Gujarat Exclusive > દેશ-વિદેશ > લોકસભા ચૂંટણી બની લોહિયાળ, TMC-BJPએ એક બીજાની ચૂંટણી પંચને કરી ફરિયાદ, ચોથા તબક્કામાં 63.16 % મતદાન

લોકસભા ચૂંટણી બની લોહિયાળ, TMC-BJPએ એક બીજાની ચૂંટણી પંચને કરી ફરિયાદ, ચોથા તબક્કામાં 63.16 % મતદાન

0
422

નવી દિલ્હી: લોકસભા ચૂંટણી 2019માં ચોથા તબક્કામાં 9 રાજ્યોની 72 બેઠકો પર મતદાન યોજાયુ હતું. ભારે ગરમી વચ્ચે પણ મતદારોએ મતદાન કર્યુ હતું. ચોથા તબક્કામાં 63.16 % જેટલુ મતદાન થયુ હતું.ચોથા તબક્કામાં સૌથી વધુ મતદાન પશ્ચિમ બંગાળમાં થયુ હતું જ્યારે સૌથી ઓછુ મતદાન જમ્મુ-કાશ્મીરમાં થયુ હતું.  મતદાન દરમિયાન કેટલીક જગ્યાએ અથડામણના પણ સમાચાર હતા. પશ્ચિમ બંગાળના આસનસોલમાં TMC-BJP કાર્યકર્તાઓ વચ્ચે અથડામણ થઇ હતી જેમાં આસનસોલના બીજેપીના ઉમેદવાર બાબુલ સુપ્રિયોની ગાડીને નુકસાન પહોચાડવામાં આવ્યુ હતું. TMC-BJPએ તે બાદ ચૂંટણી પંચને એક બીજાની ફરિયાદ કરી છે.

ચોથા તબક્કામાં 63.16 % મતદાન

ચોથા તબક્કામાં બિહારમાં 59.02 ટકા, જમ્મુ-કાશ્મીરમાં 9.79 ટકા, ઝારખંડમાં 64.38 ટકા,મધ્ય પ્રદેશમાં 69.39 ટકા, મહારાષ્ટ્રમાં 55.86 ટકા, ઓરિસ્સામાં 64.24 ટકા, રાજસ્થાનમાં 67.91 ટકા, ઉત્તર પ્રદેશમાં 58.84 ટકા અને પશ્ચિમ બંગાળમાં 76.72 ટકા મતદાન યોજાયુ હતું.

પશ્ચિમ બંગાળમાં ચોથા તબક્કાના મતદાનમાં હિંસા

પશ્ચિમ બંગાળના આસનસોલના જેમુઆમાં તૃણમુલ કોંગ્રેસ (TMC) અને બીજેપી કાર્યકર્તા વચ્ચે અથડામણ થઇ હતી. બન્ને તરફથી ડંડાવાળી કરવામાં આવી હતી. આ કાર્યકર્તાઓ પર કાબુ મેળવવા માટે પોલીસે પણ લાઠીચાર્જ કરવાની ફરજ પડી હતી, ત્યાં રેપિડ એક્શન ફોર્સ (આરએએફ)ને મુકવામાં આવી છે. આસનસોલના બીજેપી ઉમેદવાર બાબુલ સુપ્રિયોની કાર પર આ દરમિયાન હુમલો થયો હતો, જેને કારણે તેમની કારના કાચ તૂટી ગયા હતા.

કન્નોજમાં EVM ખરાબ થતા દોઢ કલાક લાઇનમાં ઉભા રહ્યાં કાર્યકર્તા

ચોથા તબક્કામાં ઉત્તર પ્રદેશની 13 લોકસભા સીટો પર મતદાન યોજાઇ રહ્યું છે.ઉત્તર પ્રદેશના કન્નોજમાં ત્રણ બૂથો પર ઇવીએમ ખરાબ છે, જેને કારણે દોઢ કલાકથી મતદાન રોકાયેલુ છે. મહોબામાં ઇવીએમ મશીન ખરાબ થવાના સમાચાર છે. ઝાંસી લોકસભા બેઠક પર મતદાન કેન્દ્ર 88 પર ઇવીએમ મશીન ખરાબ થવાના સમાચાર છે, જેને કારણે મતદાન કરવા આવેલા લોકોએ પરેશાન થવુ પડે છે.

કન્નોજમાં સપા નેતાઓેને નજરકેદ કરવામાં આવ્યા

કન્નોજમાં સપા નેતાઓને નજર કેદ કરવામાં આવ્યા હોવાની ફરિયાદ કરવા સમાજવાદી પાર્ટી ચૂંટણી પંચ પાસે જશે. પોલીસે રવિવાર રાતથી જ સપાના કેટલાક નેતાઓને નજર કેદ કર્યા છે. સપા બીજેપી પર પોલીસનો દુર ઉપયોગ કરવાનો આરોપ લગાવી રહી છે.

દિગ્ગજોએ કર્યુ મતદાન

ઉત્તર પ્રદેશના ગોરખપુરથી બીજેપીના ઉમેદવાર અને એક્ટ્રેસ રવિ કિશને મુંબઇના ગોરેગાંવમાં મતદાન કર્યુ હતું. જ્યારે એક્ટ્રેસ રેખાએ બાંદ્રામાં મતદાન કર્યુ હતું. મુંબઇ નોર્થથી કોંગ્રેસના ઉમેદવાર ઉર્મિલા માતોડકરે પણ બાંદ્રામાં મતદાન કર્યુ હતું. બિહારના બેગુસરાયથી બીજેપીના ઉમેદવાર ગિરિરાજ સિંહે લખીસરાય જિલ્લાના બરાહિયાના પોલિંગ બૂથ નંબર 33 પર પોતાનું મતદાન કર્યુ હતું. બેગૂસરાયમાં કન્હૈયા કુમાર પણ મત આપવા પહોચ્યા હતા. મધ્યપ્રદેશના મુખ્યમંત્રી કમલનાથે પણ મતદાન કર્યુ હતું. ઉન્નાવના બીજેપીના ઉમેદવાર સાક્ષી મહારાજે પણ મતદાન કર્યુ હતું. બિઝનેસમેન અનિલ અંબાણીએ પણ મુંબઇમાં મતદાન કર્યુ હતું. રાજસ્થાનના પૂર્વ મુખ્યમંત્રી વસુંધરા રાજેએ પણ ઝાલાવાડમાં મત આપ્યો હતો. શંકર મહાદેવને વાશીના ગોલ્ડક્રેસ્ટ સ્કૂલમાં પત્ની સાથે મતદાન કર્યુ હતું. મુંબઇ નોર્થ સેન્ટ્રલથી બીજેપીના ઉમેદવાર પૂનમ મહાજને વર્લીમાં પોતાનો મત આપ્યો હતો. ભારતીય રિઝર્વ બેન્કના ગવર્નર શક્તિકાંત દાસે પણ મુંબઇમાં મતદાન કર્યુ હતું.