વડોદરા જિલ્લાના અનગઢ ગામે લગ્નના વરઘોડામાં ફાયરિંગ કરવાના બનાવમાં નંદેસરી પોલીસે વડોદરા જિલ્લા ભાજપના ઉપપ્રમુખની ધરપકડ કરી છે. અનગઢ ગામે ગઇ 10મી તારીખે ધર્મેન્દ્રસિંહ ગોહિલના પુત્રના લગ્ન નિમિત્તે ૯મી તારીખે રાતે નીકળેલા વરઘોડામાં ફાયરિંગ કરવાના ત્રણ વિડિયો વાયરલ થયા હતા, જેમાં આ વિસ્તારના પૂર્વ મંત્રી સ્વ.ઉપેન્દ્રસિંહ ગોહિલના પુત્ર યોગપાલસિંહ ગોહિલ તેમજ અન્ય સાથીદારો ફાયરિંગ કરતા જોવા મળ્યા હતા.
નંદેસરી પોલીસના પીઆઇ જે.એમ.જાડેજાએ આ બનાવ અંગે ગુનો નોંધી વરરાજાના પિતા ધર્મેન્દ્રસિંહ ગોહિલ, બંદૂક ધરાવતા હરપાલસિંહ ગોહિલ, ઘનશ્યામસિંહ ગોહિલ અને સિનિયર સિટીઝન જશવંત સિંહની ધરપકડ કરી હતી.
જ્યારે તાજેતરમાં વિધાનસભાની ચૂંટણી પહેલાં ભાજપમાં જોડાયા બાદ વડોદરા જિલ્લા ભાજપના ઉપપ્રમુખની જવાબદારી સંભાળનાર યોગપાલસિંહ ગોહિલ વિદેશથી પરત ફરતાં તેમની આજે ધરપકડ કરવામાં આવી હતી.
વરઘોડાના ફાયરિંગના બનાવમાં પોલીસે હરપાલસિંહ ગોહિલ અને જશવંતસિંહની બે બંદૂકો કબજે લીધી હતી. આ બંને બંદૂક એકાદ બે દિવસમાં જ ફોરેન્સિકમાં મોકલવામાં આવશે.
Advertisement