Gujarat Exclusive > ગુજરાત > મધ્ય ગુજરાત > ‘માસ્ક કફનથી નાનું છે પહેરી લો’, જુહાપુરામાં કોરોનાથી ચાર દિવસમાં જ 14 લોકોના મોત

‘માસ્ક કફનથી નાનું છે પહેરી લો’, જુહાપુરામાં કોરોનાથી ચાર દિવસમાં જ 14 લોકોના મોત

0
66

શાહબાઝ શેખ,અમદાવાદ: અમદાવાદ શહેરમાં કોરોના વાયરસના કેસો રોકેટની ગતિએ વધતા જોવા મળી રહ્યા છે. વધી રહેલા કેસને લઈ હાલ સરકાર દ્વારા રાત્રિ કફર્યુમાં વધારો કરી દેવામાં આવ્યો છે. ત્યારે શહેરના જુહાપુરા વિસ્તારમાં છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત થતા હાહાકાર મચી જવા પામ્યો છે. જો કે, ગત વર્ષના એપ્રિલ અને મેં મહિનામાં જે પરિસ્થતિ જુહાપુરામાં સર્જાઈ હતી તેવી જ પરિસ્થતિ પાછી ન સર્જાય તે માટે લોકોને સાવચેતી રાખવાની ખુબ જ જરુર છે.

શહેરના જુહાપુરમાં વિસ્તારમાં ફરી એકવાર કોરોના વાયરસનો કહેર જોવા મળી રહ્યો છે. છેલ્લા 4 દિવસમાં 14 લોકોના કોરોના વાયરસના કારણે મોત થયા છે. એપ્રિલ માસમાં 14 જેટલા લોકોને ગુમાવનારા તેમના પરિવારજનોમાં હાલ શોકનું મોજું ફરી વળ્યું છે. જે લોકોએ પોતાના સ્વજનો ગુમાવ્યા છે તેમની આંખોમાં આંસુ અત્યારે સરી તો રહ્યા છે જ જોડે તેઓ કોરોનાં મહામારીથી ખુબજ ભયભીત બની ગયા છે. તેઓ હવે માની રહ્યા છે કે કોરોના મહામારી ખરેખર રીતે અસ્તિત્વમાં છે અને એટલીજ જીવલેણ પણ છે. હાલમાં અમદાવાદ શહેરની પરિસ્થિતી ઘણી ભયજનક જોવા મળી રહી છે. દરરોજના કેસોમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. જેથી હાલ માસ્ક પહેરવું તે જ લોકો માટેનું હથિયાર બની ગયું છે. કોરોનાથી બચવા માટે માસ્ક પહેરવું તે હાલની પરિસ્થિતિ જોતા ખુબ જ જરુરી બની ગયું છે.

જો કે, હજી પણ ઘણા લોકો બિન્દાસ્ત માસ્ક વિના અને સોશિયલ ડિસ્ટન્સનું પાલન ન કરતા જોવા મળી રહ્યા છે. સરકાર દ્વારા લોકોને સાવચેતી રાખવા માટેની અપીલ પણ કરવામાં આવી રહી છે. જયારે અત્યારે પણ શહેરના ઘણા એવા વિસ્તારોમાં લોકો રાત્રિ કફર્યુમાં લટાર મારવા માટે નિકળી પડતા હોય છે અને તેમના મોહલ્લા અને સોસાયટીઓમાં ટોળુ કરી ભેગા બેસતા જોવા મળી રહ્યા છે.

ઉલ્લેખનીય છે કે, વર્ષ 2020માં રાજયમાં કોરોના વાયરસે હાહાકાર મચાવી દીધો હતો જેમાં ઘણા લોકોના મોત થયા છે અને કેટલાક ઘરોમાં પિતા અને પુત્રના સાથે મોત થયા છે. જયારે આપણે વાત કરીએ તો જુહાપુરામાં અત્યાર સુધીમાં કોરોના વાયરસના કારણે 350થી વધારે લોકોના મોત થઈ ગયા છે અને હવે ફરી એકવાર કોરોનાથી મૃત્યુ થવાનો સિલસિલો જોવા મળી રહ્યો છે.

રાજ્યમાં કોરોના મહામારીને કારણે 22 લોકોએ ગુમાવ્યો જીવ

ગુજરાતમાં કોરોના સંક્રમણને કારણે 22 લોકોના મોત થયા છે. જેમાં સુરત શહેરમાં સૌથી વધુ 8 લોકોના મોત થયા છે. અમદાવાદમાં 6, સુરતમાં 2, બનાસકાંઠા-ભાવનગર,મહીસાગર-મહેસાણા-પંચમહાલ અને વડોદરામાં 1-1 દર્દીનું મોત થયુ છે.

દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદોમાં વધારો

અમદાવાદમાં ચિંતાજનક સ્થિતિએ કોરોના કેસ વધી રહ્યા છે અને આ સાથે શહેરમાં સંક્રમિત દર્દીઓમાં ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદોમાં પણ વધારો જોવા મળી રહ્યો છે.

108ના ઈમરજન્સી કોલમાં થયો વધારો

અમદાવાદ શહેરમાં મંગળવારની આખી રાત 108 દોડતી રહી હતી. મંગળવારની રાત્રે કોરોનાના ઇમરજન્સી કેસ વધતાં 108માં પણ ત્રણ કલાકના વેઇટિંગની સ્થિતિ સર્જાઈ હતી.રાજ્યભરમાં માર્ચ મહિના સુધી 3,000 કોલ આવતા હતા જેમાં એપ્રિલ મહિનાથી વધારો શરૂ થયો છે જે હવે 4,000 કોલ આવવા લાગ્યા છે.

108ની વધુ 10 એમ્બ્યુલન્સ વધારાઈ

અમદાવાદમાં કોરોના સંક્રમણના દર્દીઓને ઓક્સિજન લેવલ ઘટવાની ફરિયાદો વધી હતી. જેના કારણે મંગળવારની રાત્રે કોઈ દર્દી ફોન કરે તો 1 કલાકથી લઈ ત્રણ કલાક સુધી રાહ જોવી પડતી હતી. આ સ્થિતિ વધુ બગડતા અમદાવાદમાં 108ની વધુ 10 એમ્બ્યુલન્સ સેવામાં મુકાઈ છે.

SVP સહિતની હોસ્પિટલોમાં 2031 બેડમાં વધાર્યા

શહેરમાં કોરોનાના કેસો વધી રહ્યા છે, જેના કારણે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા કોવિડ હોસ્પિટલમાં 2031 બેડનો વધારો કરવામાં આવ્યો છે. જ્યારે કોવિડ કેર સેન્ટરમાં 650 બેડનો વધારો કરવામાં આવ્યો છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા SVP હોસ્પિટલમાં કૉવિડ માટે 500 બેડનો વધારો કર્યો છે. તેમજ નોન કૉવિડ વોર્ડમાં હાલ જે દર્દીઓ છે તે દર્દીઓ સાજા થશે અને તેઓને હોસ્પટલમાંથી રજા આપવામાં આવશે ત્યાર બાદ સંપૂર્ણ હોસ્પિટલને કોવિડ હોસ્પિટલમાં રૂપાંતર કરવામાં આવશે. હવે નોન કોવિડ દર્દીઓને SVP હોસ્પિટલમાં દાખલ કરવામાં આવશે નહીં. જે અત્યારે દાખલ છે તેમની સારવાર પૂર્ણ થયા બાદ તેમને રજા આપવામાં આવશે.

અમદાવાદની હોસ્પિટલોમાં વેન્ટિલેટર-બેડની અછત

રાજ્યમાં કોરોના સંક્રમણની બીજી લહેર ખતરનાક સાબિત થઇ રહી છે. અમદાવાદમાં કોરોનાના કેસ વધતા હોસ્પિટલોમાં બેડ ભરાઇ ગયા હોવાની બુમરાણ ઉઠી રહી છે. અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં કોરોનાના કેસો વધવાના કારણે ખાનગી હોસ્પિટલોમાં લગભગ બેડ ભરાઈ ગયા હોય તેવી સ્થિતિ સર્જાઈ છે.ICU With વેન્ટિલેટરના 243 બેડ ભરાયેલા છે જ્યારે 54 બેડ જ ખાલી રહ્યા છે. આઇસીયુમાં 493 ભરેલા જ્યારે 85 બેડ ખાલી છે, એચડીયુમાં 1281 બેડ ભરેલા છે જ્યારે 284 બેડે ખાલી છે. આઇસોલેશનમાં 1184 બેડ ભરેલા જ્યારે 321 બેડ ખાલી છે. જો, અમદાવાદમાં કોરોનાના પોઝિટિવ દર્દીઓની સંખ્યા આ રીતે જ વધતી રહી તો આવનારા સમયમાં હોસ્પિટલોમાં ઉભા રહેવાની પણ જગ્યા નહી મળે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat