અમદાવાદઃ ગુજરાત ભાજપે આગામી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત હાંસલ કરવા બેઠકોનો સિલસિલો શરૂ કર્યો છે. ભાજપનું બૂથ મેનેજમેન્ટ હંમેશા મજબૂત રહ્યું છે. પરંતુ હવે બૂથ મેનેજમેન્ટની સાથે સાથે તમામ કાર્યકરોને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવા અપીલ કરવામાં આવી છે. કમલમમાં પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલની ઉપસ્થિતિમાં સોશિયલ મીડિયા યુથ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપની સોશિયલ મીડિયા ટીમના લગભગ 3 હજાર કાર્યકરો હાજર રહ્યા હતા.
Advertisement
Advertisement
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. કોંગ્રેસે વરિષ્ઠ નેતાઓને વિવિધ ક્ષેત્રની જવાબદારીઓ સોંપી છે. બીજી તરફ ભાજપે કાર્યકરોને સોશિયલ મીડિયા પર એક્ટિવ રહેવાનો આદેશ આપ્યો છે. ગાંધીનગર સ્થિત ભાજપ કાર્યાલય કમલમ ખાતે સોશિયલ મીડિયા યુથ સમિટનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં ભાજપે સોશિયલ મીડિયા પર સરકારી યોજનાઓનો પ્રચાર કરવા અને પીએમ મોદીના ટ્વિટને રીટ્વીટ કરવાનો આદેશ આપ્યો છે.
સોશિયલ મીડિયા પર ખોટી કોમેન્ટ કરનારાઓને યોગ્ય જવાબ અપાશે
આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષે કાર્યકરોને કહ્યું કે કોઈ સોશિયલ મીડિયા પર ખોટી ટિપ્પણી કરે ત્યારે આપણે જવાબ આપવાનો રહેશે. કેટલાંક લોકો ખોટો પ્રચાર કરે છે કારણ કે તેમની પાસે દેશ અને તેના નાગરિકોને આપવા માટે કંઈ નથી. તેથી જ્યારે તમે સોશિયલ મીડિયા પર આવા લોકોને જવાબ આપો ત્યારે વધુ માહિતી સાથે જવાબ આપો જેથી કોઈ તમારો વિરોધ ન કરી શકે. સીઆર પાટીલે વધુમાં જણાવ્યું હતું કે આપણે સોશિયલ મીડિયા પર જંગલની આગની જેમ ફેલાઈ જવાનું છે. પ્રદેશ પ્રમુખે કાર્યકરોને NAMO APP ખોલવા અને સોશિયલ મીડિયા પર સક્રિય રહેવા હાકલ કરી છે.
કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓને જવાબદારી સોંપવામાં આવી
બીજી બાજુ કોંગ્રેસ તરફથી પણ લોકસભાની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. કારણ કે છેલ્લી બે લોકસભા ચૂંટણીમાં કોંગ્રેસ તેનું ખાતું પણ ખોલાવી શકી નથી. આથી કોંગ્રેસ આ વખતે ચૂંટણી પહેલા જ સક્રિય થઈ ગઈ છે. આ વખતે કોંગ્રેસ રાજ્યની કેટલીક સીટો પર ફોકસ કરી રહી છે. કોંગ્રેસના નવા ચૂંટાયેલા પ્રભારીએ કેટલાક વિસ્તારોની જવાબદારી પાર્ટીના વરિષ્ઠ નેતાઓને સોંપી છે. આ નેતાઓ તાત્કાલિક જ લોકસભા મતવિસ્તારની મુલાકાત લેશે અને સ્થાનિક નેતાઓ સાથે બેઠક યોજીને આગામી લોકસભાની ચૂંટણીની પ્રક્રિયા, સંગઠન, સ્થાનિક સામાજિક સમીકરણો અને સ્થાનિક મુદ્દાઓની માહિતી એકઠી કરીને પક્ષને સોંપશે.
Advertisement