અમદાવાદમાં AMTS અને BRTS બસો યમદૂત બની ગઈ છે. એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઇવરો દ્વારા બેદરકારીપૂર્વક વાહન ચલાવવાને કારણે માત્ર પાંચ મહિનામાં 13 લોકોના મોત થયા છે. એટલું જ નહીં એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં 259 અકસ્માતો પણ તેના કારણે થયા છે. વિપક્ષે આક્ષેપ કર્યો હતો કે આવા અકસ્માતોના કિસ્સામાં પોલીસ ફરિયાદ પણ નોંધતી નથી અને પીડિતો સાથે સાવકી મા જેવું વર્તન કરવામાં આવે છે.
Advertisement
Advertisement
એએમટીએસ, બીઆરટીએસના ચાલકો બેદરકારીથી બસ ચલાવે છે
અમદાવાદમાં નાગરિકોને બસ સુવિધા આપવા માટે AMTS, BRTS બસો દોડાવવામાં આવે છે. પરંતુ એએમટીએસ અને બીઆરટીએસના ડ્રાઈવરો અવારનવાર શહેરના માર્ગો પર બેદરકારીપૂર્વક વાહન ચલાવીને લોકોને પોતાનો શિકાર બનાવે છે. શહેરમાં દરરોજ આવા અકસ્માતના સમાચારો આવતા રહે છે. છેલ્લાં પાંચ મહિનામાં એએમટીએસ, બીઆરટીએસ ડ્રાઈવરોના કારણે કુલ 259 અકસ્માતો થયા છે, જેમાં 13 નાગરિકોના મોત થયા છે. એપ્રિલથી ઓગસ્ટ સુધીમાં એએમટીએસ બસના કુલ 102 અકસ્માતોમાં 9 લોકોના મોત થયા છે. જ્યારે બીઆરટીએસ બસના કુલ 157 અકસ્માતો પૈકી 4 લોકોના મોત થયા હોવાની માહિતી સામે આવી છે.
AMCમાં વિપક્ષી નેતાનો ગંભીર આક્ષેપ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં વિરોધ પક્ષના નેતાએ આક્ષેપ કર્યો હતો કે શહેરમાં દોડતી AMTS અને BRTS બસ નાગરિકો માટે યમદૂત બની ગઈ છે. આ અકસ્માતોમાં પોલીસ ફરિયાદ નોંધતી નથી, જેના કારણે મૃતકના આશ્રિતોને કોઈ વળતર મળતું નથી. AMTS બસના ડ્રાઇવરો મોટે ભાગે મોટરસાઇકલ, બાઇક સવારો અને રાહદારીઓને ભોગ બનાવે છે. જ્યારે જોગેશ્વરી પાર્ક, બોપલ એપ્રોચ, ગુલબાઈ ટેકરા, રખિયાલ ચાર રસ્તા પર બીઆરટીએસના કારણે અકસ્માતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થયો છે.
Advertisement