Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સરકાર અને સુપ્રિમ કોર્ટના હુકમને પાંચ વર્ષ થયા છતાં હજુ અમલ થયો નથી- PTRC

સરકાર અને સુપ્રિમ કોર્ટના હુકમને પાંચ વર્ષ થયા છતાં હજુ અમલ થયો નથી- PTRC

0
102

ગાંધીનગર: ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારને પાંચ વર્ષ પૂર્ણ કર્યા છે. તેના ભાગરૂપે સરકાર તરફથી વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યાં છે. આ ખુશીમાં કામદારોને પણ ભાગીદાર બનાવવા પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ સેન્ટરે ( PTRC ) સૂચન કર્યું છે. તેની સાથે સુપ્રિમ કોર્ટના હુક્મને તથા રૂપાણી સરકારને યોગાનુયોગ પાંચ વર્ષ વીતી ગયા પણ હુક્મના અમલના હજુ ઠેકાણાં નથી. જેથી સીલીકોસીસના કારણે મુત્યુ પામતાં રાજયના શ્રમજીવીઓને વળતર આપવા માટે સુપ્રિમ કોર્ટે 23મી ઓગસ્ટના રોજ આપેલા હુકમનો અનાદર નહીં કરવા પણ વિનંતી કરી છે.

પીપલ્સ ટ્રેનીંગ એન્ડ રિસર્ચ સેન્ટરે ( PTRC ) ગુજરાતના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, સીલીકોસીસ મુદ્દે 2006માં દિલ્હીની એક સંસ્થાએ જાહેર હીતની રીટ કરી હતી જેમાં સુપ્રિમ કોર્ટે 23મી ઓગસ્ટ 2016ના રોજ કરેલા હુકમમાં નોંધ્યું હતું કે, જો એમ જણાય કે સીલીકોસીસથી પીડાતા કોઇ કામદારનું મુત્યુ થયું છે તો સંબંધિત જિલ્લા કલેકટર દ્રારા સરકારની નીતિ મુજબના લાભો અને રૂપિયા 3 લાખનું વળતર પીડીતને ચૂકવવામાં આવે. ત્યારબાદ 11/4/2017ના રોજ કરેલા બીજા હુક્મમાં સીલીકોસીસનો ભોગ બનેલા કામદારોને વળતર ચુકવવા સંબંધે 23 ઓગસ્ટ-2016ના હુક્મનો અમલ તમામ રાજયોએ કરવાનો છે.

વધુમાં પત્રમાં જણાવ્યું છે કે, ગુજરાત સરકારે સીલીકોસીસના કારણે મુત્યુ પામતાં કામદારોના કુંટુંબોને રૂપિયા 1 લાખની સહાય ચુકવવાનો ઠરાવ 29-5-2015ના રોજ કર્યો છે. સુપ્રિમ કોર્ટના હુક્મ પછી પણ ગુજરાત સરકારે સીલીકોસીસ પીડીત કુંટુંબોને 1 લાખ ચુકવવાનું ચાલુ રાખ્યું છે. સંસ્થાએ નુક્તેચીન કરતાં જણાવ્યું છે કે, આપના નેતુત્વ હેઠળ ચાલતી સરકાર દ્રારા આવું થાય તે કોઇ રીતે ઉચીત નથી.

વળી રાષ્ટ્રીય માનવ અધિકાર પંચે 21-12-2017ના રોજની નોંધમાં રાજય સરકારે સીલીકોસીસ પીડિત કામદારોના પુન સ્થાપન માટે નીતિ ઘડવા અને રાજય સરકાર દ્રારા અપાતી સહાયમાં વધારો કરવાની ભલામણ કરી હતી. અકીક કામદારોને પી.એફ. અને ઇએસઆઇ જેવી સામાજિક સુરક્ષાના લાભ આપવાની અને તેમના અને તેમના નંગદીઠ લઘુત્તમ વેતન નક્કી કરવાની વાત પણ કરી હતી. રહેઠાણ વિસ્તારમાં અકીકનું કામ થતું બંધ કરવા તેમ જ અકીક કામદારોના કલ્યાણ માટે કલ્યાણ બોર્ડની સ્થાપના કરવાની પણ ભલામણ કરાઇ હતી. 12-12-2019ના રોજ પંચે ગુજરાત સરકારને આ ભલામણો મોકલી હતી. તેના અમલનો અહેવાલ છ અઠવાડિયામાં રજૂ કરવા જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું છે કે, આ અંગે જૂન મહિનામાં સંસ્થાએ રાજયના મુખ્ય સચિવને પણ આ બાબત વિગતવાર પત્ર લખીને આ હુક્મનો અમલ કરવા આગ્રહ કર્યો હતો. પણ હજુ સુધી કોઇ જવાબ સંસ્થાને આપવામાં આવ્યો નથી. આ તે કેવું ગુડ ગર્વનન્સ, કેવો સુચારું વહીવટ

તેમણે વધુમાં એમ પણ કહ્યું છે કે, રાજયની આર્થિક પ્રગતિ પાછળ આ કામદારોનો ફાળો નાનો નથી. ત્યારે તેમના જીવન બચાવવા માટે રાજય સરકારે જરૂરી પગલાં લેવા જોઇએ. સીલીકોસીસ જીવલેણ રોગ છે અને તેની કોઇ દવા શોધાઇ નથી. સરકારે સુપ્રિમ કોર્ટના હુક્મ, માનવ અધિકાર પંચની ભલામણોનો અમલ તથા સીલીકોસીસ પીડીતો માટે પુન સ્થાપન નીતિ અંગે સત્વરે પગલાં લેવા લાગણીની સાથે માંગણી કરી છે.

કયા કામદારોના માથે છે જોખમ
ગુજરાતમાં અકીક ઉપરાંત ગોધરા-બાલાસિનોરના પથ્થર દળવાના એકમો, કાચનું ઉત્પાદન કરતાં એકમો, થાન-મોરબીના સીરામીક કામદારો, રાજકોટ-જૂનાગઢના એન્જીનીયરીંગ ફાઉન્ડ્રી એકમો, રાજકોટના બગસરા ઘરેણાંનું ઉત્પાદન કરતા કામદારો, પાવર પ્લાન્ટમાં ફલાય એશનું કામ કરતાં કામદારો, કાચ પર નકશી કરનારા કામદારો અને અનાજ દળવાની ઘંટી કામદારોમાં આ રોગ જોવા મળ્યો છે. ગુજરાતમાં ખાણો પણ છે અને ખાણ કામદારો, બાંધકામ કામદારો, ભઠ્ઠીની ઇંટોનું ઉત્પાદન કરતાં, એમરીના એકમોમાં કામ કરતાં કામદારો માથે જોખમ છે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat