Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ગુજરાત પેટાચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

ગુજરાત પેટાચૂંટણી: ભાજપ અને કોંગ્રેસ માટે પ્રતિષ્ઠાનો પ્રશ્ન

0
134

અમદાવાદ: ગુજરાતમાં ખાલી પડેલી 8 વિધાનસભા બેઠકો પર પેટાચૂંટણી (Gujarat Bypolls) ને લઈને સત્તાધીશ ભાજપ (BJP) અને વિપક્ષ કોંગ્રેસે (Congress) પહેલાથી જ તડામાર તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે આ 8 બેઠકો પર ચૂંટણીની જાહેરાત સાથે જ ગુજરાતના રાજકારણ (Gujarat Politics)માં હલચલ જોવા મળશે.

આ 8 બેઠકો પર કોગ્રેસના ધારાસભ્યોએ રાજ્યસભા ચૂંટણી પહેલા રાજીનામું આપ્યું હતું. ભાજપ તરફથી આ તમામ સીટો પર કોંગ્રેસમાંથી રાજીનામું આપનારા કેટલાક ઉમેદવારોને ફરીથી મેદાનમાં ઉતારવાની વાત કહેવામાં આવી રહી છે. બીજી તરફ કોંગ્રેસ આ તમામ બેઠકો પર ભાજપને પછાડવા માટે તમામ પ્રયત્નો કરશે.

જે 8 બેઠકો પર ચૂંટણી યોજાવા જઈ રહી છે, તેમાંથી 4 સીટો સૌરાષ્ટ્ર અને એક કચ્છમાં છે. જ્યારે બે બેઠકો દક્ષિણ ગુજરાત અને એક સીટ મધ્ય ગુજરાતમાંથી છે.

વિધાનસભામાં હાલ શું છે સ્થિતિ?
182 ધારાસભ્યો ધરાવતી વિધાનસભામાં હાલ 172 ધારાસભ્યો છે. જેમાં ભાજપના 103 અને કોંગ્રેસ પાસે 65 બેઠકો છે. આ સિવાય બે ધારાસભ્યો ભારતીય ટ્રાઈબલ પાર્ટી (BTP) અને એક ધારાસભ્ય NCP અને એક અપક્ષ ધારાસભ્ય છે. હાલ વિધાનસભાની 10 બેઠકો ખાલી છે. જેમાંથી 8 બેઠકો પર પેટાચૂંટણી થવાની છે. જ્યારે અન્ય બે બેઠકો દ્વારકા અને મોરવાહડફનો કેસ કોર્ટમાં ચાલી રહ્યો છે.

આ પણ વાંચો: સુહાના ખાનની સ્કીન ટોન પર લોકોએ ઉડાવી મજાક, SRK પુત્રીએ ટ્રોલર્સને આપ્યો જવાબ

પેટાચૂંટણી માટે પાર્ટીઓએ કમરકસી
પેટાચૂંટણીની તારીખો જાહેર થયા બાદ તમામ રાજકીય પાર્ટીઓએ મતદારોને રિઝવવા માટે પોતાની કમર કસી છે. રાજ્યના નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે કોંગ્રેસ પર આરોપ મૂકતા કહ્યું હતું કે, ભાજપે પેટા ચૂંટણી માટે સંપૂર્ણ સજ્જ છે. કોંગ્રેસનું નેતૃત્વ ધારાસભ્યો સાથે સારો વ્યવહાર નથી કરી રહ્યું.

નાયબ મુખ્યમંત્રીના જણાવ્યા પ્રમાણે, રાજીનામું આપનારા 8 ધારાસભ્યોએ જે-તે સમયે કહ્યું હતું કે, કોંગ્રેસના આંતરિક જૂથવાદ અને અસંતોષ ચરમ પર છે. પ્રજાના કામ ના થવાની ફરિયાદોને લઈને જ કોંગ્રેસના 8 ધારાસભ્યોએ પાર્ટી સાથે છેડો ફાડ્યો હતો. આમ કોંગ્રેસમાં અસંતોષ અને નારાજગીના કારણે આ ધારાસભ્યોએ રાજીનામું આપવાની ફરજ પડી હતી.

નીતિન પટેલે મુખ્યમંત્રી વિજય રૂપાણીના નેતૃત્વમાં રાજ્ય સરકાર અને પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના નેતૃત્વમાં કરવામાં આવેલા કાર્યોનો ભાજપને લાભ મળશે તેવો દ્રઢ વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

બીજી તરફ કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અમિત ચાવડાએ પણ પોતાની પાર્ટી ચૂંટણી માટે તૈયાર હોવાનું જણાવ્યું છે. અમિત ચાવડાએ કહ્યું કે, પ્રજાને ગેરમાર્ગે દોરનારા લોકોને હવે મતદાતાઓ સબક શીખવશે.

ઉલ્લેખનીય છે કે, રાજ્યસભા ચૂંટણી પહેલા ગત માર્ચ મહિનામાં અબડાસાથી કોંગ્રેસ ધારાસભ્ય પ્રદ્યુમન સિંહ જાડેજા, ધારીથી જેવી કાકડિયા, ડાંગથી મંગળ ગાવિત, ગઢડાથી પ્રવિણ મારુ અને લીંબડી બેઠક પરથી ચૂંટાયેલા સોમા પટેલે રાજીનામું આપ્યું હતું. જેજે બાદ ગત જૂન મહિનામાં કરજણ બેઠક પરથી ચૂંટાયેલા કોંગ્રેસના ધારાસભ્ય અક્ષય પટેલ, કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને મોરબીના MLA બ્રિજેશ મેરજાએ પણ રાજીનામું આપ્યું હતું. આમ કોંગ્રેસના આ 8 ધારાસભ્યોએ એક પછી એક રાજીનામું આપ્યું હતું. જેના કારણે આ બેઠકો ખાલી પડી હતી.

જણાવી દઈએ કે, ગુજરાતની 8 વિધાનસભા બેઠકો પર આગામી 3 નવેમ્બરે ચૂંટણી યોજાશે. જ્યારે મતગણતરી 10 નવેમ્બરના રોજ થશે. ચૂંટણી પંચે મંગળવારે ગુજરાત સહિત 11 રાજ્યોની 56 વિધાનસભા બેઠકો અને એક લોકસભા બેઠક પર પેટાચૂંટણીને લઈને જાહેરાત કરી હતી. આ સાથે જ કોરોના કાળ દરમિયાન પેટાચૂંટણીને લઈને ચાલી રહેલી તમામ અટકળોનો અંત આવ્યો છે.