Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > રામજન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિમાં યોગદાન આપ્યું છે ? તો વિગતો જણાવો

રામજન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિમાં યોગદાન આપ્યું છે ? તો વિગતો જણાવો

0
110
  • ચુંટણીમાં ટિકીટ માંગનાર પાસે ભાજપ દ્વારા માંગવામાં આવેલી વિગતો

  • સરકારી યોજનાનો કેટલાં લાભાર્થીઓને લાભ અપાવ્યા તે પણ માહિતી માંગી છે

ગાંધીનગર: સ્થાનિક સ્વરાજયની ચૂંટણીની તારીખો જાહેર થતાંની સાથે જ રાજકીય પક્ષોમાં ટિકીટ માટે પડાપડી થવા લાગી છે. છેલ્લી બે ટર્મની ચૂંટણીમાં ભાજપનું પલ્લું ભારે હોવા છતાં કોંગ્રેસમાં પણ ટિકીટ મેળવવા માટે ભલામણો શરૂ થઇ જવા પામી છે. તેમાંય વળી ભાજપે તો ઉમેદવારી માટે ઇચ્છા ધરાવતાં વ્યક્તિનું પરિચય પત્રક માટેનું ફોર્મ બહાર પાડયું છે. જેમાં તેમણે રામજન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિમાં કે પછી સમર્પણ નિધિ -2018 અંતર્ગત યોગદાન આપ્યું હતું કે નહીં તેની વિગતો માંગી છે. તેની સાથે સરકારી યોજનાનો કેટલાં લોકોને લાભ અપાવ્યો છે તે લાભાર્થીની સંખ્યાથી માંડીને યોજનાનું નામ વગેરે વિગતો માંગી છે. જે ચર્ચાનો વિષય બન્યો છે.

રાજય ચુંટણી પંચ તરફથી મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા તથા તાલુકા પંચાયતની ચૂંટણીની તારીખો શનિવારે જાહેર કરી હતી. આ જાહેરાત થતાંની સાથે જ ચૂંટણી લડવા ઇચ્છુક ઉમેદવારોએ ટિકીટ મેળવવા માટે ગોડફાધરોને ત્યાં આંટાફેરા તથા ફોનની ઘંટડીઓ રણકવા માંડી છે.

આ પણ વાંચો: AMC દ્વારા રાજકીય પક્ષોના બેનરો હટાવવાની કામગીરી શરુ

ત્યારે ભાજપે ઉમેદવારી માટે ઇચ્છા ધરાવતાં ઉમેદવાર માટે એક પાનાનું પરિચય પત્રક બહાર પાડયું છે. તેની સાથે અલગથી બાયોડેટા આપી શકાશે. પરંતુ આ ફોર્મ ભરવું ફરજિયાત છે. જેમાં તેમના નામ, સરનામા, મોબાઇલ નંબરથી માંડીને કયા જિલ્લા કે શહેરના કયા વોર્ડ માટે ઉમેદવારી નોંધાવવાની છે. તેમ જ પક્ષમાં વર્તમાન અને પૂર્વ જવાબદારી કઇ નિભાવી છે. તેમનો પ્રાથમિક સભ્ય નંબર, પેજ કમિટી નંબર, સક્રિય સભ્ય નંબર, પુરા બુથની પેજ કમિટી બનાવી છે.

આ ઉપરાંત આ પરિચય પત્રકમાં જન્મતારીખ, ઉંમર, ગ્યાતિ, પેટા ગ્યાતિ, અભ્યાસ, વ્યવસાય તેમ જ વિશેષ રૂચિ શેમાં છે. વક્તા, વાંચન, લેખન, રમતગમત, સમાજસેવા, પ્રવાસ, ધાર્મિક કે પછી અન્ય રૂચિ છે તે પણ કોલમ રાખી છે. આટલું જ નહીં પરંતુ તમારો ફેસબુક આઇ.ડી., ટવીટર આઇ.ડી., ઇન્સ્ટ્રાગ્રામ આઇ.ડી. અને તમે અન્ય કોઇ ક્ષેત્રમાં ચૂંટાયેલા છો તો કઇ સંસ્થા, મંડળો, કર્મચારી સંઘ કે પછી સહકારી સંસ્થા તેની માહિતી માંગી છે.

છેલ્લે સમર્પણ નિધિ-2018 અંતર્ગત તેમ જ શ્રી રામજન્મભૂમિ તિર્થ ક્ષેત્ર નિધિમાં યોગદાન આપ્યું છે કે નહીં તે જણાવવા પણ સૂચવવામાં આવ્યું છે. આમ ટૂંકમાં કહેવા જઈએ તો ઉમેદવારની જન્મ અને કર્મ કુંડળી માંગી લીધી છે. આ સિવાય વિશેષ કાઈ કહેવું હોય તો બાયોડેટા અલગથી આપવા જણાવાયું હોવાનું સૂત્રોએ જણાવ્યું છે.

આ પણ વાંચો: કૃષિ કાયદા વિરુદ્ધ હજારો ખેડૂતોની નાસિકથી મુંબઈ તરફ કૂચ

આટલી વિગતો માંગવા બાબતે ભાજપના સૂત્રોના જણાવ્યા મુજબ, ડેટા બેન્ક તૈયાર કરવાની સાથે ઉમેદવાર પક્ષના કાર્યક્રમોમાં કેટલો સક્રિય છે તેની જાણકારી પણ મળી રહે તે હેતુથી આ હકીકતો માંગી છે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9