અમદાવાદઃ હવામાન વિભાગ દ્વારા રાજ્યમાં આગામી દિવસોમાં આકરી ગરમી પડી શકે છે. અમદાવાદમાં તાપમાનનો પારો 42 ડિગ્રી સુધી જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદના હવામાન કેન્દ્ર દ્વારા આગામી 4 દિવસ સુધી હવામાન સૂકું રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.
Advertisement
Advertisement
અમદાવાદ હવામાન કેન્દ્રના ડિરેક્ટર ડૉ. મનોરમા મોહંતીએ રાજ્યના હવામાન અંગે આગાહી કરતા ગુરુવારે જણાવ્યું હતું કે, આગામી 5 દિવસ (સોમવાર સુધી) આખા ગુજરાતમાં હવામાન સૂકું રહેવાની સંભાવના છે. વરસાદ થવાની શક્યતાઓ નથી. આ સાથે તેમણે રાજ્યમાં તાપમાનનો પારો શરુઆતના દિવસોમાં નીચો આવવાની પણ શક્યતાઓ વ્યક્ત કરી છે. પરંતે પછી ફરી એકવાર ગરમીનો પારો ઊંચો ચઢશે.
ડૉ. મોહંતીએ જણાવ્યું છે કે, રાજ્યમાં તાપમાનો પારો 2-3 ડિગ્રીનો ઘટાડો થઈ શકે છે. હાલ જે તાપમાન છે તેનાથી ઘટીને સામાન્ય અને સામાન્યથી નીચે તાપમાન જવાની શક્યતાઓ પણ વ્યક્ત કરવામાં આવી છે. જોકે, 2 દિવસ પછી ફરી મહત્તમ તાપમાનમાં વધારો થવાની શક્યતાઓ વ્યક્ત કરી છે. આ સમયે તાપમાનમાં 2-3 ડિગ્રીનો વધારો થઈ શકે છે.
અમદાવાદમાં 2 દિવસ પછી આકરી ગરમી પડવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી રહી છે. જો તારીખ 23 અને 24 દરમિયાન ગરમીનો પારો વધુ ઊંચો જવાનો હશે તો હિટ એક્શન પ્લાન પ્રમાણે વોર્નિંગ જાહેર કરવામાં આવી શકે છે. જોકે, હાલ કોઈ એલર્ટ કે ચેતવણી આપવામાં આવી નથી.
ગુરુવારે અમદાવાદ સહિત કંડલા (એરપોર્ટ), અમરેલી, રાજકોટ અને કેશોદમાં 41 ડિગ્રી મહત્તમ તાપમાન નોંધાયું હતું. જ્યારે ગાંધીનગર, સુરેન્દ્રનગર, વડોદરા અને વલ્લભ વિદ્યાનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. ભૂજ, કંડલા (પોર્ટ), ભાવનગર, પોરબંદર, મહુવા, ડીસામાં 39 ડિગ્રી તાપમાન નોંધાયું હતું.
સૌથી નીચું 31 ડિગ્રી મહત્તમ તાપમાન દ્વારકામાં નોંધાયું છે, જ્યારે ઓખામાં બીજા નંબરે સૌથી નીચું 33 ડિગ્રી તાપમાન નોંધાયું છે. આ સિવાય રાજ્યના લગભગ તમામ સ્થળો પર તાપમાનનો પારો 35 ડિગ્રીની ઉપર નોંધાયું છે.
Advertisement