ગાંધીનગરઃ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રાજ્યની ૮ મહાનગરપાલિકાઓના મ્યુનિસિપલ કમિશનરો સાથે વિડીયો કોન્ફરન્સ યોજીને આગામી ચોમાસા પૂર્વે મહાનગરોમાં હાથ ધરાયેલા આગોતરા આયોજનની સર્વગ્રાહી સમીક્ષા હાથ ધરી હતી. અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટ, ભાવનગર, જામનગર, જૂનાગઢ અને ગાંધીનગર મહાનગરપાલિકાઓએ સિટી ડિઝાસ્ટર મેનેજમેન્ટ પ્લાન-ર૦ર૩ અન્વયે જે પ્રિ-મોન્સુન એક્શન પ્લાન તૈયાર કર્યા છે તે અંગે આ બેઠકમાં વિસ્તૃત ચર્ચા થઈ હતી
Advertisement
Advertisement
મુખ્યમંત્રીએ માર્ગોની જાળવણી, પાણીની અને ડ્રેનેજ લાઇન્સમાં કોઇ વિક્ષેપ ન આવે તેની કામગીરી પર તાત્કાલિક ધ્યાન કેન્દ્રીત કરવા સૂચના આપી હતી. તેમણે બદલાયેલી વરસાદી પેટર્નને ધ્યાને રાખીને આ એક્શન પ્લાનમાં જરૂરી વ્યવસ્થા મહાનગરોમાં ઊભી થાય તે જરૂરી ગણાવ્યું હતું. ખાસ કરીને માર્ગો-રસ્તાઓની કામગીરી સંદર્ભમાં કોઇ ઢિલાશ ચલાવી લેવાશે નહિં તેવી તાકીદ કરતાં
મુખ્યમંત્રીએ કહ્યું કે, આ વર્ષે બનેલા રસ્તાઓમાં કોઇ ક્ષતિ ઊભી થશે તો સંબંધિતો સામે પગલાં લેવામાં પણ ખચકાટ રખાશે નહિં. મહાનગરોમાં લોકોની ચોમાસા દરમ્યાન નાની ફરિયાદો કે રજૂઆતોનો ત્વરિત પ્રતિસાદ મળે અને દરેક જવાબદાર અધિકારીનો ફોનથી પણ સંપર્ક થઇ શકે તે બાબત પર તેમણે ભાર મૂક્યો હતો.
આ વિડીયો કોન્ફરન્સ બેઠકમાં મ્યુનિસિપલ કમિશનરશ્રીઓએ પોતાના મહાનગરોમાં કરેલા આયોજનોની વિસ્તૃત વિગતો આપી હતી. તેમાં મહાનગરોમાં મેન હોલ તથા વરસાદી પાણીના યોગ્ય નિકાલની વ્યવસ્થા, જર્જરીત અને ભયજનક ઇમારતો-મિલ્કતને દૂર કરવાની કામગીરી, 24×7 સેન્ટ્રલ કંટ્રોલ રૂમ અને સી.સી.ટીવી નેટવર્ક સુદ્રઢીકરણ તથા ભારે વરસાદની સ્થિતી સર્જાય તો તેને પહોંચી વળવા જરૂરી અદ્યતન સાધન-સામગ્રીનું વ્યવસ્થાપન, આરોગ્ય સુવિધા, લોકોને ચેતવણી આપવા માટેની કોમ્યુનિકેશન સિસ્ટમ સહિતના માઇક્રો પ્લાનીંગનો સમાવેશ થાય છે. મહાનગરોમાં આ કાર્યવાહી સંદર્ભે યોજવામાં આવેલી મોકડ્રીલની વિગતો પણ બેઠકમાં અપાઈ હતી.
Advertisement