દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની ઘટના બની હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. મળતી માહિતી મુજબ દાહોદના જેકોટ ખાતે ટ્રેનમાં આગનો બનાવ બન્યો હતો. દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગતાં અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. ટ્રેનના એન્જિનમાં લાગેલી ભીષણ આગ આગળના બે કોચ સુધી પ્રસરી હતી. સદનસીબે, ટ્રેનમાં સવાર મુસાફરોનો આબાદ બચાવ થયો હતો.
Advertisement
Advertisement
મળતી માહિતી મુજબ દાહોદ-આણંદ મેમુ ટ્રેનના બીજે છેડે લગાવેલા એન્જિનમાં આગ લાગતાં જ ફર્સ્ટ ક્લાસના કોચમાં પણ આગની જ્વાળાઓ પહોંચી જતાં ધુમાડો નીકળવા લાગ્યો હતો. ધુમાડો નીકળતા ટ્રેનને રોકી દેવાઈ હતી અને મુસાફરો પણ તાત્કાલિક નીચે ઊતરી ગયા હતા. દાહોદ ફાયરબ્રિગેડને જાણ કરાતાં કાફલો સ્થળ પર પહોંચી ગયો હતો. ફાયર ફાઇટરો દ્વારા પાણીનો મારો ચલાવી આગને કાબુમાં લેવાઈ હતી. આ ભીષણ આગ પર કાબુ મેળવવા માટે દાહોદ સહિત દેવગઢબારીઆથી ફાયર વિભાગની ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી.
દાહોદ-આણંદ મેમુ ટ્રેનના એન્જિનમાં આગ લાગવાની ઘટનાની જાણ રેલ્વે અધિકારીઓને આ ઘટનાની જાણ થતાં તેઓએ પણ ઘટના સ્થળે પહોંચીને વધુ તપાસ હાથ ધરી હતી. આ મેમુ ટ્રેન દાહોદથી આણંદ જઈ રહી હતી. આગની આ ઘટનાની એફએસએલની ટીમ દ્વારા પણ તપાસ કરવામાં આવી હતી.
પ્રાથમિક ધોરણે મળતી માહિતી મુજબ, શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું માનવામાં આવી રહ્યુ છે. જોકે, એફએસએલના રિપોર્ટ બાદ જ આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાશે. ટ્રેનમાં આગની ઘટનાની જાણ થતા ફાયર વિભાગ અને રેલવેના ઉચ્ચ અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા.
Advertisement