Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરી ગુજરાતને સંપૂર્ણ સ્વચ્છ રાખીએ એજ બાપુને સાચી શ્રદ્ધાંજલિ: મુખ્યમંત્રી

સ્વચ્છતાના મંત્રને આત્મસાત કરી ગુજરાતને સંપૂર્ણ સ્વચ્છ રાખીએ એજ બાપુને સાચી શ્રદ્ધાંજલિ: મુખ્યમંત્રી

0
71
  • પ્રધાનમંત્રીના નેતૃત્વમાં પ્રારંભ થયેલ અમૃત 2.0 યોજનામાં ગુજરાત અગ્રેસર રહેશે

  • 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો થશે

  • પોરબંદરમાં ગાંધી જન્મ જયંતીએ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન -પુષ્પાંજલિ અર્પણ કરતા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ

ગાંધીનગર: ગાંધી જન્મભૂમિ પોરબંદરમાં મહાત્મા ગાંધીના જન્મ સ્થળ કીર્તિ મંદિર ખાતે બાપુની જન્મ જયંતીએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે સર્વ ધર્મ પ્રાર્થના સભામાં સહભાગી થઈ વિશ્વ વિભૂતિ મહાત્મા ગાંધીને શ્રદ્ધા સુમન પુષ્પાંજલિ અર્પણ કરી હતી અને પ્રવાસીઓને કીર્તિ મંદિર વિશેની માહિતી ઓનલાઇન મળી રહે તે માટે આજથી કીર્તિ મંદિરની વેબસાઇટ પણ લોન્ચ કરવામાં આવી હોવાનું મુખ્યમંત્રીએ જણાવ્યું હતું. આ ઉપરાંત મુખ્યમંત્રીએ કીર્તિમંદિરમાં ગાંધી સ્મૃતિ ઘર, ચરખા પોઇન્ટની પણ મુલાકાત લીધી હતી. અને પોરબંદરના કલેકટર અશોક શર્મા લિખિત પુસ્તક મોહન સે મોહનનું પણ વિમોચન કર્યું હતું. તેની સાથે ક્લીન ઇન્ડિયા અંતર્ગત મુખ્યમંત્રીએ પોરબંદરથી સ્વચ્છતા રેલીને પણ પ્રસ્થાન કરાવ્યું હતુ.

સર્વ ધર્મ પ્રાર્થના સભામાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધી વંદના કરતા જણાવ્યું હતું કે સ્વચ્છતા ત્યાં પ્રભુતાનો ગાંધીજીનો મંત્ર દેશભરમાં સાકાર કરી ક્લીન ઇન્ડીયા મૂવમેન્ટ અને સ્વચ્છ ભારત 2.0 તેમજ અમૃત મિશન 2.0 નો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ગઈકાલે પ્રારંભ કરાવ્યો છે. અમૃત મિશન 2.0 અને સ્વચ્છ ભારત મિશન-2નો જે શુભારંભ થયો છે તેમાં સ્વચ્છતા અને જળશક્તિના કામો – સાતત્યપૂર્ણ વિકાસ થકી ગુજરાત અગ્રેસર રહીને ગાંધીનું આ ગુજરાત નવી ઊંચાઈ સિદ્ધ કરશે.

ગાંધીજીના ગ્રામોત્થાન -સ્વચ્છતા મંત્ર સાર્થક કરવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સ્વરાજથી સુરાજ્યની સંકલ્પ સિદ્ધિ ગુજરાતના સંદર્ભમાં વર્ણવતા મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે સર્વ સમાવેશક વિકાસયાત્રા આગળ ધપાવતા ગુજરાતમાં ‘સ્વચ્છ ભારત મિશન ફેઝ-2’અંતર્ગત સસ્ટેઇનેબલ સેનિટેશન, ટ્રીટમેન્ટ ઓફ વેસ્ટ વોટર, સસ્ટેઇનેબલ સોલીડ વેસ્ટ મેનેજમેન્ટ, કેપેસિટી બિલ્ડીંગ તેમજ સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી એક જનઆંદોલનના રૂપમાં વિસ્તારવા આવી રહ્યું છે.

