Gujarat Exclusive > દેશ-વિદેશ > બે મહિના બાદ કાશ્મીરમાં મોબાઈલ સેવા શરૂ, 40 લાખ પોસ્ટપેડ કનેક્શન થયા એક્ટિવ

બે મહિના બાદ કાશ્મીરમાં મોબાઈલ સેવા શરૂ, 40 લાખ પોસ્ટપેડ કનેક્શન થયા એક્ટિવ

0
368

શ્રીનગર: જમ્મુ-કાશ્મીરમાંથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ ત્યાંની સ્થિતિને કાબૂમાં રાખવા માટે તકેદારીના ભાગરૂપે કાશ્મીરમાં અનેક પ્રતિબંધ મૂકવામાં આવ્યા હતા. ઘાટીમાં મોટા પ્રમાણમાં સેનાના જવાનોનો કાફલો ખડકવા ઉપરાંત ત્યાં ઈન્ટરનેટ સેવાઓ સ્થગીત કરવામાં આવી હતી. જો કે હવે સરકાર તરફથી સ્થિતિને સામાન્ય કરવાના પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. આજ ક્રમમાં આજથી કાશ્મીરમાં પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ કરવામાં આવી છે.

પ્રીપેઈ મોબાઈલ સેવાને લઈને નિર્ણય પછી
લગભગ બે મહિના બાદ ઘાટીમાં લોકોને પોસ્ટપેડ મોબાઈલ સેવા ફરીથી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. જાણકારી પ્રમાણે, બપોરે 12 વાગ્યાથી 40 લાખથી વધુ લોકોના પોસ્ટપેડ મોબાઈલ ફોન એક્ટિવ થઈ ગયા છે. રાજ્ય સરકારે બે દિવસ પહેલા જ પોસ્ટપેડ સેવાઓ પર પ્રતિબંધ હટાવવાનો નિર્ણય કર્યો હતો. હાલ સરકારે ઘાટીમાં પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ કરવાનો નિર્ણય કર્યો છે. માનવામાં આવી રહ્યું છે કે, જલ્દી લોકોને પ્રીપેડ મોબાઈલ સેવા પણ મળવી શરૂ થઈ જશે. જેને લઈને નિર્ણય પછીથી લેવામાં આવશે. જો કે પોસ્ટપેડ કનેક્શન ધરાવતા લોકોને ઈન્ટરનેટ સેવા માટે હજુ રાહ જોવી પડશે.

જણાવી દઈએ કે, જમ્મુ-કાશ્મીરમાં 5 ઓગસ્ટથી આર્ટિકલ 370 નાબૂદ કર્યા બાદ કાશ્મીર અને લદ્દાખમાં સ્થિતિને નિયંત્રણમાં રાખવા માટે કેટલાક પગલા ભરવામાં આવ્યા હતા. જો કે લદ્દાખમાં સેનાના જવાનો ઓછા હતા અને અહીં મોબાઈલ સેવા પણ ચાલુ રાખવામાં આવી હતી, પરંતુ કાશ્મીરમાં અગમચેતીના ભાગરૂપે મોબાઈલ ફોન અને ઈન્ટરનેટ સુવિધા સ્થગિત કરવામાં આવી હતી.

કોને થશે ફાયદો?
ઘાટીમાં પોસ્ટપેડ મોબાઈલ સેવા શરૂ થવાથી અહીંના લોકોનું જનજીવન થાળે પડશે. હાલ પોસ્ટપેડ કનેક્શન શરૂ થઈ જવાથી અહીંના વિદ્યાર્થીઓ, વ્યવસાયિકો અને વેપારીઓને તેનો ઘણો ફાયદો થશે. આ ઉપરાંત ટૂરિઝમના લોકોને પણ તેનો ફાયદો થશે. ટૂરિઝમ ક્ષેત્ર સાથે સંકળાયેલા લોકો ઘણા સમયથી મોબાઈલ સેવા શરૂ કરવાની માંગ કરી રહ્યા હતા.

ઉલ્લેખનીય છે કે, અગાઉ સરકારે ઘાટીમાં સ્કૂલો અને કોલેજો ખોલવાનો નિર્ણય કર્યો હતો. આમ છત્તાં હજુ સુધી સ્થિતિ સામાન્ય નથી થઈ. શાળાઓમાં વિદ્યાર્થીઓને પાંખી હાજરી જોવા મળી રહી છે.

અયોધ્યા વિવાદ: સુપ્રીમ કોર્ટમાં આજથી અંતિમ તબક્કાની સુનાવણી