ગુજરાત સરકારે મોડે મોડે સરકારી યુનિવર્સિટીઓમાં કુલપતિની નિમણૂક માટે યુજીસીના નિયમોનો સ્વીકાર કર્યો છે અને આ બાબતે ઠરાવ કરીને સર્ચ કમિટીઓમાં ચોથા સભ્ય તરીકે યુજીસીના સભ્યની નિમણૂક માટે પ્રક્રિયા કરવાની સૂચના અપાઈ છે ત્યારે હવે રાજ્યની દસ સરકારી યુનિવર્સિટીઓના કુલપતિની નિમણૂકમાં વિલંબ થશે અને જેમાં વિલંબ થતા ઘણી યુનિવર્સિટીઓમાં તો કુલપતિની ટર્મ પણ પૂરી થઈ જશે.
ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં હાલ લગભગ એક ડઝન જેટલી સરકારી યુનિવર્સિટીઓમાં ઈન્ચાર્જ કુલપતિ છે અથવા તો આગામી એકથી બે મહિનામાં કુલપતિની મુદત પૂર્ણ થનાર છે. રાજ્યની સૌથી મોટી અને જૂની એવી સરકારી ગુજરાત યુનિવર્સિટીમાં હાલના કુલપતિની બીજી ટર્મ આગામી મહિનાના અંતમાં પૂર્ણ થનાર છે અને હાલ ચેરમેન સહિતના ત્રણ સભ્યો સાથેની સર્ચ કમિટી પણ બની ગઈ છે.
ઉપરાંત એસ.પી. યુનિવર્સિટી, બાબાસાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી, સૌરાષ્ટ્ર યુનિવર્સિટી, ઉત્તર ગુજરાત યુનિવર્સિટી, ચિલ્ડ્રન યુનિવર્સિટી, ભાવનગર યુનિવર્સિટી, કચ્છ યુનિવર્સિટી, જુનાગઢ યુનિવર્સિટી તથા સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટી સહિતની દસ જેટલી સરકારી યુનિવર્સિટીમાં કુલપતિની નિમણૂક માટેની પ્રક્રિયા પણ શરુ થઈ છે.
Advertisement