Gujarat Exclusive > દેશ-વિદેશ > કોરોનાના એપી સેન્ટર વુહાનમાં 76 દિવસો બાદ લૉકડાઉન સમાપ્ત, લોકોમાં ઉત્સાહ

કોરોનાના એપી સેન્ટર વુહાનમાં 76 દિવસો બાદ લૉકડાઉન સમાપ્ત, લોકોમાં ઉત્સાહ

0
756

વિશ્વમાં જ્યાં એક તરફ કોરોના વાઈરસનો પ્રકોપ વધતો જઈ રહ્યો છે, ત્યાં ચીનના જે શહેરમાંથી આ વાઈરસના ફેલાવવાની શરૂઆત થઈ હતી, ત્યાં લૉકડાઉન સમાપ્ત કરી દેવામાં આવ્યું છે. ચીનના વુહાન શહેરમાં છેલ્લા 76 દિવસોથી લૉકડાઉન લાગૂ કરવામાં આવ્યું હતું. ચીન બાદ વિશ્વના અન્ય દેશોમાં પણ કોરોના વાઈરસને ફેલાતો અટકાવવા માટે લૉકડાઉન લાગૂ કર્યું હતું. વુહાનમાં ગઈ કાલે મોડી રાત્રે લૉકડાઉન હટાવવામાં આવ્યું.

આ લૉકડાઉન હટવા સાથે જ લોકોમાં ઉત્સાહનો માહોલ જોવા મળ્યો હતો. વુહાનના માર્કેટમાં ફરીથી લોકોનો ધસારો જોવા મળ્યો હતો. આ સાથે જ બસો અને બોટના રૂટ ઉપરાંત ટેક્સી સર્વિસને પુન:શરૂ કરી દેવામાં આવી છે.

જણાવી દઈએ કે, ચીનમાં સામે આવેલા કોરોનાના 82 હજાર પોઝિટિવ કેસોમાં મોટા ભાગના વુહાનમાંથી જ સામે આવ્યા હતા. ચીનમાં જીવલેણ કોરના વાઈરસ સબંધી આંકડા જાન્યુઆરીથી પ્રકાશિત કરવામાં આવ્યા બાદ મંગળવારે પ્રથમ વખત એવું થયું કે, દેશમાં કોરોના વાઈરસથી મોતનો એક પણ કેસ સામે ના આવ્યો હોય. જે બાદ હવે કોરોના વાઈરસના એપીસેન્ટર રહેલા વુહાનમાં બહારના લોકો આવી શકે તે માટે ખોલવાની તૈયારી થઈ રહી છે.

નવા કોરોના પોઝિટિવ કેસોએ ચિંતા વધારી
ચીને જ્યાં વુહાનને ખોલવાનું શરૂ કર્યું છે, ત્યાં કોરોના વાઈરસે ફરીથી માથુ ઉંચકતા દેશમાં ચિંતા વધી રહી છે, કારણ કે વિદેશોથી સંક્રમિત થઈને આવેલા 32 નવા કેસોથી તેની સંખ્યા 983 થઈ ગઈ છે. ચીનના રાષ્ટ્રીય સ્વાસ્થ્ય આયોગે મંગળવારે જણાવ્યું કે, સોમવારે કોરોના વાઈરસના લોકલ ટ્રાન્સમિશનના અને મોતનો કોઈ કેસ સામે નથી આવ્યો. ચીનમાં કોરોના વાઈરસથી મૃતકોનો સત્તાવાર આંકડો 3331 છે.

30 કેસોની પુષ્ટિ, પરંતુ લક્ષણ નહી
ચીનમાં કુલ 30 એવા કેસો સામે આવ્યા, જેમાં સંક્રમણની પુષ્ટિ તો થઈ ગઈ છે, પરંતુ COVID-19ના લક્ષણો નથી જોવા મળી રહ્યાં. આ કેસોમાં દર્દીઓમાં લક્ષણો ના હોવા છતાં તેઓ બીજાને ચેપ ફેલાવી શકે છે. ગત સપ્તાહથી ચીને એવા લોકોની સંખ્યા જણાવવાની શરૂઆત કરી, જેમાં લક્ષણો જોવા નહતા મળી રહ્યા.

રેલ-વિમાની સેવાઓ તૈયાર
વુહાનમાં ડિસેમ્બરમાં પ્રથમ કેસ સામે આવ્યો અને પછી આ વાઈરસ જંગલની આગની જેમ સમગ્ર વિશ્વમાં ફેલાઈ ગયો. વુહાનમાં જો કે બુધવારે રેલવે અને વિમાની સેવાઓ શરૂ કરવાની તૈયારી કરી લેવાઈ છે. વુહાનના હુબેઈ પ્રાંતની રાજધાની છે અને હુબેઈએ પહેલા જ બહારના લોકોની મુસાફરીની સુવિધા શરૂ કરી દીધી છે. વુહાન શહેરની અંદર ટ્રાન્સપોર્ટ સેવાઓ પહેલાથી જ શરૂ થઈ ચૂકી છે અને બુધવારે અહીંથી ચીનના અન્ય વિસ્તારો માટે રેલવે અને હવાઈ સેવા પણ શરૂ કરવામાં આવશે.

બીમારીને લઈને બેફિકર થવાનો સમય નથી
સરકારી મીડિયાના જણાવ્યા પ્રમાણે, સ્થાનિક લોકો માટે 8 એપ્રિલથી અંદાજે 2 મહિના કરતા વધારે સમયના આઈસોલેશન બાદ સામાન્ય જનજીવન ફરીથી પાટા પર આવશે. હેલ્થ એક્સપર્ટોનું માનવું છે કે, હજુ આ બીમારીને લઈને બેફિકર થવાનો સમય નથી અને પ્રતિબંધોને સંપૂર્ણ હટાવવાનો સમય પણ હજુ સુધી આવ્યો નથી.

વહીવટી તંત્રએ 73 દિવસોથી ચાલતા આવી રહેલા પ્રતિબંધો હટાવતા સ્થાનિક લોકોને જણાવ્યું કે, સોશિયલ ડિસ્ટન્સિંગ અને નિયમોનું પાલન યથાવત રાખો અને કોરોના વાઈરસના નવા કેસો સામે ના આવે તે જુઓ.

સરકારી ગ્લોબલ ટાઈમ્સના રિપોર્ટ પ્રમાણે, સ્થાનિક લોકો જ્યાં પ્રતિબંધ હટવાને લઈને ઉત્સાહિત છે, તો બીજી તરફ રોગ વિશેષજ્ઞો, સ્થાનિક ડોક્ટરો અને અધિકારીઓએ ચેતવણી આપી છે કે, આ ખુશ થવાનો સમય નથી, કારણ કે વાઈરસને લઈને હજુ ઘણી વાતો સ્પષ્ટ નથી અને સંક્રમિત લોકોની સંખ્યા સાથે જ આવા લોકોના સામે આવવાથી મુશ્કેલીઓ વધી રહી છે, જેના સંક્રમણ છતાં લક્ષણ જોવા નથી મળી રહ્યાં.

કોરોના વાયરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથી, તેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

મહામારી સામે લડાઈમાં ‘સ્વાસ્થ્ય સૈનિકો’ માટે જરૂરી PPE શું છે? દેશમાં હાલ કેટલી આવી કિટ