Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > લોકડાઉન-5ને લઇ ગુજરાતમાં ફરીથી બધુ બંધ થશે એ માત્ર એક અફવાઃ વિજય રૂપાણી

લોકડાઉન-5ને લઇ ગુજરાતમાં ફરીથી બધુ બંધ થશે એ માત્ર એક અફવાઃ વિજય રૂપાણી

0
1945

ગાંધીનગરઃ સમગ્ર દેશમાં અને રાજ્યમાં કોરોનાની મહામારી ચાલી રહી છે. ત્યારે હાલ સમગ્ર દેશમાં લોકડાઉન 4 શરૂ છે. જે 31 મેનાં રોજ પૂર્ણ થવા જઇ રહ્યું છે. ત્યારે રાજ્યમાં ચાલી રહેલા લોકડાઉનનાં ચોથા તબક્કામાં આપવામાં આવેલી છૂટછાટ બાદ ગુજરાતમાં અનેક એવાં વિસ્તારો છે જ્યાં કોરોનાનાં કેસો વધ્યાં છે. ગુજરાતમાં ને એમાંય અમદાવાદમાં તો કોરોનાએ કાળો કહેર મચાવી દીધો છે. ત્યારે રાજ્યમાં અને દેશમાં વધતા જતા કોરોના સંક્રમિત કેસોનાં આંકડાઓ વચ્ચે રાજ્યમાં લોકો એવી અફવા ફેલાવી રહ્યાં છે કે લોકડાઉનનો પાંચમો તબક્કો આવશે તેમાં હવે આપવામાં આવેલી તમામ છૂટછાટોને બંધ કરી દેવામાં આવશે.

તમને જણાવી દઇએ કે જે વિસ્તારોમાં કોરોના પહેલાથી જ વકર્યો હતો ત્યાં હજી પણ કોરોના નિયંત્રણમાં નથી આવ્યો. જેને લઇને છેલ્લાં કેટલાંક દિવસથી સોશિયલ મીડિયામાં મેસેજ ફરતા થઇ ગયાં છે. જો કે ફરી લોકડાઉન 5માં બધું જ બંધ કરી દેવામાં આવશે તેવી અફવા વચ્ચે અને સોશિયલ મીડિયામાં આવાં ફરતા થયેલા મેસેજને ધ્યાનમાં રાખીને મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સ્પષ્ટતા કરી છે કે, ‘1લી જૂનથી લોકડાઉન-5 અમલમાં આવશે અને ફરીથી બધું બંધ કરી દેવામાં આવશે, એવી વાતો જે ફેલાઈ રહી છે. તે વાતો માત્ર અફવા છે અને નાગરિકોએ આવી ખોટી અફવાઓથી દૂર રહેવું જોઇએ. તેમ મુખ્યમંત્રીએ સ્પષ્ટપણે જણાવ્યું છે.’

ઉલ્લેખનીય છે કે ગઇ કાલ સાંજના ગુરૂવાર તારીખ 28 સુધીનાં આંકડાઓની જો વાત કરીએ તો રાજ્યમાં કોરોના વાયરસના નવા 367 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે જ્યારે 454 દર્દીઓ સ્વસ્થ્ય થઇને ઘરે ગયા છે. રાજ્યમાં કોરોના વાયરસ પોઝિટિવ કેસની સંખ્યા 15572 થઇ ગઇ છે.

અમદાવાદમાં કોરોના વાયરસના નવા 247 પોઝિટિવ કેસ સામે આવ્યાં છે. જ્યારે સુરતમાં 44, વડોદરા 33, મહિસાગર 8, કચ્છ-રાજકોટમાં 7-7, ગાંધીનગર-4, આણંદ-પંચમહાલમાં 2-2, ખેડા-અરવલ્લી-બનાસકાંઠા-બોટાદ-છોટા ઉદેપુર- ગીર સોમનાથ-જૂનાગઢ- મહેસાણા- મોરબી-નવસારી-પાટણ-સુરેન્દ્રનગર-વલસાડમાં 1-1 કોરોનાનો પોઝિટિવ કેસ સામે આવ્યો છે. જ્યારે રાજ્યમાં અમદાવાદમાં 16, વડોદરામાં 3, કચ્છ-પાટણ અને સુરેન્દ્રનગર ખાતે 1-1 વ્યક્તિનું 24 કલાક દરમિયાન કોરોના વાયરસ મહામારીને કારણે મોત થયુ છે. આ સાથે જ રાજ્યમાં મૃતકઆંક 960 પર પહોચી ગયો છે.

કોરોના વાઈરસના કારણે વર્તમાન સ્થિતિમાં તમારા સુધી ન્યૂઝ પેપર પહોંચી રહ્યાં નથીતેવામાં દેશ-દુનિયાના અને ખાસ કરીને ગુજરાતના સમાચારો માટે તમે ગુજરાત એક્સક્લૂઝિવના ફેસબુક પેજને લાઈક કરી શકો છો અથવા વોટ્સએપ-ટેલિગ્રામ અને ટ્વિટર પર અમારા સાથે જોડાઇ શકો છો.

અમદાવાદનાં મેયર બિજલ પટેલે જ માસ્ક ન પહેરતા કર્યો કાયદાનો ભંગ, શું AMC રૂ. 200 દંડ વસુલશે ખરૂ?