દિલ્હી/ગાંધીનગર: આગામી લોકસભા ચૂંટણીમાં ભવ્ય જીત મેળવવા માટે ભાજપે બેઠકોનો દોર શરૂ કર્યો છે. લોકસભાની ચૂંટણી જીતવા માટે ભાજપનો પ્લાન સામે આવ્યો છે. પાર્ટીએ ગુજરાતના પાંચ દિગ્ગજ નેતાઓને જવાબદારી સોંપી છે. વિનોદ ચાવડાની સાથે પૂર્વ સીએમ વિજય રૂપાણી, પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, જીતુ વાઘાણી, ભારતીબેન શિયાળને મહત્ત્વની જવાબદારી સોંપવામાં આવી છે.
Advertisement
Advertisement
તેમને દિલ્હી, યુપી, ઉત્તરાખંડ, મહારાષ્ટ્ર, રાજસ્થાનની જવાબદારી સોંપવામાં આવી છે. આ નેતાઓને અલગ-અલગ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. લોકસભા ચૂંટણી – 2024ને એક વર્ષથી પણ ઓછો સમય બાકી છે. ભાજપ હાઈકમાન્ડે આ ચૂંટણીમાં દેશભરના 300 નેતાઓને લોકસભા સીટોની જવાબદારી સોંપી છે. ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીને દિલ્હીની ત્રણ લોકસભા બેઠકોની જવાબદારી અને પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલને બે રાજ્યો ઉત્તર પ્રદેશ અને ઉત્તરાખંડની પાંચ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.
પૂર્વ CM વિજય રૂપાણી, નીતિન પટેલને સોંપાઈ જવાબદારી
ગુજરાતથી રૂપાણી અને પટેલ ઉપરાંત ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાએ પૂર્વ પ્રદેશ પ્રમુખ જીતુ વાઘાણી, કચ્છના સાંસદ વિનોદ ચાવડા અને ભાવનગરના સાંસદ ભારતી શિયાળને પણ ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને રાજસ્થાનનું કામ સોંપ્યું છે. સોમવારે અમદાવાદ આવેલા કેન્દ્રીય મંત્રી અનુરાગ ઠાકુરને જ્યારે ચૂંટણીના લક્ષ્ય વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે 300થી વધુ બેઠકો જીતવાનો દાવો કર્યો હતો.
અલગ-અલગ લોકસભા બેઠકોની જવાબદારી સોંપી
બે અઠવાડિયા પહેલા, જેપી નડ્ડાએ ચૂંટણી વ્યૂહરચના અમલમાં મૂકવા માટે દેશભરના 300 નેતાઓ સાથે વર્ચ્યુઅલ બેઠક કરી હતી. પંજાબ ભાજપના પ્રભારી વિજય રૂપાણીને ત્રણ બેઠકો ચાંદની ચોક, દિલ્હી નોર્થ-વેસ્ટ અને દિલ્હી સેન્ટ્રલની જવાબદારી સોંપવામાં આવી છે. જ્યારે નીતિન પટેલને ઉત્તરાખંડના ટિહરી ગઢવાલ, હરિદ્વાર, ગઢવાલ અને ઉત્તર પ્રદેશના મુઝફ્ફરનગર અને કૈરાનાની પાંચ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે. આ ઉપરાંત ગુજરાતનું પ્રતિનિધિત્વ કરતા કેન્દ્રીય મંત્રીઓને પણ કામગીરી સોંપવામાં આવી છે.
Advertisement