અમારા પરિવારમાં માતા-પિતાને સંગીત આવડતું ન હતું પણ સંગીત સાંભળવાનો ઘણો શોખ હતો. વહેલી સવારે સંગીત શરૃ થતું હતું જેને લીધે સંગીત પ્રત્યેનો રસ જાગ્યો હતો. મારી મોટી બહેન સંગીત શીખવા માટે જતી હતી જેને લીધે મને પણ સંગીત શીખવાની ઇચ્છા થઇ હતી. મને મોટી બહેને સંગીત શીખવા માટેનું નોલેજ આપ્યું હતું અને જાતે જ સંગીત શીખવાની શરૂઆત કરી હતી અને આજે વેસ્ટર્ન ઇન્સ્ટ્રુમેન્ટ, કિબોર્ડ, ગિટાર, ડ્રમ, ઢોલક, તબલાં, હાર્મોનિયમ સહિતના ૧૦થી વધારે મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટ વગાડી શકું છું આ શબ્દો છે આઇઆઇટી-ગાંધીનગરના પીએચ.ડી.કરતા સ્ટુડન્ટ્સ હરવંશ દંદેલિયાના. વધુમાં હરવંશ દંદેલિયા કહે છે કે, ૧૨ વર્ષનો હતો ત્યારથી સંગીત સાથે જોડાયેલો છું. ઘરમાં રહેતા હાર્મોનિયમ અને તબલાંને વગાડતા શીખ્યો હતો.
Advertisement
Advertisement
કોલેજમાં અભ્યાસ કરતો હતો ત્યારે મ્યુઝિક ક્લબ સાથે જોડાઇને સંગીતના અવનવા ઇન્સ્ટ્રુમેન્ટને શીખ્યો હતો. વિવિધ મ્યુઝિક ઇન્સ્ટ્રુમેન્ટની જાતે સમજ મેળવતો અને શીખતો હતો. દિવસમાં સવારે અને સાંજે એક કલાકથી વધારે સમય રિયાઝ કરું છું. સંગીત શીખવા માટે કોઇપણ વ્યકિત ધૈર્ય રાખે તો સારી રીતે શીખી શકે છે. સંગીતથી મારા આત્મવિશ્વાસમાં પણ વધારો થયો છે. પરિવારમાં આવતા શુભ પ્રસંગોમાં પણ મોટી બહેન અને હું મ્યુઝિકલ ઇન્સ્ટ્રુમેન્ટ વગાડીએ છીએ. આગામી સમયમાં મારે સંગીત શીખવામાં રસ ધરાવતા સ્ટુડન્ટ્સને બેઝિક નોલેજ આપવાની શરૂઆત કરવાની ઇચ્છા છે.
દેશભરની આઇઆઇટી સાથે દર વર્ષે ઇન્ટર કોમ્પિટિશનનું આયોજન કરવામાં આવે છે ત્યારે ૨૦૧૮માં ઇન્ટર કોમ્પિટિશનમાં થર્ડ પ્રાઇઝ જીત્યો હતો જેનાથી હું ઘણો ખુશ થયો હતો. અભ્યાસ પૂર્ણ કર્યા પછી પણ પ્રોફેશનલ રીતે જોબ કરીશ પણ મારું પેશન તો સંગીત જ રહેશે. સંગીતને મને ઘણું શીખવ્યું છે અને તે લોકો સુધી લઇ જવાથી તે સારી રીતે વગાડી શકું છે. આપણું શાસ્ત્રીય સંગીત સંગીતના જ્ઞાાનનો એક ખજાનો છે. સંગીત મને નવી ઊર્જા અને પ્રેરણા આપે છે એટલે જ્યારે સમય મળે ત્યારે સંગીતના વિવિધ ઇન્સ્ટ્રુમેન્ટ શીખીને ઘણી ખુશી મેળવું છું. આપણી સંસ્કૃતિનો પ્રચાર-પ્રસાર કરવામાં પણ સંગીત મહત્વનો ભાગ ભજવે છે.
Advertisement