Gujarat Exclusive > દેશ-વિદેશ > જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયા યુઝર્સ પર લાગ્યો UAPA, જાણો કેટલો કડક છે આ કાયદો?

જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયા યુઝર્સ પર લાગ્યો UAPA, જાણો કેટલો કડક છે આ કાયદો?

0
594

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયાનો ખોટી રીતે ઉપયોગ કરનારા યુઝર્સ પર UAPA (Unlawful Activities Prevention Act ) લગાવવામાં આવ્યો છે. પોલીસે આ કડક કાયદા અંતર્ગત સોશિયલ મીડિયા યુઝર્સ વિરૂદ્ધ ગુનો દાખલ કર્યો છે. આ બાબતે FIR ત્યારે દાખલ કરવામાં આવી, જ્યારે હુર્રિયત નેતા સૈયદ અલી ગિલાનીનો એક વીડિયો સોશિયલ મીડિયા પર અપલોડ થયો અને લોકો તેને શેર કરવા લાગ્યા.

જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયાના ઉપયોગ પર પ્રતિબંધ બાદ પણ લોકો પ્રોક્સી સર્વર મારફતે તેનો ઉપરયોગ કરી રહ્યાં છે. ગિલાનીનો વીડિયો એવા જ પ્રોક્સી સર્વરથી અપલોડ કરવામાં આવ્યો અને લોકોએ પછી તેને શેર કરવાનું શરૂ કર્યું. જે બાદ પોલીસે સાઈબર ક્રાઈમમાં આ મામલે UAPA અંતર્ગત FIR દાખલ કરાવી છે.

કેમ લગાવવામાં આવ્યો UAPA?
UAPA આતંકવાદ અને નક્સલવાદથી લડવા માટે બનાવવામાં આવેલો કડક કાયદો છે. જમ્મુ-કાશ્મીરમાં સોશિયલ મીડિયાના દૂરૂપયોગ બાદ પોલીસે આ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કર્યો છે. FIRમાં જણાવ્યું છે કે, અસામાજિક તત્વો દ્વારા પ્રોક્સી સર્વરનો ઉપયોગ કરીને અફવા ફેલાવવામાં આવી રહી હતી. જે કાશ્મીરની હાલની સ્થિતિ માટે જોખમી છે. આ અફવાના કારણે અલગાવાદી વિચારધારા ધરાવતી તાકાતો મજબૂત બનશે અને તેના દ્વારા આતંકવાદી ગતિવિધિઓને વેગ મળશે. જે બાદ ઘાટીમાં સોશિયલ મીડિયાનો ઉપયોગ કરનારા લોકો વિરૂદ્ધ UAPA કાયદાની કલમો અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવ્યો છે.

શું છે UAPA એક્ટ?
UAPA કાયદો દેશ અને દેશની બહાર ગેરકાયદેસર ગતિવિધિઓ રોકવા માટેનો કડક કાયદો છે. 1967ના આ કાયદામાં ગત વર્ષે સરકારે કેટલાક સંશોધન કરીને તેને વધારે કડક બનાવ્યો છે. આ કાયદાનો હેતુ કેન્દ્રની એજન્સીઓ અને રાજ્ય સરકારને આતંકવાદ અને નક્સલવાદનો ખાત્મો કરવા માટેના અધિકાર આપવાનો છે. 2019માં NDA સરકારે આતંકવાદનો ખાત્મો કરવા માટે આ કાયદામાં કેટલીક જોગવાઈઓનો ઉમેરો કર્યો છે.

આ એક્ટ સમગ્ર દેશમાં લાગૂ છે. જેમાં કોઈ પણ ભારતીય કે વિદેશી વિરૂદ્ધ આ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરી શકાય છે. ગુનો કરવાનું સ્થળ કે ગુનો ક્યા પ્રકારનો છે, તેનાથી કોઈ ફરક નથી પડતો. જો ગુનો વિદેશી ધરતી પર કરવામાં આવ્યો હોય, ત્યારે પણ આ એક્ટ અંતર્ગત ગુનો દાખલ કરવામાં આવી શકે છે. ભારતમાં રજિસ્ટર્ડ શિપ અથવા એરોપ્લેનમાં થયેલા ગુનામાં પણ આ એક્ટનો ઉપયોગ કરવામાં આવી શકે છે.

2019માં આ એક્ટમાં સંશોધન કરીને NIAને અધિકાર આપવામાં આવ્યો છે કે, તેઓ કોઈ પણ પ્રકારના આતંકવાદી ગતિવિધિઓમાં સામેલ શંકાસ્પદને આતંકવાદી જાહેર કરી શકે છે. અગાઉ માત્ર ગ્રુપોને જ આતંકવાદી સંગઠન જાહેર કરવામાં આવતા હતા, પરંતુ હવે સુધારા બાદ કોઈ પણ વ્યક્તિને શંકાસ્પદ આતંકવાદી જાહેર કરી શકાય.

ઈમરાન ખાનના જૂઠનો પર્દાફાશ, પાકિસ્તાનમાં જ છૂપાયો છે આતંકવાદી મસૂદ