ભૂપેન્દ્ર પટેલે આહવાન કર્યું કે રાજ્યના દરેક નાગરિકે સ્વચ્છતાને સહજ સ્વભાવ બનાવી સ્વચ્છ ભારત અભિયાનના બીજા તબક્કામાં પણ ગુજરાતને આપણે અગ્રેસર રાખીએ. ક્લિન ઇન્ડિયા પ્રોગ્રામ હેઠળ રાજ્યના દરેક ગામો, નગરો અને શહેરોમાં 31 ઓકટોબર સુધી ‘સ્વચ્છ ભારત – સુંદર ભારત’ અમૃત 2.0 અંતર્ગત 31 અમૃત શહેરોમાં ભૂગર્ભ ગટર યોજનાના કામો અને રાજ્યના તમામ શહેરોમાં પાણી પુરવઠાના કામો થશે. અમૃત 2.0 મિશન’ હેઠળ તમામ અર્બન લોકલ બોડી (શહેરી સત્તામંડળ) અંતર્ગત આવતા ઘરોને નળથી પાણી આપવા, 31 અમૃત શહેરોમાં ઘરોને સુએજ-સેપ્ટેજ કનેક્શન આપવા, જળાશય અને કુવાઓનો જીર્ણોદ્ધાર ઉપરાંત વોટર સિક્યુરિટી, અર્બન પ્લાનિંગ અને માર્કેટ ફાઇનાન્સ મોબિલાઇઝેશન જેવા રિફોર્મ કરવામાં આવશે.

અમૃત મિશન અંતર્ગત પ્રથમ તબક્કામાં ગુજરાતે દેશભરમાં ત્રીજા સ્થાન પર રહીને 2800 કરોડ રૂપિયાના ખર્ચે મહત્વપૂર્ણ 305 કામો પૂર્ણ કર્યા છે. 31 શહેરમાં પીવાનું શુધ્ધ પાણી પુરૂં પાડવા માટે 95 કામો પૂર્ણ કર્યા છે. આ કામોના ફળસ્વરૂપે 1 લાખ 70 હજાર ઘરોમાં કનેક્શન પુરાં પાડ્યાં છે.

મુખ્યમંત્રીએ જણાવ્યું હતું કે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં પ્રથમ તબક્કામાં ‘સ્વચ્છ ભારત મિશન’અને ‘અમૃત મિશન’ને જ્વલંત સફળતા પ્રાપ્ત થઈ છે. ગાંધીજીના સ્વચ્છતાના વિચારો આજના પરિપ્રેક્ષ્યમાં એટલા જ રિલેવન્ટ છે. એટલું જ નહીં, યુવા પેઢીને આવનારી પેઢીને ગાંધી આચાર-વિચાર શાશ્વત મૂલ્યો આત્મસાત કરવાની પ્રેરણા આપતો આ દિવસ છે. ગાંધીજીએ ગ્રામીણ ઉત્થાન,અંત્યોદય વિકાસ અને અસ્પૃશ્યતા નિવારણના જે કાર્યો ઉપાડેલા તે આજે સમરસ સમાજ અને સૌના સાથ સૌના વિકાસની નેમથી આપણા પ્રધાનમંત્રી નરેન્દ્ર સાકાર કરે છે. ગાંધીજીના સ્વચ્છતાના મંત્રને પ્રધાનમંત્રીએ એક સામાજીક અભિયાન તરીકે ઉપાડીને દેશભરમાં જાગૃતતા લાવવાનું કામ હાથ ધર્યુ, તે જોતજોતામાં વિરાટ જન અભિયાન બન્યુ છે.

મુખ્યમંત્રીએ વધુમાં કહ્યું હતું કે ગુજરાતના સપૂત નરેન્દ્ર મોદીએ બરાબર સાત વર્ષ પહેલા ગાંધીજીના જન્મદિન– 2ઓક્ટોબર, 2014ના દિવસે રાષ્ટ્રવ્યાપી સ્વચ્છતા અભિયાન છેડીને સ્વચ્છતાનો પૈગામ જનજન સુધી પહોંચાડ્યો હતો. મહાત્મા ગાંધીએ સ્વરાજ્ય અપાવ્યું-ગ્રામોત્થાન માટે દરિદ્રનારાયણના ઉત્થાન માટે આપણને માર્ગ ચિંધ્યો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ સુરાજ્યની યાત્રા આરંભી છે. મહાત્મા ગાંધીની જન્મભૂમિએ તેમની 152મી જન્મજ્યંતિએ ગાંધી વંદના કરવાની મને તક મળી તે માટે મારી જાતને ભાગ્યશાળી સમજું છું એમ જણાવીને મુખ્યમંત્રીએ કહ્યું કે સત્ય અહિંસા અને સ્વચ્છતાના વિચારને આત્મસાત કરી બાપુને સાચા અર્થમાં શ્રધ્ધાંજલી આપીએ.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat