Gujarat Exclusive > રાજનીતિ > કમલનાથની વધશે મુશ્કેલી, શીખ વિરોધી રમખાણોની ફાઈલો ખોલશે સરકાર

કમલનાથની વધશે મુશ્કેલી, શીખ વિરોધી રમખાણોની ફાઈલો ખોલશે સરકાર

0
109

મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથની મુશ્કલીઓ વધી શકે છે, કારણ કે ગૃહ મંત્રાલયે દિલ્હીમાં વર્ષ 1984માં થયેલા શીખ વિરોધી રમખાણોની ફાઈલો ફરીથી ખોલવાની તૈયારી કરી છે. જણાવી દઈએ કે, દિલ્હીમાં થયેલા આ રમખાણોમાં કોંગ્રેસના નેતા અને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી કમલનાથનું પણ નામ છે. ગૃહ મંત્રાલયનો આ નિર્ણય અગસ્તા વેસ્ટલેન્ડ કેસમાં કમલનાથના ભત્રીજા રતુલ પુરીની ધરપકડના થોડા દિવસ બાદ આવ્યો છે. જણાવી દઈએ કે, ગત મહિને કોંગ્રેસના વરિષ્ઠ નેતા અને પૂર્વ કેન્દ્રિય મંત્રી પી ચિદમ્બરમની પણ સીબીઆઈ (CBI)એ ધરપકડ કરી હતી.

જણાવી દઈએ કે, કમલનાથે કાયમ આ રમખાણોમાં પોતાનો હાથ હોવાનો ઈન્કાર કર્યો છે. ઉલ્લેખનિય છે કે, જ્યારે કમલનાથનું નામ મુખ્યમંત્રી તરીકે જાહેર કર્યુ, ત્યારે આ મુદ્દો વધારે ઉછળ્યો હતો. જ્યારે કમલનાથે મુખ્યમંત્રી પદના શપથ લીધા, ત્યારે મધ્ય પ્રદેશ અને પંજાબમાં વિરોધ પ્રદર્શનો થયા હતા. કમલનાથ પર પાર્ટીના દિલ્હીના નેતા જગદીશ અને સજ્જન કુમારની સાથે 1984માં લોકોને ઉશ્કેરવાનો આરોપ લગાવવામાં આવ્યો હતો. જે બાદ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીની તેમના જ અંગરક્ષક દ્વારા ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી.

પ્રત્યક્ષદર્શીઓએ આરોપ લગાવ્યો હતો કે, કમલનાથે સેન્ટ્રલ દિલ્હીના રકાબગંજ ગુરુદ્વારા બહાર ભીડનું નેતૃત્વ કર્યું હતું અને તેમની હાજરીમાં બે શીખોની હત્યા થઈ હતી. જોકે કેસની તપાસ કરનારી બેન્ચ નાણાવટી આયોગે કમલનાથને શંકાનો લાભ આપ્યો હતો. તપાસ આયોગે બે લોકોની જુબાની લીધી હતી, જેમાં તત્કાલીન ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટર સંજય સુરૂ પણ સામેલ હતા. જેમણે કમલનાથની ઘટના સ્થળ પર હાજર હોવાની પુષ્ટિ થઈ હતી. કમલનાથે સ્વીકાર્યું કે, તે ત્યાં હાજર જરૂર હતા, પરંતુ તેઓ લોકોને શાંત કરવાનો પ્રયત્ન કરી રહ્યાં હતા. સજ્જનકુમારને પણ આ મામલે દોષી ઠરાવવામાં આવ્યા છે. ગત વર્ષે દિલ્હી હાઈકોર્ટે રમખાણો સંદર્ભે 88 લોકોની સજાને યથાવત રાખી હતી.

બીજી તરફ શિરોમણી અકાલી દળના સદસ્ય અને દિલ્હીના ધારાસભ્ય મનિન્દર સિરસાએ માંગ કરી છે કે, કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી તરત કમલનાથને મધ્ય પ્રદેશના મુખ્યમંત્રી પદ પરથી રાજીનામું આપવા કહે. તેમણે બે સાક્ષીઓની સુરક્ષાની માંગ કરી છે, જે કમલનાથ વિરૂદ્ધ અદાલતમાં જુબાની આપવા તૈયાર છે.

જ્યારે કેન્દ્રીય મંત્રી હરસિમરત કૌર બાદલે ગૃહમંત્રાલયના શીખ વિરોધી રમખાણોના કેસ ફરીથી ખોલવાના નિર્ણયનું સ્વાગત કર્યું છે. હરસિમરત કૌર બાદલે ટ્વીટ કરીને જણાવ્યું કે, મધ્યપ્રદેશના મુખ્યમંત્રી વિરુદ્ધ કેસને ફરીથી ખોલવું એ શીખોની જીત છે. હવે કમલનાથ પોતાના અપરાધોની કિંમત ચુંકવશે.

અનામત પર RSSનું મોટુ નિવેદન