જામનગરમાં ગુલાબનગર વિસ્તારમાં દલવાડી સોસાયટીમાં રહેતા સતવારા પરિવાર પર પાડોશી પરિવારે હુમલો કરી બે યુવાનોને જીવલેણ ઈજાઓ પહોચાડી હોવાની પોલીસ દફતરે ફરિયાદ નોંધાઈ છે. અગાઉના ઝઘડાનો ખાર રાખી એક આરોપીએ યુવાન પર થુકતા બંને પક્ષે બોલાચાલી થયા બાદ આરોપી પરિવારના ત્રણ સભ્યોએ હુમલો કરી બે યુવાન બંધુઓની હત્યા નીપજાવવાનો પ્રયાસ કર્યો હોવાનું સામે આવ્યું છે. પોલીસે દંપતી સહીત ત્રણ સખ્સો સામે હત્યા પ્રયાસ સંબંધિત ફરિયાદ નોંધી તપાસ હાથ ધરી છે.
જામનગરમાં ગોકુલનગર વિસ્તારમાં આવેલ દલવાડી સોસાયટી શેરી નં-૪ આશાપુરાના મંદિર પાસે રહેતા અને શાક બકાલુંનો ધંધો કરતા સુરેશભાઇ સવશીભાઇ સોનારા ઉ.વ. ૩૫ અને તેના પરિવારના સભ્યો પર વિરસિંહ રાઠોડ, જીતુ વિરસિંહ રાઠોડ અને જીતુની પત્નીએ ગઈ કાલે રાત્રે હુમલો કર્યો હતો. આરોપી જીતુંએ છરી વડે હુમલો કરી માથામા, ડાબા પગના ગોઠણ નીચે, સાથળના ભાગે છરીના ઘા મારી ઇજા પહોચાડી હતી. જયારે આ બનાવના પગલે સુરેશભાઈના ભાઈ વિજય વચ્ચે છોડાવવા પડતા તેને પણ આરોપી વીરસિંહે તલવાર વતી હુમલો કરી એક ઘા ડાબી બાજુ પડખાના ભાગે મારી જીવલેણ ઈજા પહોચાડી હતી.
જયારે જીતુંની પત્નીએ ઘોકા વડે માર મારી, ત્રણેયે બંને ભાઈઓએ જાનથી મારી નાખવાની ઘમકી આપી નાશી ગયા હતા. આ બનાવને પગલે ગંભીર રીતે ઘવાયેલ બંને ભાઈઓને તાત્કાલિક હોસ્પિટલ ખસેડાયા હતા. જ્યાંથી ગંભીર રીતે ઘવાયેલ વિજયભાઈને પ્રાથમિક સારવાર આપી અમદાવાદ રીફર કરવામાં આવ્યા હતા. આ બનાવ અંગે સુરેશભાઈએ સીટી સી ડીવીજન પોલીસમાં આઈપીસી કલમ ૩૦૭, ૩૨૪, ૩૨૩,૫૦૪, ૫૦૬(૨)૧૧૪ તથા જી.પી.એકટ કલમ ૧૩૫(૧) મુજબ ફરિયાદ નોંધાવી હતી. આરોપી વીરસિંહે પોતાનુ વર્ચસ્વ રાખવા, ગમે ત્યારે ગમે તેની જોડે ઝઘડો કરતા હોય અને અને આ પહેલા પણ સુરેશભાઈ સામે એક બે વાર ઝઘડો કર્યો હતો.
ગઈ કાલે સુરેશભાઈ તેની દુકાને જતો હતો તે સમયે આરોપી વિરસિંહ તેની ઉપર થુંક્યો હતો. જે બાબતે ઠપકો આપતા, આરોપી ઉશ્કેરાય ગયો હતો અને બીભત્સ વાણી વિલાસ આચાર્યો હતો. ત્યારબાદ અન્ય આરોપીઓ આવી જઈ હુમલો કરી દીધો હોવાનું ફરિયાદમાં જાહેર થયું છે. આ બનાવને પગલે રાત્રે જ સીટી સી ડીવીજન પોલીસે ઘટના સ્થળે પહોચી તંગ સ્થિતિ થાળે પાડવાનો પ્રયાસ કર્યો હતો.