Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: Kasturbhaiને શા માટે 6 મહિનામાં જ છોડવી પડી હતી કોલેજ

#Column: Kasturbhaiને શા માટે 6 મહિનામાં જ છોડવી પડી હતી કોલેજ

0
545

બદલાયેલી પરિસ્થિતિ સાથે પણ ધીરજ અને હિંમતથી કામ લો. -જય નારાયણ વ્યાસ

દરેક માણસને પોતાની ઈચ્છાઓ અને અભિલાષાઓ હોય છે
કેટલીક પૂરી થાય, કેટલીક ન પણ થાય
જ્યારે એવું બને કે તમે જે માર્ગ પસંદ કર્યો હોય ત્યાં માંડ ડગલું ભર્યુ હોય
અને એ આખો માર્ગ જ ખોવાઈ જાય
આવું થાય ત્યારે શું થાય?

શ્રી ધીરુભાઈ ઠાકર લિખિત ‘પરંપરા અને પ્રગતિ – સ્વ. કસ્તુરભાઈ (Kasturbhai) લાલભાઈનું જીવન ચરિત્ર’ના પાન નંબર 44-45 પર એક ઘટના કંઈક આ રીતે આલેખાયેલી છે –

કસ્તુરભાઈ ગુજરાત કૉલેજમાં દાખલ થયા તે વખતે રોબર્ટસન પ્રિન્સિપાલ હતા અને આનંદશંકર ધ્રુવ, એમ. એસ. કોમીસરિયટ, સાંકળચંદ શાહ અને વીરમિત્ર દિવેટિયા જેવા ખ્યાતનામ પ્રોફેસરો હતા. ત્રણસો જેટલા વિદ્યાર્થીઓ કૉલેજમાં ભણતા, તેમાં ભાગ્યે જ દસ ટકા જેટલી કન્યાઓ હશે. તે દિવસોમાં હાલ જે આર્ટસ બિલ્ડીંગ છે તેમાં આ આખી કૉલેજ બેસતી.

સત્તર-અઢાર વર્ષનો જુવાન કૉલેજમાં પગ માંડે ત્યારે કેટકેટલાં રંગીન સ્વપ્નાં સેવતો આવે છે! કસ્તુરભાઈ (Kasturbhai)એ એવાં સ્વપ્નાં ન સેવ્યાં હોય એમ માનવાને કારણ નથી.

કૉલેજનાં ચાર વર્ષ જ્ઞાન અને ગમ્મતમાં આનંદથી ગાળવાનું ગુલાબી સ્વપ્ન તેમણે સેવ્યું હતું. પરંતુ પિતાના મૃત્યુએ તે તેમનું તે સ્વપ્નું રોળી નાખ્યું.

આ પણ વાંચોઃ # Column: ગુજરાતના રાજકારણમાં રક્ષાબંધનની તાકાતે એક મુખ્યમંત્રીની ગાદી બચાવી

મઝિયારું વહેંચાતાં કુટુંબને ભાગે આવેલી રાયપુર મિલનો કારભાર લાલભાઈ જતાં કોઈકે ઉપાડી લેવાની જરૂરિયાત ઊભી થઈ હતી. મોટાભાઈ ચીમનલાલ પિતાની હયાતી દરમિયાન જ તેમાં જોડાઈ ગયા હતા. પરંતુ તેઓ એકલા એટલો બહોળો વહીવટ સંભાળી શકે તેમ નહોતું.

તેમની પડખે ઘરનું કોઈ માણસ રહે તો જ મિલનું કામ વ્યવસ્થિત ચાલી શકે. મોહિનાબાની દ્રષ્ટિ કસ્તુરભાઈ પર પડી. માતાને તેમની શક્તિ ઉપર વિશ્વાસ હતો. તેમણે પુત્રને પાસે બોલાવીને ભારે હૈયે કહ્યું :

“ભાઈ, અભ્યાસ છોડીને મિલના કામમાં જોડાઈ જા.”

હજુ માંડ છ મહિના કૉલેજમાં કાઢ્યા હતા એટલામાં તે છોડવાની વાત આવી તે કસ્તુરભાઈ (Kasturbhai)ને ગમ્યું નહીં. મનમાં ગડમથલ ચાલી. ભણવાની ઉત્કટ ઈચ્છા હતી. બીજી તરફ લાગતું હતું કે आज्ञा गुरुणाम अविचारणीया વડીલોની આજ્ઞાનું ઉલ્લંઘન શી રીતે થાય? છેવટે માતાની ઇચ્છાનો વિજય થયો. દલીલ કર્યા વગર તત્કાળ કૉલેજ છોડી દીધી અને ૧૯૧૨ના ઓગસ્ટમાં મિલના વહીવટમાં જોડાઈ ગયા.

જીવનને તમારી મનપસંદગીના કોઇપણ ખેલ (રમત) સાથે સરખાવો.

દાખલો ક્રિકેટનો લઈએ.

બેટિંગ કરવા જનાર સામેની ટીમમાં એનો સગો ભાઇ રમતો હોય તો પણ એવી આશા ન રાખી શકે કે બોલર એને અનુકૂળ બોલ નાખે.
અને તો પોતે આવા બોલને ફટકારીને સદી કરે.

બોલરને જેવો બોલ નાખવો હોય તેવો નાખે, ખરાબમાં ખરાબ પિચ ઉપર વાદળઘેર્યું વાતાવરણ હોય અને બંદૂકની ગોળીની માફક છૂટતો બોલ ઊંચકીને બાઉન્ડ્રીની બહાર મોકલી આપી શકે એ બેસ્ટમેન પોતાની ધાક જમાવી શકે છે.

આ પણ વાંચોઃ #Column: બાળકને બાળક જ રહેવા દો ને… પ્લીઝ

જીવનમાં કોઈ તક આખરી નથી.
અજાણતાં કોઈ અવરોધ આવી ગયો,
પરિસ્થિતિ વિપરીત બની,
હિંમત ના ગુમાવશો.
બદલાયેલી પરિસ્થિતિ સાથે પણ ધીરજ અને હિંમતથી કામ લો.
જીતી જશો.