અમદાવાદઃ શહેરના ઇસ્કોન બ્રિજ પર મોડી રાત્રે સર્જાયેલા અત્યંત ભયાનક અકસ્માતમાં નવ લોકોના કરૂણ મોત થયા હતાં. આ અકસ્માતમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડનું પણ મૃત્યુ થયું હતું. પોલીસે આરોપી તથ્ય પટેલ, તેના પિતા પ્રજ્ઞેશ પટેલ 3 યુવતીઓ સહિત અકસ્માત કરનારા 6 લોકોની ધરપકડ કરી છે.
Advertisement
Advertisement
આરોપી તથ્ય પટેલના પિતાએ શું કહ્યું?
આ દર્દનાક અકસ્માતના મુખ્ય આરોપી તથ્ય પટેલના પિતાનું નિવેદન સામે આવ્યું છે. તેમણે કહ્યું કે જગુઆર કારમાં અન્ય 5 લોકો હતા અને મારો પુત્ર લોહી નીકળતી હાલતમાં હતો, જેને મેં હોસ્પિટલમાં દાખલ કરાવ્યો હતો. તથ્યના પિતાએ વધુમાં જણાવ્યું કે તે 11 વાગ્યે તેના મિત્રો સાથે એક કાફેમાં ગયો હતો, જગુઆર કાર મારા પાર્ટનરના નામે રજીસ્ટર્ડ છે. ઘટનાસ્થળે પહોંચીને તથ્યના પિતા પર લોકોને ધમકાવવાનો પણ આરોપ મૂકાયો છે.
આરોપીના વકીલે શું કહ્યું ?
અકસ્માત અંગે મુખ્ય આરોપી તથ્ય પટેલના વકીલે જણાવ્યું હતું કે આ અકસ્માત અજાણતા સર્જાયેલી ઘટના હતી. સ્થળ પર ટ્રક અને થાર વચ્ચે પહેલેથી જ અકસ્માત થયો હતો. પરંતુ ત્યાં બેરિયર લગાવવામાં આવ્યું ન હતું. વકીલે વધુમાં કહ્યું કે કોઈ પણ વ્યક્તિ અકસ્માત સર્જવાના ઈરાદાથી ઘરની બહાર નીકળતો નથી. આરોપીના વકીલે દાવો કર્યો હતો કે કારની સ્પીડ 160 અથવા ઓવરસ્પીડ ન હતી. જ્યાં અકસ્માત થયો ત્યાં લોકોની ભારે ભીડ હતી. અમે કાયદાનું પાલન કરીશું અને સત્ય બહાર લાવીશું.
કેવી રીતે થયો અકસ્માત?
અમદાવાદના આ અકસ્માતને શહેરનો અત્યાર સુધીનો સૌથી મોટો અકસ્માત કહી શકાય જેમાં એક કોન્સ્ટેબલ અને એક હોમગાર્ડનું પણ મૃત્યુ થઈ ગયું છે. મળતી માહિતી મુજબ, ઇસ્કોન બ્રિજ પર એક થાર કાર અને ડમ્પર વચ્ચે ટક્કર થઇ હતી. તેને જોવા માટે લોકોની ભીડ બ્રિજ પર ઉમટી પડી હતી. અકસ્માત બાદ પોલીસની ટીમ પણ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. તે દરમિયાન કર્ણાવતી ક્લબ તરફથી 160 કિમી પ્રતિ કલાકથી વધુની ઝડપથી આવી રહેલી જગુઆર કાર લોકોને કચડતી આગળ નીકળી ગઈ હતી. તેમાં 9 લોકોના મોત થયા હતા અને 15થી વધુ લોકો ઘાયલ થયા હતા.
Advertisement