સૌરાષ્ટ્રની 48 પૈકી ગત ચૂંટણીમાં માત્ર 19 બેઠકો મળતાં ભાજપની કુલ બેઠક બે આંકડામાં આવી ગઈ હતી. આ વખતે એવી પરિસ્થિતિ નિવારવા ભાજપે તમામ તાકાત કામે લગાડી છે. કોંગ્રેસના પક્ષે રાહુલ, પ્રિયંકા બિલકુલ ચિત્રમાં નથી પરંતુ કોંગ્રેસ રોડ શો જેવાં મોટા તામઝામને બદલે ગામડાંઓની પોતાની વોટબેન્ક મજબૂત કરવા ડોર ટૂ ડોર પ્રચાર પર વિશેષ ભાર મૂકે છે. આમઆદમી પાર્ટીનું ત્રીજું પરિબળ આ વખતે દરેક બેઠક નોંખા સમીકરણો બનાવે છે. કેટલીક બેઠક પર એ ભાજપને નડે છે તો કેટલીક બેઠકો પર આપના ઉમેદવાર કોંગ્રેસના મત કાપી રહ્યા હોવાનું ચિત્ર ઉપસે છે. હવે પ્રથમ તબક્કાના મતદાન આડે ગણતરીના દિવસો બાકી છે ત્યારે સૌરાષ્ટ્રના રાજકોટ, જામનગર, મોરબી, દેવભૂમિ દ્વારકા એ ચાર જિલ્લાનો વર્તારો જોતાં અહીં ભાજપના પ્રયાસો સફળ થતાં જણાય છે.
રાજકોટ જિલ્લોઃ 8 બેઠક
2017માં: ભાજપ – 06, કોંગ્રેસ – 02
ગત ચૂંટણીમાં પાટીદાર આંદોલનની ગંભીર અસર છતાં પાટીદાર સમુદાયની બહોળી સંખ્યા ધરાવતા રાજકોટે ભાજપનું મક્કમ સમર્થન કર્યું હતું. બાદમાં કોંગ્રેસમાંથી કુંવરજી બાવળિયાને ખેડવીને એક બેઠક વધારી દીધી હતી. આ વખતે પણ રાજકોટમાં ભાજપનો દબદબો યથાવત રહે તેવા સંકેતો જણાય છે.
રાજકોટ પૂર્વઃ પૂર્વ મેયર અને આહિર અગ્રણી ઉદય કાનગડ આ બેઠક પરથી ભાજપના ઉમેદવાર છે. ગત ચૂંટણીમાં તત્કાલીન મુખ્યમંત્રી વિજય રૂપાણી અહીં ઉમેદવારી કરી રહ્યા હોવાથી જે દમામ જોવા મળ્યો હતો એ કાનગડના પ્રચારમાં અલબત્ત નથી. આમઆદમી પાર્ટીમાં ઘડીક પગ છૂટો કરીને ફરી કોંગ્રેસમાં આવી ગયેલા આખાબોલા ઈન્દ્રનીલ રાજ્યગુરુ અહીં મજબૂત પડકાર આપી રહ્યા છે પરંતુ એથી ભાજપ માટે બેઠક ગુમાવવાનો ખાસ ભય જણાતો નથી.
રાજકોટ પશ્ચિમઃ આ બેઠક પર ભાજપના ડો. દર્શિતા શાહને જીતાડવા મતદારોમાં ખાસ અપીલ કરવાની જરૂર પડતી જણાતી નથી. સંઘ પરિવારનું બેકગ્રાઉન્ડ અને તબીબ મહિલા આ બે મુદ્દા જ તેમને સારી એવી સરસાઈથી જીતાડે એવી પૂરી શક્યતા છે.
રાજકોટ દક્ષિણઃ ખોડલધામના ટ્રસ્ટી પદેથી રાજીનામુ આપીને ભાજપના ઉમેદવાર બનેલા ઉદ્યોગપતિ રમેશ ટિલાળા આ બેઠક માટે ખાસ ચિંતિત નહિ હોય એ સમજી શકાય તેમ છે.
રાજકોટ ગ્રામ્ય: અનુસુચિત જાતિ માટેની આ અનામત બેઠક પર ભાજપના અનુભવી ભાનુબહેન બાબરિયા માટે મતદાન સુધીનો રસ્તો ખાસ મુશ્કેલ નહિ હોય. પ્રચાર અભિયાન દરમિયાન તેઓ પોતાની તરફેણમાં વાતાવરણ બનાવી શક્યા હોવાની છાપ ઉપસે છે.
જસદણઃ અહીં ગુરુ-ચેલા વચ્ચે જંગ છે. ભાજપમાં જોડાઈને કેબિનેટ મંત્રી બની ગયેલા કુંવરજીભાઈનું મંત્રીપદ ગયું હતું પરંતુ ફરીથી ચૂંટણી જીતીને તેઓ દાવેદારી કરવા તત્પર છે. અહીં તેમની સામે કોંગ્રેસના ભોળાભાઈ ગોહિલ છે જે એક સમયે કુંવરજીના વિશ્વાસુ અને અંગત સાથીદાર ગણાતા હતા. ભોળાભાઈ ગુરુના ગઢમાં ગાબડું પાડવા ખાસ્સી મહેનત કરી રહ્યા છે એટલે કુંવરજી જીતે તો પણ સરસાઈમાં ઘટાડો થાય એવી પૂરી શક્યતા છે.
જેતપુરઃ દિગ્ગજ નેતા જયેશ રાદડિયા માટે આ ચૂંટણી પ્રતિષ્ઠાનો પ્રશ્ન ગણાતી હતી પરંતુ મોદીની સભા પછી તેમની ટીકિટ નિશ્ચિત હોવાની છાપ ઉપસી ત્યારથી રાદડિયાના ચહેરા પર તણાવની રેખા સતત ઘટી રહી છે. પ્રચાર અભિયાનમાં રાદડિયાએ ભારે ચુસ્તી દાખવીને એકેએક ગામનો સંપર્ક કરી લીધો છે. હવે તેઓ લીડ પર ફોકસ કરતાં હોય તો નવાઈ નહિ.
ગોંડલ: ભારે ચર્ચાસ્પદ બનેલી આ બેઠક પર તીવ્ર ખેંચતાણ પછી જયરાજસિંહના પત્ની ગીતાબા જાડેજાને ભાજપે ઉમેદવાર બનાવ્યા છે. અહીં જ્ઞાતિ સમીકરણો પાટીદાર તરફી હોવા છતાં કોંગ્રેસના યતિશ દેસાઈ, આપના નિમિષા ખુંટ ખાસ પડકાર ઊભો કરી શક્યા હોવાનું પ્રચાર અભિયાન દરમિયાન લાગતું નથી. ભુણાવા ગામે જયરાજસિંહે આપેલાં ઉગ્ર ભાષણ બાદ હવે અનિરુદ્ધસિંહ જાડેજાએ પણ ખુલ્લેઆમ કોંગ્રેસના ઉમેદવારનું સમર્થન કરી દીધું છે. પરિણામે અહીં ભારેલો અગ્નિ આગ પકડવાની ભીતિ નકારી શકાય નહિ.
ધોરાજીઃ ગત ચૂંટણીમાં કોંગ્રેસના લલિત વસોયાએ આંચકી લીધેલી આ બેઠક ફરી પાછી મેળવવા ભાજપે તમામ તાકાત કામે લગાડી છે. પરંતુ ભાજપના મહેન્દ્ર પાડલિયા સામે વસોયા ચડિયાતા હોવાનું સ્થાનિક સ્તરે અનુભવાય છે. વસોયાનો વીજળીવેગી જનસંપર્ક અને તેમની સભાઓમાં સ્વયંભૂ ઉમટતી સંખ્યા જોતાં વસોયા અહીં પુનરાવર્તન કરે અને એક બેઠક પૂરતું કોંગ્રેસનું નાક સાચવી લે તેમ બની શકે. પાડલિયા સાથે ભાજપનું સંગઠન અને વરિષ્ઠ નેતાઓની ફોજ આ બેઠક પાછી મેળવવા મેદાને પડેલી છે.
મોરબી જિલ્લોઃ 3 બેઠક
2017માં: ભાજપ – 00, કોંગ્રેસ – 03
ગત ચૂંટણીમાં મોરબી પાટીદાર આંદોલનનું કેન્દ્ર હોવાથી અહીં ત્રણેય બેઠક પર ભાજપને જાકારો મળ્યો હતો. આ વખતે ઝૂલતો પૂલ તૂટી પડવાની દુર્ઘટના ચૂંટણીની જાહેરાતના થોડાં દિવસ અગાઉ જ થઈ હોવાથી ભાજપને આ ઘટના ભરપેટ નડશે એવી ધારણા હાલ મોળી પડી રહી જણાય છે. ચૂંટણી પ્રચારમાં જાણે આ મુદ્દો જ ગાયબ હોય એવું વાતાવરણ છે.
મોરબીઃ પૂલ તૂટ્યા પછી વીડિયો ઉતરી રહ્યો છે તેની ખાતરી કરતાં જઈને મચ્છુ નદીમાં કૂદી પડેલાં કાન્તિ અમૃતિયાને ભાજપે ઉમેદવારી આપી એ સાથે બચાવની ભૂમિકામાંથી ભાજપની જાણે બાદબાકી થઈ ગઈ છે. કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલાં બ્રિજેશ મેરજાની નારાજગી અમૃતિયાને ખાસ નડે એમ જણાતું નથી. કોંગ્રેસના જયંતી પટેલ કે આપના પંકજ રણસરિયાનો પ્રચાર શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં વધુ વર્તાય છે.
ટંકારાઃ પાટીદાર આંદોલનથી ચિત્રમાં આવેલાં લલિત કગથરા આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર તરીકે જીત્યા હતા. આ વખતે પણ તેઓ ભાજપના દુર્લભજી દેથરિયા સામે ગ્રામ્ય વિસ્તારોમાં સારું એવું વર્ચસ્વ જમાવી રહ્યા છે. આપના ઉમેદવાર સંજય ભટાસણા અહીં ખાસ હરીફાઈ ઊભી કરી શકતાં ન હોવાની છાપ ઉપસે છે. એકંદરે લલિત કગથરા મતદાનના દિવસ સુધી ટેમ્પો જાળવી શકે તો પુનરાવર્તનની આશા રાખી શકે છે.
વાંકાનેરઃ આ બેઠક પર કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય મહંમદ પિરઝાદા સામે કોળી સમાજના યુવા અગ્રણી વિક્રમ સોરાણી અને ભાજપના જીતુ સોમાણી મેદાનમાં છે. કોળી અને મુસ્લિમ બહુમતી ધરાવતા મતવિસ્તારમાં આપ અને ભાજપ પરસ્પર મત કાપે એ સંજોગોમાં પિરઝાદા માટે પુનરાવર્તન મુશ્કેલ નહિ હોય.
જામનગર જિલ્લોઃ કુલ બેઠક 5
2017માં: ભાજપ –02, કોંગ્રેસ – 03
ગત ચૂંટણીમાં જામનગર જિલ્લામાં જામજોધપુર, કાલાવડ અને જામનગર ગ્રામ્ય બેઠક ભાજપે ગુમાવી હતી. આ વખતે ભાજપ માટે ખાસ એટલી મુશ્કેલી જણાતી નથી. અહીં જામજોધપુરને બાદ કરતાં જિલ્લામાં અન્યત્ર ક્યાંય આમઆદમી પાર્ટી ચિત્રમાં નથી. એથી ભાજપ અને કોંગ્રેસ વચ્ચેની સીધી હરીફાઈમાં ભાજપનું પલડું નમતું જણાય છે.
જામનગર ઉત્તરઃ કોંગ્રેસ છોડીને ભાજપમાં આવેલાં ધર્મેન્દ્રસિંહ જાડેજા ઉર્ફે હકુભાની આ બેઠક પર બાદબાકી થયા પછી ભાજપે ક્રિકેટર રવીન્દ્ર જાડેજાના પત્ની રીવાબાને ઉમેદવારી આપી એટલે હકુભાના અસંતોષની ચિંતા રહી નથી. સેલિબ્રિટ ક્રિકેટરના પત્ની, શિક્ષિત મહિલા અને ક્ષત્રિય એ દરેક પરિબળો રિવાબાનો કોંગ્રેસના બિપેન્દ્રસિંહ સામેનો મુકાબલો આસાન બનાવી શકે છે. અહીં ભાજપના કમિટેડ મતદારો પણ મોટી સંખ્યામાં છે. બીજા કોઈ ઉમેદવાર સામે બિપેન્દ્રસિંહ ચોક્કસ ભારે પડી શકે, પરંતુ અહીં તેમની પાસે પ્રહારો કરવાની તક મર્યાદિત હોવાથી બહુ જ સૌમ્ય રીતે ચાલતો પ્રચાર ભાજપને ફળી શકે છે.
જામનગર દક્ષિણઃ આ બેઠક લાંબા સમયથી ભાજપને સમર્પિત રહી છે. અહીં દિવ્યેશ અકબરીના નામ કે કામ કરતાં પણ વધુ કમળના પ્રતીકને મતદારો મત આપતાં હોય છે ત્યારે કોંગ્રેસ કે આમઆદમી પાર્ટીના ઉમેદવારે ભારે મહેનત કરવી પડે જે હવે ત્રણ દિવસમાં શક્ય લાગતું નથી.
જામનગર ગ્રામ્યઃ ભાજપના ઉમેદવાર તરીકે રાઘવજી પટેલ દરેક સમસ્યાનો તોડ કાઢવામાં ચતુર સાબિત થાય છે. તેમણે પોતાની વિરુદ્ધનો અસંતોષ અને અન્ય દાવેદારોની નારાજગી ખારીજ કરી દીધા છે. કોંગ્રેસના ઉમેદવાર ગત ચૂંટણીમાં જામનગર ઉત્તરમાં હારી ચૂક્યા છે. રાઘવજી માટે ખાસ મુશ્કેલી નહિ હોય.
જામજોધપુરઃ ગત ચૂંટણીના હરીફ કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય ચિરાગ કાલરિયા અને ભાજપના ચિમન શાપરિયા ફરીથી સામસામે છે. એકંદરે કાલરિયા માટે વાતાવરણ હકારાત્મક ગણાતું હતું પરંતુ આમઆદમી પાર્ટીના ઉમેદવાર હેમંત ખવા બહુ મક્કમ રીતે આગળ વધી રહ્યા છે. તેમના પિતા હરદાસ ખવાનું પણ મોટું નામ હતું. મોટાભાગે આહિર વોટબેન્ક કોંગ્રેસતરફી રહેતી હોય છે ત્યારે ખવા કોના મત તોડે છે એ કહેવું મુશ્કેલ છે. ભાજપ-કોંગ્રેસના બંને ઉમેદવારો જૂનાં અને પાટીદાર હોવાથી તરોતાજાં ચહેરા અને આહિર નેતા તરીકે ખવા મેદાન મારી જાય તો ય નવાઈ નહિ.
કાલાવડ: અનુસુચિત જાતિ માટેની અનામત બેઠક પર કોંગ્રેસના પ્રવિણ મુછડિયાનો જનસંપર્ક મજબૂત રહ્યો છે. અમિતભાઈની જનસભાઓ પછી પણ ભાજપના મેઘજી ચાવડાને આંતરિક અસંતોષ નડતો હોવાની છાપ છે. છેલ્લાં ત્રણ દિવસમાં ભાજપના ટોચના નેતાઓ અહીં ફરી વળવાના છે. એ જો ધારી અસર નિપજાવે તો જ મેઘજી ચાવડા આશાવાદી રહી શકે છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે ચાર જિલ્લાનો વર્તારોઃ વાઘાણી, ધાનાણી માટે કપરાં ચઢાણ, કુતિયાણાનો જંગ સૌથી રસપ્રદ
દેવભૂમિ દ્વારકા જિલ્લોઃ કુલ બેઠક 02
2017માં: ભાજપ – 01, કોંગ્રેસ – 01
પરંપરાગત રીતે અહીં ભાજપ, કોંગ્રેસ બંનેને આ મતવિસ્તાર રાજી રાખતો રહ્યો છે. પરંતુ આ વખતે અહીં બંને બેઠકો પર બિગ ફાઈટ છે. આપના મુખ્યમંત્રીપદના દાવેદાર ઈસુદાન અહીં મેદાનમાં હોવાથી સમગ્ર ગુજરાતની અહીં નજર છે અને રાષ્ટ્રીય પત્રકારો પણ ગ્રાઉન્ડ રિપોર્ટિંગ કરવા આવી ગયા છે.
ખંભાળિયાઃ આ વિસ્તાર પર પકડ ધરાવતા વિક્રમ માડમ વર્તમાન ધારાસભ્ય છે. તેમની સામે આમઆદમી પાર્ટીના મુખ્યમંત્રીપદના ચહેરા તરીકે જાહેર થયેલ ઈસુદાન ગઢવી અને કોંગ્રેસના મુળુ બેરા છે. ભાજપ, કોંગ્રેસના ઉમેદવારો આહિર સમુદાય પર પકડ ધરાવે છે. જ્યારે ઈસુદાન નવા ચહેરા તરીકે અહીં પ્રભાવશાળી મનાય છે. આહિર મતો વહેંચાઈ જાય ત્યારે ઈસુદાન સથવારા સમાજ પર આધારિત છે. મોટાભાગે ઈસુદાનની મહેનત વિક્રમભાઈને નડે એવી શક્યતા વર્તાય છે જે સીધી રીતે મુળુ બેરાનો ફાયદો બની શકે છે.
દ્વારકાઃ ભાજપના પબુભા વિરમભા માણેક આઠમી વખત ઉમેદવારી કરી રહ્યા છે. સાત વખત તેમની લીડ આશરે પાંચ હજાર આસપાસ રહી છે. આહિર સમાજના ભરોસે દ્વારકા આવેલા કથાકાર મોરારીબાપુ સાથે પબુભાએ અપમાનજનક વ્યવહાર કર્યો અને પછી માફી સુદ્ધાં માંગવાનો ઈનકારો કર્યો એથી ગિન્નાયેલો આહિર સમુદાય આ વખતે પબુભાને હરાવવા અભૂતપૂર્વ રીતે એકજૂટ જણાય છે. આપના લખમણ નકુમ સથવારા સમુદાયના મત મેળવી જાય તો પબુભા માટે આઠમી વખત જીતીને રેકોર્ડ સર્જવાનું સપનું સાકાર થવું મુશ્કેલ બની જશે