Gujarat Exclusive > રાજનીતિ > ભાજપને વધુ મત મળશે, તમે જોતા રહો બધું જ ગોઠવાઇ જશેઃ જીતુ વાઘાણી

ભાજપને વધુ મત મળશે, તમે જોતા રહો બધું જ ગોઠવાઇ જશેઃ જીતુ વાઘાણી

0
389

રાજ્યસભાની ચૂંટણી માટે ઉમેદવારી ફોર્મ ભરવાનો આજે છેલ્લો દિવસ છે. જેને પગલે ભાજપનાં ત્રણ ઉમેદવારો એવાં અભય ભારદ્વાજ, રમીલાબહેન બારા અને નરહરી અમિન અને કોંગ્રેસનાં બે ઉમેદવાર શક્તિસિંહ ગોહિલ તથા ભરતસિંહ સોલંકી વિજય મુહૂર્ત 12:39 વાગ્યે ફોર્મ ભરવાના હતાં. પરંતુ બન્ને પક્ષનાં ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરી શક્યા નથી. નરહરિ અમીનનું ફોર્મ મોડું ભરાતા ભાજપનાં બીજા 2 ઉમેદવારો અભય ભારદ્વાજ અને રમીલાબેન બારા પણ વિજય મુહૂર્ત ચુકી ગયા હતાં. ભાજપનાં ઉમેદવારો વિજય મુહૂર્તમાં ફોર્મ ભરવાનું ચૂકતા કોંગ્રેસનાં બન્ને ઉમેદવારો શક્તિસિંહ અને ભરતસિંહ ભાજપનાં ઉમેદવારોની પહેલા આવીને ફોર્મ ભરી દીધું હતું અને 1: 40 વાગ્યે ફોર્મ ભરીને બહાર આવી ગયા હતાં. ત્યાર બાદ 1:56 વાગ્યે ભાજપનાં ઉમેદવારો ફોર્મ ભરવા પહોંચ્યાં હતાં.

ભાજપને જેટલા મતની જરૂર છે તેનાં કરતા વધુ મત મળશેઃ જીતુ વાઘાણી
જો કે આ સમયે રાજ્યસભાની ચૂંટણી માટે ફોર્મ ભરવાની વેળાએ ભાજપનાં ત્રણેય ઉમેદવારો ફોર્મ ભરે તે પહેલા ગાંધીનગરનાં પાર્ટી કાર્યાલય કમલમ ખાતે અભિવાદન સમારોહ યોજાયો હતો. ત્યારે જીતુ વાઘાણીએ ભાજપનાં ત્રણેય ઉમેદવારોને શુભકામના પાઠવી હતી અને રાજ્યસભાની ચૂંટણી અંગે જીતુ વાઘાણીએ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘તમે જોતા રહો, બધું ગોઠવાઇ જશે અને વધુ મતો પણ મળશે.’ જીતુ વાઘાણીએ ભાજપને જેટલા મતની જરૂર છે તેનાં કરતા વધુ મત મળશે તેવો વિશ્વાસ વ્યક્ત કર્યો હતો.

જીતુ વાઘાણીએ જણાવ્યું હતું કે, ‘અમને જ નહીં પરંતુ સૌને તે વાતની ખબર છે કે કોંગ્રેસમાં શું ચાલે છે. જીતુ વાઘાણીએ વધુમાં જણાવ્યું હતું કે, ભાજપ વિજયશ્રીને વરેલી પાર્ટી છે એટલે ભાજપનો જ વિજય થશે. રાજ્યસભાની બેઠકો અમારી પાસે છે. સમયની રાહ જુઓ જીત અમારી જ થશે. અત્રે ઉલ્લેખનીય છે કે, વિધાનસભાનાં હાલનાં સંખ્યાબળને જોતા આ ચૂંટણીમાં ભાજપ એક વધારાની બેઠક ગુમાવી શકે છે, જેથી આ બેઠક જાળવી રાખવા ભાજપ સતત વ્યૂહરચનામાં ફેરફાર કરી રહ્યું છે. 2017ની રાજ્યસભા ચૂંટણી બાદ આ ચૂંટણીમાં પણ રસાકસી થવાની સાથે ગુજરાતનાં રાજકારણમાં મોટી ઉથલપાથલ થાય તેવી શક્યતા છે કેમ કે ભાજપ પોતાની એક બેઠક બચાવવા કોંગ્રેસનાં ધારાસભ્યોને તોડવા અથવા તો ક્રોસ વોટિંગ કરાવવા પ્રયત્નો કરી શકે છે જ્યારે કોંગ્રેસ સતત પોતાનાં ધારાસભ્યોને બચાવવા માટેનાં પ્રયાસોમાં લાગી છે.’

કોંગ્રેસનાં જૂથવાદથી જ અમને ફાયદો થશેઃ નીતિન પટેલ
નીતિન પટેલે નિવેદન આપતા જણાવ્યું કે, સંખ્યાબળનાં આધારે અમારી પાસે વધુ મતો છે. અમારા 2 ઉમેદવારો સ્પષ્ટ બહુમતીથી જીતશે. ઉપરાંત કોંગ્રેસનો જૂથવાદ બહાર આવ્યો છે. કોંગ્રેસનાં ધારાસભ્યો નારાજ છે. કોંગ્રેસે ઉમેદવાર બદલવા પડ્યાં છે. કોંગ્રેસનાં ધારાસભ્યોમાં જ અસંતોષ છે. કોંગ્રેસનાં ધારાસભ્યો પસંદગીને કારણે નારાજ છે અને કોંગ્રેસનાં ધારાસભ્યો નારાજ છે તેથી અમે ત્રીજો ઉમેદવાર ઉતાર્યો. કોંગ્રેસમાં જૂથવાદ-નારાજગીથી જ અમને ફાયદો થશે. કેમ કે પહેલા રાજીવ શુક્લાનું નામ જાહેર થયું હતું. જેમાં કોંગ્રેસનો જૂથવાદ ખુલીને બહાર આવ્યો હતો.’

ગુજરાતની રાજ્યસભાની 4 બેઠકો માટે 5 ઉમેદવારોએ ભર્યા ફોર્મ

ઉલ્લેખનીય છે કે રાજ્યસભાની ચૂંટણી 26 માર્ચે યોજાવાની છે ત્યારે ભાજપ અને કોંગ્રેસનાં ઉમેદવારોએ ગુજરાત વિધાનસભામાં પોતાના ઉમેદવારી ફોર્મ ભર્યા હતાં. ભાજપે રાજ્યસભાની ગુજરાતની ખાલી 4 બેઠકો પર 3 જ્યારે કોંગ્રેસે 2 ઉમેદવાર ઉભા રાખ્યાં છે. ભાજપે અભય ભારદ્વાજ અને રમીલાબેન બારાની જાહેરાત કરી હતી. તે બાદ કોંગ્રેસે શક્તિસિંહ ગોહિલ અને ભરતસિંહ સોલંકીને રાજ્યસભાની ઉમેદવાર બનાવ્યા હતાં. ભાજપે અંતિમ ઘડીએ ત્રીજા ઉમેદવાર તરીકે નરહરી અમીનની જાહેરાત કરીને કોંગ્રેસને મોટો આંચકો આપ્યો હતો. ભાજપનાં ઉમેદવારનાં ફોર્મ ભરતા સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ અને ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી પણ હાજર રહ્યાં હતાં.

શું મોદી સરકારે ગુજરાત સાથે અન્યાય કર્યો? કેન્દ્ર સરકાર રાજ્યનાં 7000 કરોડ ચાઉં કરી ગઈ!