સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ અમદાવાદના એક વ્યક્તિ પાસેથી 9,30,000 યુએસ ડોલર એટલે કે આશરે રૂ. 7.7 કરોડથી વધુની ક્રિપ્ટોકરન્સી જપ્ત કરી છે. આ વ્યક્તિ પર પોતાને એક મલ્ટિનેશનલ કંપનીના ફ્રોડ વિભાગના વરિષ્ઠ એક્ઝિક્યુટિવ તરીકે દર્શાવીને એક અમેરિકન નાગરિક સાથે છેતરપિંડી કરવાનો આરોપ છે.
Advertisement
Advertisement
એમેઝોનના અધિકારી તરીકે પોતાની ઓળખ આપી
જાણવા મળી રહ્યું છે કે અમેરિકાના ફેડરલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ઇનપુટના આધારે CBIએ રામાવત શૈશવ વિરુદ્ધ FIR દાખલ કરી છે. શૈશવે એક અમેરિકન નાગરિકને ફોન કરીને પોતાને એમેઝોનના ફ્રોડ વિભાગના અધિકારી જેમ્સ કાર્લસન તરીકે પરિચય આપ્યો હતો.
FBIની ફરિયાદ પર કાર્યવાહી
અમેરિકી એજન્સી પાસેથી માહિતી મળતાં, અમદાવાદમાં આરોપીઓના ઘર સહિતના સંકુલો પર સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું, જેના પરિણામે આરોપીના ક્રિપ્ટો વોલેટમાંથી 9,39,000 યુએસ ડોલરની કિંમતની ક્રિપ્ટોકરન્સી જેવી કે બિટકોઇન, ઇથેરિયમ, રિપલ, યુએસડીટી વગેરે ક્રિપ્ટોકરન્સી અને વાંધાજનક સામગ્રી મળી આવી હતી જેને જપ્ત કરવામાં આવી હતી.
સીબીઆઈને શૈશવના ઈ-વોલેટમાંથી 28 બિટકોઈન, 55 ઈથેરિયમ, 25,572 રિપલ અને 77 યુએસડીટી મળી આવ્યા હતા. સર્ચ દરમિયાન અમદાવાદમાં રહેતા શૈશવના બે સહયોગીઓની ભૂમિકા પણ સામે આવી છે. સીબીઆઈએ તેમના ઘરે પણ સર્ચ કરી હતી. આ દરમિયાન, મોબાઇલ ફોન, વાંધાજનક સામગ્રી સાથે લેપટોપ અને અન્ય ડિજિટલ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા.
અમેરિકન નાગરિક સાથે છેતરપિંડી
સીબીઆઈના પ્રવક્તાએ જણાવ્યું હતું કે આરોપીએ પીડિતને વિશ્વાસ અપાવ્યો હતો કે કેટલાક અનૈતિક તત્વો તેના એમેઝોન એકાઉન્ટને એક્સેસ કરવામાં આવી રહ્યું છે અને ઈ-કોમર્સ પ્લેટફોર્મ પર એકાઉન્ટ ખોલવા અને ચાર અલગ-અલગ રાજ્યોમાં તેની સોશિયલ સિક્યુરિટીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ પીડિતને તેના બેંક ખાતાઓમાંથી રોકડા ઉપાડી લેવા અને તેને રોકિટકોઈન એટીએમ વોલેટમાં બિટકોઈનમાં જમા કરાવવા કહ્યું અને એક QR કોડ પણ શેર કર્યો. તેમાં પીડિતને ખોટી માહિતી આપી હતી કે આ કોડ યુએસ ટ્રેઝરી દ્વારા તેના માટે જારી કરવામાં આવ્યો છે.
સીબીઆઈના એક અધિકારીએ જણાવ્યું કે પીડિતે 30 ઓગસ્ટ, 2022 થી 9 સપ્ટેમ્બર, 2022 સુધીના સમયગાળા દરમિયાન તેના બેંક ખાતામાંથી કથિત રીતે 130,000 યુએસ ડોલરની રકમ ઉપાડી અને તેને આરોપી દ્વારા આપવામાં આવેલા બિટકોઈન એડ્રેસ પર જમા કરાવ્યા હતા.
Advertisement