Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > અમદાવાદીઓને રાહત! શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન થશે સમાપ્ત, શુક્રવારથી શરતોને આધિન ખુલશે દુકાનો

અમદાવાદીઓને રાહત! શહેરમાં સંપૂર્ણ લૉકડાઉન થશે સમાપ્ત, શુક્રવારથી શરતોને આધિન ખુલશે દુકાનો

0
3810

અમદાવાદ: શહેરમાં કોરોના વાઈરસનો પ્રકોપ દિન-પ્રતિદિન વધતો જઈ રહ્યો છે, ત્યારે જીવલેણ વાઈરસના સંક્રમણને ફેલાતુ અટકાવવા માટે વહીવટી તંત્ર દ્વારા છેલ્લા કેટલાક દિવસોથી લૉકડાઉનનું કડક અમલ કરાવવામાં આવી રહ્યું છે. જો કે હવે લૉકડાઉન વચ્ચે શહેરીજનો માટે રાહતના સમાચાર છે. જેમાં શુક્રવાર એટલે કે 15મીં મેથી શાકભાજી સહિત જીવન જરૂરી ચીજ વસ્તુઓની દુકાનોને શરતોને આધિન ખોલી શકાશે.

અમદાવાદના રિવરફ્રંન્ટ હાઉસમાં અમદાવાદ કોવિડ ઈન્ચાર્જ ડૉ રાજીવ ગુપ્તા (IAS)ની અધ્યક્ષતામાં મંગળવારે યોજાયેલી બેઠકમાં અનેક નિર્ણયો કરવામાં આવ્યા છે. આ નિર્ણય અનુસાર, આગામી 15-મેથી સંપૂર્ણ લૉકડાઉન સમાપ્ત કરવામાં આવશે. શહેરીજનોને જરૂરી વસ્તુઓ મળી શકે, તે હેતુથી શાકભાજી, ફળ અને કરિયાણાની દુકાનોને નિયમો મુજબ ખોલવાની મંજૂરી આપવામાં આવી છે.

સુપર સ્પ્રેડરનું થશે સ્ક્રીનિંગ
સંપૂર્ણ લૉકડાઉનની મુદ્દત પૂરી થયા પહેલા શહેરના તમામ સુપર સ્પ્રેડર અર્થાત દુકાનદારો અને દુકાનોમાં કામ કરતા કર્મચારીઓ, શાકભાજી વેચનારા, દૂધની ડેરીવાળા, દવાઓની વેચાણ કરતા અને લોટ દળવાની ઘંટી ચલાવનારા લોકોનું મ્યુન્સિપલ કોર્પોરેશન દ્વારા સ્ક્રીનિંગ કરવામાં આવશે. જે બાદ તેમને હેલ્થ કાર્ડ ઈસ્યૂ કરવામાં આવશે. આ હેલ્થ કાર્ડની મુદ્દત એક સપ્તાહની રહેશે, જે બાદ ફરીથી તેમનું સ્ક્રીનિંગ કરવામાં આવશે અને ફરીથી હેલ્થ કાર્ડ આપવામાં આવશે.

શાકભાજીની દુકાન, લોટ દળવાની ઘંટી, પ્રોવિઝન સ્ટોર્સ સહિત અન્ય જરૂરી સામાનની દુકાનોને સવારે 8 વાગ્યાથી બપોરે 3 વાગ્યા સુધી ખુલ્લી રાખવાની મંજૂરી આપવામાં આવી છે. જો કે આમાં પણ અલગ-અલગ વિસ્તારો પ્રમાણે અલગ-અલગ વ્યવસ્થા કરવામાં આવશે.

આ નિયમોનું કરવુ પડશે પાલન
આ બેઠકમાં લેવામાં આવેલા નિર્ણય મુજબ, નક્કી કરેલા સામાનને જ ચોક્કસ સમય માટે વેચી શકાશે. દરેક દુકાનદાર અને દુકાનમાં કામ કરી રહેલા કર્મચારીઓને સ્ક્રીનિંગ કાર્ડ આપવામાં આવશે. જે તેમણે પોતાની પાસે જ રાખવાનું રહેશે. સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન ફરજિયાત કરવાનું રહેશે. લેવડ-દેવડ દરમિયાન રૂપિયા રાખવા માટે અલગ-અલગ ટ્રેની વ્યવસ્થા કરવાની રહેશે. આ સાથે જ દુકાનોમાં કામ કરી રહેલા દરેક કર્મચારીઓ માસ્ક અને હેન્ડ ગ્લોવ્સનો ઉપયોગ કરવાનો રહેશે.

આ ઉપરાંત ગ્રાહકો માટે સેનેટાઈઝરની વ્યવસ્થા પણ ફરજિયાત કરવાની રહેશે. હોમ ડિલીવરીનો સમય સવારે 10 થી સાંજે 5 સુધીનો રહેશે. આ ઉપરાંત ઓનલાઈન પેમેન્ટ પર ભાર મૂકવામાં આવ્યો છે, જો કે તે હાલ પુરતો જરૂરી નથી.

જણાવી દઈએ કે, કોરોના વાઈરસના વધતા જતા કેસોને પગલે ગત સપ્તાહે વહીવટી તંત્ર દ્વારા અચાનક જ 15-મેં સુધી સંપૂર્ણ લૉકડાઉનનું એલાન કરવામાં આવ્યું હતું. જેમાં માત્ર દવાની દુકાનો અને દૂધની દુકાનોને જ છૂટ આપવામાં આવી હતી. અચાનક કરવામાં આવેલા એલાન બાદ શહેરીજનો કરિયાણા અને શાકભાજીની દુકાને ખરીદી કરવા ઉમટી પડ્યા હતા. જેને કારણે અનેક ઠેકાણે સોશિયલ ડિસ્ટન્સિંગના લીરા પણ ઉડ્યા હતા. જો કે હવે વહીવટી તંત્ર દ્વાર શુક્રવારથી સંપૂર્ણ લૉકડાઉન સમાપ્ત કરવામાં આવતા શહેરીજનો માટે રાહતના સમાચાર ચોક્કસ કહી શકાય.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

કોરોના બેકાબુ: 24 કલાકમાં 122ના મોત, દેશમાં સંક્રમિતોની સંખ્યા 74 હજારને પાર