ઇન્સ્ટન્ટ લોનના નામે લોકોને બ્લેકમેલ કરી નિયત વ્યાજ કરતાં વધુ રકમ વસૂલવાના ચાઇનાથી ઓપરેટ થતા કૌભાંડનું નેટવર્ક ગુજરાત ઉપરાંત બીજા ચાર રાજ્યોમાં પણ ચાલતું હોવાની વિગતો બહાર આવી છે. જે અંતર્ગત સાયબર સેલે અન્ય રાજ્યોને જાણ કરવાની તજવીજ કરી છે.
વડોદરાના એક યુવકને ચાઇનાની એપ મારફતે રુ. ૨.૬૯ લાખની લોન આપ્યા બાદ તેને બ્લેકમેલ કરીને રુ. ૭.૨૯ લાખ પડાવી લેવામાં આવ્યા હતા. ત્યાર પછી પણ યુવકને ઉમંગ પટેલ નામના યુવકે બ્લોક કરેલું બેન્ક એકાઉન્ટ નહીં ખોલે તો આજીવન જેલમાં રહીશ તેવા બોગસ કેસ કરવાની ધમકી આપી હતી. જેથી સાયબર સેલના એસીપી તપાસ કરી ચાઇનાના લોન કૌભાંડનો પર્દાફાશ કર્યો હતો.
સાયબર સેલે વડોદરા નજીકના સંખેડા તાલુકામાં કાવિઠા ગામે રહેતા ઉમંગ પટેલ નામના ઠગને ઝડપી પાડી તેની સાથે કામ કરતા સીએ અમિત ગોયેલ સહિત બીજા ચાર સાગરીતોને ધરપકડ કરી છે. ટોળકી દ્વારા ૧૦ બોગસ કંપની ઊભી કરીને ૩૦ જેટલા બેન્ક એકાઉન્ટમાં કરોડો રુપિયાનું ટ્રાન્ઝેક્શન કરવામાં આવ્યું હોવાની વિગતો સામે આવી છે.
પોલીસની તપાસ દરમિયાન આ ટોળકીનું નેટવર્ક ચાઇનાથી ઓપરેટ થતું હોવાની વિગતો બહાર આવી હતી. ચાઇનાના ઠગો દ્વારા ગુજરાત ઉપરાંત તેલંગાણા, ઓરિસ્સા, બિહાર અને કર્ણાટકમાં પણ નેટવર્ક ચાલતું હોવાની વિગતો બહાર આવી છે.
આ રાજ્યોમાં વડોદરામાંથી બેન્ક એકાઉન્ટની વિગતો અને સિમકાર્ડ કુરીયર કરીને મોકલવામાં આવ્યા હોવાની વિગતો પ્રાપ્ત થઇ છે.
Advertisement