કચ્છની વ્યવસાય નગરી ગાંધીધામમાં ચાલુ વર્ષે ત્રીજી આંગડિયા લૂંટની ઘટના બની છે. ગાંધીધામના જવાહર ચોક, ડી.બી.ઝેડ નોર્થ ખન્ના માર્કેટ રોડ પર ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી પીએમ એન્ટરપ્રાઈઝ (જૂના આંગડિયા) નામની આંગડિયા પેઢીમાં ધોળા દિવસે બંદૂકના નાળચે ઈસમોએ 1.05 કરોડ રોકડાં રુપિયાની લૂંટ ચલાવી હતી. મિનિટોમાં જ લૂંટારા બાઈક પર આસાનીથી નાસી છૂટ્યા હતા.
અંજારના ડીવાયએસપી મુકેશ ચૌધરીએ જણાવ્યું કે, બપોરે ત્રણ વાગ્યાના અરસામાં આ લૂંટનો બનાવ બન્યો હતો. જે સમગ્ર બનાવ આંગડિયા પેઢીમાં રહેલા સીસીટીવી કેમેરામાં કેદ થયો છે. બે બાઈક મારફતે હેલમેટ પહેરી ચાર લૂંટના ઈરાદે આવ્યા હતા.
એક માહિતી અનુસાર અંદાજિત બે મહિના પહેલા અપના નગર ખાતે પોતાનિા ઘરમાં જઈ રહેલા આંગડિયા પેઢીના સંચાલક પર ફાયરિંગ કરી 42 લાખની લૂંટ ચલાવવામાં આવી હતી. જે સંચાલક પીએમ એન્ટરપ્રાઈઝ (જૂના આંગડિયા) પેઢીનો જ હોવાનું જાણવા મળ્યું હતું. જોકે તે બનાવમાં પોલીસે આરોપીઓને ગોવા ખાતેથી ઝડપી લઈ ગુનાનો ભેદ ઉદેલી લીધો હતો. જે બનાવ બે મહિના બાદ ફરી એ જ આંગડિયા પેઢીને નિશાન બનાવવામાં આવતા અનેક પ્રશ્નો ઊભા થયા છે.
ઉલ્લેખનીય છે કે ગાંધીધામમાં ચાલુ વર્ષે આ ત્રીજો લૂંટનો બનાવ છે, પાંચ મિનિટમાં ટીપ આધારિત અને આયોજનબદ્ધ લૂંટમાં જાણભેદૂની સંડોવણી હોવાનું પ્રાથમિક માહિતીમાં જાણવા મળી રહ્યું છે. ઉપરાંત પોલીસ તંત્ર દ્વારા સમગ્ર કચ્છમાં નાકાબંધી કરાઈ છે.
Advertisement