ગુજરાતની જીવાદોરી સમાન નર્મદા ડેમના 23 દરવાજા આજે ખોલાયા છે. સાંજે ૫ કલાકે ૨૩ દરવાજા ૫.૬૦ મીટર સુધી ખોલવામાં આવ્યા હતા. ગુજરાતમાં ઓછા વરસાદ વચ્ચે મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે ડેમમાં પાણીની આવકમાં સતત વધારો થવાને પગલે તંત્રએ દરવાજા ખોલવાનો નિર્ણય લીધો છે. મધ્યપ્રદેશમાં ભારે વરસાદના કારણે ઓમકારેશ્વર ડેમમાંથી સાડા ત્રણ લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે. જેની સાથે નર્મદાના સરદાર સરોવર ડેમ જ દર કલાકે જળ સપાટીમાં 25 સે.મી.નો વધારો થઈ રહ્યો છે. સાંજે ૫ વાગ્યે સરદાર સરોવર નર્મદા ડેમની સપાટી ૧૩૭.૩૨ મીટર પર પહોંચી હતી. ડેમની મહત્તમ સપાટી 138.68 મીટર છે.
Advertisement
Advertisement
ડેમમાં પાણીની આવક ૧૨,૯૦,૬૮૯ ક્યૂસેક છે. જ્યારે રિવરબેડ પાવરહાઉસમાંથી કુલ 9,45,000 ક્યૂસેક પાણી નદીમાં છોડવામાં આવી રહ્યું છે. નર્મદા ડેમમાં પાણીની વિપુલ આવક સામે સરદાર સરોવર નર્મદા નિગમ લી. દ્વારા સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે. ડેમમાં પાણીની સપાટી જળવાઈ રહે અને પુરની વધારે અસર ખાળવા સતત નર્મદા નિગમ દ્વારા સાવચેતીપૂર્વક પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. અગાઉ આજે બપોરે 12 વાગે ડેમના 10 દરવાજા 1.40 મીટર સુધી ખોલાયા હતા. ભરૂચ સહિત નીચાણવાળા વિસ્તારોને પુરની વધુ અસર ન પડે તે માટે સતત નિરીક્ષણ કરવામાં આવી રહ્યું છે.
નર્મદા ડેમમાંથી પાણી છોડવાને પગલે નર્મદા, ભરૂચ, વડોદરા જિલ્લાના કાંઠા વિસ્તારના ગામોને સાવચેત કરાયા છે. ડભોઇના 3, શિનોર અને કરજણ તાલુકાના 22 ગામોના નાગરિકોને નદીના પટમાં ન જવા અપીલ કરાઈ છે. ડેમમાંથી પાણી છોડવાને પગલે જિલ્લાના ત્રણેય તાલુકાના 25 ગામોના નાગરિકોને એલર્ટ કરાયા છે. ગુજરાતમાં હાલમાં વરસાદ ઓછો છે પણ મધ્યપ્રદેશમાં ભારે વરસાદને કારણે નર્મદા ડેમમાં પાણીની આવક વધતાં ડેમના 23 દરવાજા ખુલ્લા મૂકાયા છે. કરજણ તાલુકાના 11 ગામોને એલર્ટ કરાયા છે. આ ઉપરાંત વડોદરાના વિશ્વામિત્રી અને દેવ નદીકાંઠાના ગામોને પણ એલર્ટ કરવામાં આવ્યા છે. વાઘોડીયા તાલુકાના નદીકાંઠાના 22 ગામોને એલર્ટ કરવામાં આવ્યા છે.
Advertisement