેર હતી, પરંતુ 2009માં માત્ર 47.9 ટકા મતદાન નોંધાયું હતું. જેમાં ગામડાઓની ભૂમિકા મહત્વની હતી. એ વખતે ભાજપે 15, તો કોંગ્રેસને 11 બેઠકો મેળવવામાં સફળતા મળી હતી.

જો ક્ષેત્રદીઠ વાત કરવામાં આવે, તો મધ્ય ગુજરાતમાં 9 લોકસભાની બેઠકો આવેલી છે. અમદાવાદ પૂર્વ અને પશ્ચિમની બેઠક પર જીતની સરસાઈ ઘટી શકે છે. ગાંધીનગરમાં પણ જીતનું અંતર ઘટવાની સંભાવના છે. ભરૂચમાં ત્રિપાંખીયો જંગ ભાજપને ફાયદો પહોંચાડી શકે છે. કોંગ્રેસ દ્વારા મુસ્લિમ ઉમેદવારને ટિકીટ આપવામાં આવતા મતોનું ધ્રુવીકરણ થઈ શકે છે.

દક્ષિણ ગુજરાતની 5 બેઠકોની વાત કરવામાં આવે તો, સુરત, નવસારી અને વલસાડમાં ભાજપની મજબૂત સ્થિતિ છે. સુરતમાં દર્શના જરદોશ વિરૂદ્ધ લોકોની નારાજગી છે, પરંતુ નરેન્દ્ર મોદીના કારણે ભાજપને ફાયદો થઈ શકે છે. વલસાડમાં કોંગ્રેસ પૂરી તાકાત લગાવી રહી છે, પરંતુ તેને કેટલો ફાયદો થશે તે તો 23 એપ્રિલે પરિણામ જાહેર થયા બાદ જ જાણવા મળશે.

ઉત્તર ગુજરાતની 5 બેઠકોમાં પાટણ બેઠક પર ભાજપ નબળી છે, પરંતુ વડાપ્રધાન મોદીની રેલીના કારણે ભાજપને ફાયદો થઈ શકે છે. જ્યારે ઠાકોર સેનાના અલ્પેશ ઠાકોરે કોંગ્રેસ સાથે છેડો ફાડી નાંખતા કોંગ્રેસ નબળી પડી ગઈ છે. મહેસાણા, સાબરકાંઠા, બનાસકાંઠામાં ખરાખરીનો જંગ છે. આ બેઠકો કોઈના પણ ફાળે જઈ શકે તેમ છે.

સૌરાષ્ટ્ર-કચ્છની 7 બેઠકોની વાત કરવામાં આવે તો અમરેલીથી કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ સરદાર પટેલના સ્ટેચ્યુ પર કરેલી વિવાદીત ટિપ્પણીને વડાપ્રધાન મોદીએ મહત્વનું મુદ્દો બનાવ્યો છે. જેની અસર થઈ શકે છે. રાજકોટ, જામનગર, કચ્છ અને ભાવનગર બેઠક પર ભાજપની સારી પક્કડ હોવાથી કમળ ખીલવાની સંભાવના છે. જ્યારે પોરબંદર બેઠક પર કાંટાની ટક્કર સાબિત થઈ શકે છે.જ્યારે જૂનાગઢ અને અમરેલીમાં નજીવા અંતરે નિર્ણય નક્કી થઈ શકે છે.

આ રીતે ગુજરાતની તમામ 26 લોકસભા બેઠક પર નજર નાંખવામાં આવે તો, 22 થી 23 બેઠકો પર કમળ ખીલી શકે છે. જ્યારે કોંગ્રેસ 3 કે 4 બેઠકો પર કબ્જો જમાવી શકે છે. જેમાં મોટાભાગના પરિણામ નજીવા અંતરે થઈ શકે છે, છત્તા મતદાતાઓના મનની વાત, તો પરિણામ આવ્યે જ જાણી શકાશે.