Gujarat Exclusive > દેશ-વિદેશ > કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક- ‘દિલ્હીમાં મેટ્રો અને બસમાં મહિલાઓ માટે મફત મુસાફરી’

કેજરીવાલનો માસ્ટરસ્ટ્રોક- ‘દિલ્હીમાં મેટ્રો અને બસમાં મહિલાઓ માટે મફત મુસાફરી’

0
258

લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના નિરાશાજનક પ્રદર્શન બાદ પાર્ટીના સુપ્રીમો અરવિંદ કેજરીવાલ હરકતમાં આવ્યા છે. નવી દિલ્હીમાં આગામી વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણીને ધ્યાનમાં લઈને ‘આપ’ની સરકારે મોટી જાહેરાત કરી છે. દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે પત્રકાર પરિષદમાં તેની જાહેરાત કરી છે.

અરવિંદ કેજરીવાલે જણાવ્યું કે, દિલ્હીમાં મહિલાઓ પોતાને અસુરક્ષિત અનુભવે છે. દિલ્હી સરકાર દિલ્હીની મેટ્રો અને DTC બસોમાં મહિલાઓને ભાડામાંથી છૂટકારો અપાવવા માટે નિ:શુલ્ક પ્રવાસ કરાવવાનો નિર્ણય કર્યો છે. જેમાં મહિલાઓને સાર્વજનિક પરિવહનના ઉપયોગને પ્રોત્સાહન મળશે. મહિલાઓને ફ્રી યાત્રા આપવામાં DMRCને થનારા નુક્સાનની ભરપાઈ દિલ્હી સરકાર કરશે.

મહિલાઓની સુરક્ષા માટે 2 મોટા નિર્ણય કરવામાં આવ્યા છે. એક તો CCTV કેમેરા લગાવવા માટે અઢી વર્ષથી પ્રયત્ન કરી રહ્યા હતા. દોઢ લાખ સીસીટીવી લગાવવા માટેના ટેન્ડર આપ્યા હતા, જેમાંથી 70 હજાર CCTVનો સર્વે થઈ ચૂક્યો છે. કેજરિવલે જણાવ્યું કે, 8 જૂનથી કેમેરા લગાવવામાં આવશે અને ડિસેમ્બર સુધીમાં ઈન્સ્ટોલ થઈ જવાની આશા છે.

બસો અને મેટ્રોમાં કુલ મુસાફરોમાં 33 ટકા મહિલાઓ હોય છે. જે પ્રમાણે મેટ્રોમાં મહિલાઓને મફત યાત્રા કરવા પર વાર્ષિક 1 હજાર કરોડ રૂપિયાનો ખર્ચો આવશે, જ્યારે 200 કરોડ રૂપિયાનો ખર્ચો બસોને લઈને સરકાર પર આવશે. અંદાજો છે કે, મહિલાઓ માટે દિલ્હી મેટ્રો અને DTC બસોમાં આ યોજનાને લાગુ કરવામાં સરકાર પર પ્રતિવર્ષ અંદાજે 1200 કરોડ રૂપિયાનું ભારણ વધશે.

દિલ્હી સરકારે આ યોજનાને લાગુ કરવા માટે દિલ્હી મેટ્રો રેલ કોર્પોરેશન (DMRC)ના અધિકારીઓ સાથે બેઠક કરી અને તેમને પૂછ્યુ કે, આ યોજનાને કેવી રીતે લાગુ કરી શકાય છે. આ માટે મફત પાસની વ્યવસ્થા રહેશે કે કોઈ અન્ય વિકલ્પ રહેશે?

વીજળીના બિલ પર ફિક્સ ચાર્જ ઘટાડવા પર વિચાર
જણાવી દઈએ કે, તાજેતરમાં કેજરીવાલે એક જનસભાને સંબોધિત કરતા જણાવ્યું કે, તેમની સરકાર વીજળી બિલમાં ફિક્સ ચાર્જને ઘટાડવા માટે વીજ વિભાગ સાથે વાટાઘાટો કરી રહી છે.

ઉલ્લેખનીય છે કે, હાલમાં યોજાયેલ લોકસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ 9 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 40થી વધુ બેઠકો પર ઉમેદવારો ઉતાર્યા હતા. જેમાંથી માત્ર એક બેઠક પર જ વિજય મેળવી શકી હતી. આ ચૂંટણીમાં મોટો ફટકો પડ્યા બાદ કેજરીવાલે વિધાનસભા ચૂંટણીની તડામાર તૈયારીઓ શરૂ કરી છે.

ભાજપનો પલટવાર
‘આપ’ દ્વારા મહિલાઓ માટે કરવામાં આવેલા જાહેરાત બાદ ભાજપે દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ પર પલટવાર કર્યો છે. દિલ્હી ભાજપના અધ્યક્ષ મનોજ તિવારીએ જણાવ્યું કે, કેજરીવાલનું શાસન નિષ્ફળ રહ્યું છે. આથી જ તેઓ મત ખરીદવાનો પ્રયત્ન કરી રહ્યા છે. હવે દિલ્હીમાં સ્વચ્છ પાણી, યમુનાની સફાઈ અને તેના જળ સ્તરના કોઈ ચર્ચા નથી કરવામાં આવી રહી. આમ આદમી પાર્ટીની સરકારને 52 મહિના થયા છે, ત્યારે અચાનક તેમને વિચાર આવ્યો કે કેટલીક જાહેરાત કરો, નહીં તો આપણે ખુરશી ખોઈ બેસીશું.

તિવારીએ વધુમાં જણાવ્યું કે, ત્રણ મહિનામાં મત યોજનાની વાત કરી રહ્યા છે. 52 મહિનામાં કશું જ નથી કર્યું. કેજરીવાલ દિલ્હીના લોકોને રાહત આપવા માંગતા હોય તો, આયુષ્માન યોજના લાગુ કરો. છેલ્લા 5 વર્ષમાં નરેન્દ્ર મોદી વિશ્વાસ બન્યા, તો કેજરીવાલ અભિશાપ બની ગયા છે.