Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > પ્રાકૃતિક ખેતી અપનાવી વડાપ્રધાનના પ્રાકૃતિક ખેતીથી કૃષિ સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરીએ : મુખ્યમંત્રી

પ્રાકૃતિક ખેતી અપનાવી વડાપ્રધાનના પ્રાકૃતિક ખેતીથી કૃષિ સમૃદ્ધિના સ્વપ્નને સાકાર કરીએ : મુખ્યમંત્રી

0
4
  • આણંદ જિલ્લાના સુંદલપુરા ખાતેના ભારત બાયોગેસ એનર્જી લી. ના પ્લાન્ટની મુલાકાતે ભૂપેન્દ્ર પટેલ
  • ભારત બાયોગેસ એનર્જી લી. ના ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને બિરદાવતા મુખ્યમંત્રી

ગાંધીનગર: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ જિલ્લાના સુંદલપુરા ખાતે કાર્યરત ભારત બાયોગેસ એનર્જી લિ.ના પ્લાન્ટની મુલાકાત લઇ પ્લાન્ટના વિવિધ વિભાગોનું રસપૂર્વક નિરીક્ષણ કર્યુ હતું. તેમણે કંપની દ્વારા બાયોગેસ એનર્જીના માધ્યમથી હાથ ધરવામાં આવેલ પ્રાકૃતિક ખેતી અને ઓર્ગેનિક મિશનના કાર્યોની જાત માહિતી પણ મેળવી હતી.

પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદીએ ‘બેક ટુ બેઝિક’ના ધ્યેયને હાંસલ કરવા પ્રાકૃતિક ખેતીનો વ્યાપ વધારવા ધરતીપુત્રોને કરેલા અનુરોધને ગુજરાતના ધરતીપુત્રો સાથે મળીને સાકાર કરે તેવું આહવાન ભૂપેન્દ્ર પટેલે કર્યુ હતું.

તેમણે આ સંદર્ભમાં કહ્યું કે, પ્રાકૃતિક ખેતીથી પર્યાવરણ જતન સાથોસાથ પાણીની બચત અને ખેત ઉત્પાદનના સારા ભાવો મળવાના ત્રિવિધ લાભ પણ થાય છે. એટલું જ નહિ, પ્રાકૃતિક ખેતીથી પકવેલા ધાન્ય રાસાયણિક ખાતર મુકત હોવાથી માનવ સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક છે.

મુખ્યમંત્રીએ કંપનીના ચેરમેન અને ડાયરેકટરો સાથે બેઠક યોજીને ગુજરાત પ્રાકૃતિક કૃષિક્ષેત્રે આગળ વધે તે માટે રાજ્ય સરકારનો સંપૂર્ણ સહયોગ પ્રાકૃતિક ખેતીને વેગ આપવામાં મળી રહેશે તેમ જણાવ્યું હતું.

ભારત બાયોગેસ એનર્જી લિમિટેડ દ્વારા વિવિધ ઉત્પાદનોના માધ્યમથી હાથ ધરાયેલ ગ્રીન એનર્જી અને ઓર્ગેનિક મિશનના કાર્યને તેમણે બિરદાવ્યું હતું.

વડાપ્રધાનની કલ્પનાને અનુરૂપ પ્રાકૃતિક ખેતીને યોગ્ય બળ પુરૂં પાડતા આ એકમ દ્વારા નવી પેઢીને પ્રાકૃતિક ખેતી સાથે જોડવાના ફળદાઈ કાર્યની તેમણે સરાહના કરી હતી.

આ પ્રસંગે ભારત બાયોગેસ એનર્જી લિમિટેડના ચેરમેન ભરત પટેલે રાસાયણિક ખાતર અને કીટનાશકોના વધુ પડતા ઉપયોગના કારણે આજે માનવજાત સમકક્ષ ઉભી થયેલી વિકટ પરિસ્થિતિને પી.પી.ટી ના માધ્યમથી વર્ણાવી છેલ્લા 8 વર્ષથી ગેસ અને ફર્ટીલાઈઝર ક્ષેત્રે કાર્યરત ભારત બાયોગેસ એનર્જી લી. દ્વારા ગ્રીન એનર્જીની જાળવણી માટેના કાર્યોની વિસ્તૃત વિગતો આપી હતી.

તેમણે આ તકે વડાપ્રધાનના ગ્રીન એનર્જી મિશનનો ઉલ્લેખ કરી પ્રાકૃતિક કૃષિ મિશન, ઝિરો બજેટ ખેતી, ગાય આધારીત કૃષિ, બાયોગેસ અને તેની પ્રક્રિયા સહિતના મુદ્દાઓની સવિસ્તાર માહિતી આપી હતી.

મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કંપનીના વિવિધ પ્લાન્ટ, બાયો-સીએનજી, લેબોરેટરી અને ઓર્ગેનીક ખાતર પ્લાન્ટનું નિરીક્ષણ કરવાની સાથે જરૂરી જાણકારી મેળવી હતી.

મુખ્યમંત્રીના હસ્તે કંપનીના સૌ પ્રથમ એકસપોર્ટ યુનિટના કન્ટેનરનો શુભારંભ કરવામાં આવ્યો હતો. આ પ્રસંગે મુખ્યમંત્રીએ ખેડૂતો સાથે પણ સંવાદ કર્યો હતો.

આ મુલાકાત દરમિયાન આણંદના સાંસદ મિતેષભાઇ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ હંસાબેન પરમાર, જિલ્લા કલેકટર મનોજભાઈ વાય.દક્ષિણી, જિલ્લા વિકાસ અધિકારી બી.જી.પ્રજાપતિ, જિલ્લા પોલીસ વડા અજીત રાજયાન, વિપુલભાઇ પટેલ, ભારત બાયોગેસ એનર્જી લિમિટેડના સર્વ નિરજ શાહ, રોનક પટેલ, નિકુલ પટેલ, કિન્નર શાહ, ડો. ધ્યાન પટેલ, સુબોધ શાહ, ભૂષણ ફરિન્દા સહિત અન્ય અધિકારીઓ સાથે રહ્યા હતા.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat