ગુજરાત વિધાનસભાની ચૂંટણીના પ્રથમ ચરણના મતદાન આડે હવે ગણતરીના કલાકો બાકી છે ત્યારે દરેક બેઠકના દરેક ઉમેદવાર પૂરા તાકાત કામે લગાડી રહ્યાં છે. આ વખતે પહેલી વાર ગુજરાતમાં ત્રિપાંખિયો જંગ બહુ જ પેચીદી પરિસ્થિતિ સર્જી રહ્યો છે અને હજુ ય છેલ્લી ઘડીના કાવાદાવા અને તડજોડ નિર્ણાયક બને તેવી શક્યતા વચ્ચે સૌરાષ્ટ્રની 48 અને કચ્છની 6 એમ કુલ 54 બેઠકો પ્રત્યેક ચૂંટણીમાં ગાંધીનગર સુધીનો રસ્તો ચોખ્ખો કરતી કે અડચણ ઊભી કરતી ગણાય છે.
Advertisement
Advertisement
મહદ્ અંશે ભાજપનો ગઢ ગણાતા સૌરાષ્ટ્ર, કચ્છમાં ગત ચૂંટણીમાં કોંગ્રેસે મોટી ફાચર મારી હતી અને ૩૦ બેઠકો આંચકી લીધી હતી. અમરેલી, ગીર સોમનાથ અને જૂનાગઢ જિલ્લામાં તો કોંગ્રેસે લગભગ ક્લિન સ્વિપ ફટકારી હતી. પરંતુ પાંચ વર્ષમાં ઘણાં વ્હાણા વાઈ ગયા છે. ત્યારે પાટીદાર આંદોલન અને ખેડૂતોની નારાજગીના મુદ્દા અસરકારક હતા, જે આ વખતે નથી. તેની સામે આ વખતે આમઆદમી પાર્ટીની હવાનું ત્રીજુ પરિબળ મેદાનમાં છે, જે દરેક બેઠક પર અલગ અલગ સમીકરણો રચતું હોવાનું ચિત્ર ઉપસે છે.
અમરેલી જિલ્લોઃ કુલ બેઠક 5
2017માં: ભાજપ 00, કોંગ્રેસ 05
પાટીદારોની બહોળી સંખ્યા ધરાવતા આ જિલ્લામાં ભાજપને સદંતર જાકારો મળ્યો હતો. આ વખતે ભાજપે અહીં વિશેષ ધ્યાન આપ્યું છે.
અમરેલીઃ આ બેઠક પરેશ ધાનાણીનો ગઢ ગણાય છે. અગાઉ દિલીપ સંઘાણી, પરશોતમ રૂપાલા અને બાવકુ ઉંધાડ જેવા મોટા ગજાના નેતાઓને તેઓ હરાવી ચૂક્યા છે પરંતુ આ વખતે તેમના માટે સ્થિતિ સ્હેજે ય આસાન નથી. અહીં ભાજપના જીલ્લા પ્રમુખ અને યુવા ઉમેદવાર કૌશિક વેકરિયાની સ્વચ્છ છબી સામે ધાનાણીને એકધારી ત્રણ ટર્મનો થાકોડો અનુભવાતો હોવાનું જણાય છે. આ બેઠક પર નવાજૂની થાય તો નવાઈ નહિ.
લાઠીઃ કોંગ્રેસના અનુભવી નેતા વીરજી ઠુમ્મર સામે ભાજપે જનક તળાવિયાને મૂક્યા છે. આ બેઠક પણ રસાકસીભરી બની રહે તેવી પૂરી સંભાવના છે. જોકે વીરજીભાઈનો સતત જનસંપર્ક તેમનું જમાપાસું છે જ્યારે જનક તળાવિયા સામે ભાજપમાં જ અંદરખાને ખાસ્સો વિરોધ છે જે મતદાનના દિવસે તેમને નડે એવી ચર્ચા છે. એકંદરે કોંગ્રેસ આ બેઠક જાળવી રાખવાનો આશાવાદ સેવી શકે છે.
સાવરકુંડલાઃ ભાજપના ઉમેદવાર મહેશ કસવાલા અહીં આયાતી ઉમેદવારની છાપ ધરાવે છે. આથી તેમને જૂથબંધી ભરચક નડી રહી છે. તેમના પ્રચારમાં પણ અમદાવાદ, સુરતથી આવેલાં કાર્યકરો સવિશેષ જોવા મળે છે. સૌમ્ય છબી ધરાવતા કસવાલા સામે વર્તમાન ધારાસભ્ય પ્રતાપ દુધાતનો પ્રચાર આક્રમક છે. આ બેઠક સાંકડા માર્જિનથી કોંગ્રેસ જીતી શકે એવી સ્થાનિક સ્તરે હવા છે. છેલ્લાં દિવસોમાં ગામડાંઓમાં થતી તડજોડ નિર્ણાયક બનશે.
રાજુલાઃ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ અંબરિષ ડેર અને જૂના જોગી હીરાલાલ સોલંકી વચ્ચે અહીં ભારે રસાકસી છે. રોજેરોજ અહીં ગેઈમ ચેન્જ થતી રહે છે. ભાજપના બળવાખોર કરણ બારૈયા હીરાલાલના મત કાપશે તો કોંગ્રેસના બળવાખોર બાબુ રામ આહિરોના મત તોડીને ડેરને નુકસાન કરાવશે એવી વ્યાપક ચર્ચાઓ વચ્ચે આમઆદમી પાર્ટીના ભરત બળદાણિયા નિર્ણાયક બને એવું જણાય છે. દલિત અને મુસ્લિમ મતદારોનું એકતરફી મતદાન થાય તેનાં પર અંબરિષ ડેરની મહેનત નિર્ભર છે.
ધારીઃ અહીં બહુ રસપ્રદ જંગ છે. જિલ્લાના ઈતિહાસમાં પહેલી વાર કોઈ બ્રાહ્મણ ઉમેદવાર અહીં ચૂંટણી લડે છે. કોંગ્રેસે અહીં ડો. કીર્તિ બોરીસાગરને ઉતારીને નવા સમીકરણો બનાવવાનો પ્રયાસ કર્યો છે જે અત્યારે સારી એવી હવા જમાવી રહ્યો છે. જે.વી.કાકડિયા કોંગ્રેસથી ભાજપમાં આવેલાં હોવાથી તેમને સ્થાનિક સંગઠનની નારાજગી નડે છે. સામે આપના ઉમેદવાર કાંતિ સતાસિયાનું ગોત્ર ભાજપનું છે. કાકડિયાને પ્રચારમાં પણ વિરોધનો સામનો કરવો પડે છે. અહીં કોંગ્રેસનું નવું સમીકરણ ચાલી જતું અટકાવવા કાકડિયાએ છેલ્લી ઘડી સુધી દાવપેચ ખેલવા પડશે.
આ પણ વાંચો: #ઝીણી નજરે: કોળી સમાજ ગુજરાતની સૌથી મોટી વોટબેન્ક, છતાં મુખ્યમંત્રીપદ કેમ નથી મળતું?
ભાવનગર જિલ્લોઃ કુલ બેઠક 6
2017માં: ભાજપ 05, કોંગ્રેસ 02
હરહંમેશ ભાજપના સમર્થક રહેલાં આ જિલ્લામાં ભાજપ માટે આ વખતે બહુ જ કપરી સ્થિતિ છે. એટલે જ વડાપ્રધાન મોદી અહીં એક મહિનામાં ચાર વખત આવી ગયા છે. આ જિલ્લો બહુ મોટી નવાજૂની કરે તેવી પૂરી શક્યતા છે.
ભાવનગર પૂર્વઃ આ બેઠક શહેર પ્રમુખ અને વિભાવરી દવેની સાંઠગાંઠથી શહેર પ્રમુખના પત્નીને ટીકિટ મળી એથી સ્થાનિક સંગઠન નારાજ છે. પરંતુ અહીં ભાજપના કમિટેડ મતદારોનું પ્રમાણ બહુ ઊંચું છે એટલે ભાજપ આશ્વસ્ત રહી શકે છે. કોંગ્રેસના કોળી ઉમેદવાર પોતાના સમુદાય સિવાયના મત લઈ શકે એવી શક્યતા પાંખી છે. આપના ઉમેદવાર નોંધપાત્ર મત મેળવી શકે છે. એટલે એકંદરે સરસાઈ ઘટાડીને પણ ભાજપ આ બેઠક જાળવી રાખે એમ માની શકાય.
ભાવનગર પશ્ચિમઃ કેબિનેટ મંત્રી જીતુ વાઘાણીની ઊંઘ હરામ થઈ જાય એવી સ્થિતિ અહીં જોવા મળે છે. જિલ્લામાં એકપણ બેઠક પર ક્ષત્રિયોને ભાજપે ઉમેદવારી ન આપી તેનો રોષ આ બેઠક પર જોવા મળે છે. ક્ષત્રિય અગ્રણી કે.કે.ગોહિલને ટીકિટ આપીને કોંગ્રેસે મજબૂત ચાલ ખેલી છે. કોળી સમાજના મોટા ગજાના નેતા રાજુ સોલંકી આપના ઉમેદવાર છે. આ બેઠકની સૌથી મોટી બે વોટબેન્ક કોળી અને ક્ષત્રિયમાં હિસ્સો ન મળે તો વાઘાણી માટે જીતવાનું બહુ જ મુશ્કેલ થઈ જાય. હાલ તેઓ પરશોતમ સોલંકી અને ભાજપના ક્ષત્રિય નેતાઓના શરણે છે. સુરતથી પાટીદાર અગ્રણીઓના ધાડાં ઉતારી દીધા છે. વાઘાણી જીતે તો પણ ફરીથી કેબિનેટ પદનો દાવો કરવા જેટલી સરસાઈ કદાચ નહિ હોય.
મહુવાઃ અહીં ભાજપના સીધાસાદા ઉમેદવાર શિવાભાઈ ગોહિલને આંતરિક વિરોધ ભરચક નડી રહ્યો હોવાનું જણાય છે. તેની સામે કોંગ્રેસના ડો. કનુ કળસરિયાને જીતાડવા પંચોળી આહિર સમાજ એકજૂટ છે. કોળી વોટબેન્ક મોટી છે પરંતુ અપક્ષ ઉમેદવારો અને આપના ઉમેદવાર શિવાભાઈના મત તોડે એવી પૂરી શક્યતા વચ્ચે કોંગ્રેસને બગાસું ખાતાં પતાસું મળી જવાની શક્યતા છે.
તળાજાઃ વર્તમાન ધારાસભ્ય કોંગ્રેસના કનુ બારૈયા સામે અહીં ભાજપના ગૌતમ ચૌહાણ છે. આપના ઉમેદવાર લાભુબેન ચૌહાણ છે. ક્ષત્રિય મતો નિર્ણાયક ગણાય છે. સમગ્ર જિલ્લામાં ક્ષત્રિયોની નારાજગી અને કોંગ્રેસ તરફે મતદાન કરવાની હોંશ આ બેઠક પર ક્ષત્રિય વોટબેન્ક સુધી પહોંચે તો કનુભાઈ માટે રાહ આસાન થઈ શકે છે. જોકે તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતમાં ક્ષત્રિયોને સારું એવું પ્રતિનિધિત્વ અપાવવાની શરત કબૂલીને ગૌતમભાઈએ ક્ષત્રિયોના દિલ અને મત જીતવા પ્રયાસો કર્યા છે.
ગારિયાધારઃ સળંગ છ ટર્મથી જીતતા કેશુભાઈ નાકરાણીને ગત ચૂંટણીમાં જ એન્ટી ઈનકમબન્સી નડી હતી અને તેમનું માર્જિન ૧૦૬૬ મતનું થઈ ગયું હતું. છતાં જોખમ ઊઠાવવાને બદલે ભાજપે તેમને જ મેદાનમાં ઉતાર્યા છે. અહીં કોંગ્રેસે દિવ્યેશ ચાવડાને પસંદ કરીને કોળી મતદારો પર મદાર રાખ્યો છે. જોકે અહીં ખરાં ગેમ ચેન્જર આમઆદમી પાર્ટીના સુધીર વાઘાણી છે. પહેલી જ યાદીમાં નામ જાહેર થયું હોવાથી સુધીર વાઘાણી અહીં દરેક ગામમાં બબ્બે વખત જઈ આવ્યા છે. આપના ઉમેદવાર અહીં ભાજપને નડે એવી પૂરી શક્યતા છે. ગેમ ચેન્જ કરતાં કરતાં તેઓ પોતે જીતી જાય તો પણ આશ્ચર્ય ન થવું જોઈએ.
પાલિતાણાઃ આ બેઠક ક્ષત્રિયને ફાળવવાની સમાજની લાગણી ભાજપે ધ્યાને ધરવાને બદલે ભાજપે ભીખાભાઈ બારૈયાને પસંદ કર્યા છે. સામે કોંગ્રેસના જૂના જોગી પ્રવિણ ચૌહાણ છે. આપના ઉમેદવાર કોંગ્રેસના મત તોડવામાં નિષ્ફળ જાય તો કોંગ્રેસ આ બેઠક માટે આશાવાદ રાખી શકે છે.
બોટાદ જિલ્લોઃ 2 બેઠક
2017માઃ ભાજપ 01, કોંગ્રેસ 01
આ જિલ્લાની બંને બેઠકો ભાજપે પક્ષપલટો કરાવીને ખાતે લખાવી દીધી છે પરંતુ બોટાદની બેઠક પર દાવેદારોનો રાફડો હતો જે હવે નડી શકે છે. દિગ્ગજ નેતા સૌરભ પટેલને કાપીને ભાજપે અહીં ઘનશ્યામ વિરાણીને પસંદ કર્યા છે. સામે કોંગ્રેસે આરંભિક અવઢવ પછી આ વિસ્તારમાં સતત કામગીરી કરનારા મનહર પટેલને પસંદ કર્યા છે. કોંગ્રેસનો પ્રચાર ગ્રામ્ય વિસ્તારમાં ખાસ્સો અસરકારક જણાય છે. આ બેઠક જાળવવા ભાજપ પાસે હવે ત્રણ જ દિવસ બચ્યા છે.
ગઢડાઃ અનુસુચિત જાતિ માટેની આ અનામત બેઠક પર ભાજપે જૂના ખેલાડી શંભુપ્રસાદ ટુંડિયાને ઉતાર્યા છે. ચૂંટણીકારણનો બહોળો અનુભવ ધરાવતા શંભુપ્રસાદ તમામ અસંતોષ અને જૂથબંધીને ખારિજ કરવા સક્ષમ છે. સામે જગદીશ ચાવડાએ પ્રચાર અભિયાનમાં આખું નામ જગદીશ મોતીભાઈ ચાવડા લખવું પડે એ જ દર્શાવે છે કે તેઓ તેમના પિતા અને પૂર્વ સાંસદ મોતીભાઈની વિરાસત પર નિર્ભર છે. મોટાભાગે ભાજપ આ બેઠક માટે આશ્વસ્ત રહી શકે છે.
આ પણ વાંચો: #ઝીણી નજરે પોલિટિકલ ડ્રેસકોડઃ નેતાઓની નવી પેઢી ઝભ્ભાની મોનોપોલી ફગાવી રહી છે
પોરબંદર જિલ્લોઃ 2 બેઠક
2017માઃ ભાજપ 01, એનસીપી 01
આ જિલ્લો ભાજપ માટે કાયમ રહસ્યમય રહ્યો છે. અહીં લોકસભામાં સીમાંકન અલગ હોવાથી બદલાતાં જ્ઞાતિ સમીકરણોનો જે ફાયદો થાય છે એ વિધાનસભામાં નથી થતો. આ વખતે પણ ભાજપે અહીં સારી એવી મહેનત કરવી પડે છે.
પોરબંદરઃ અહીં બે કાયમી હરીફો મેદાનમાં છે. ભાજપના બાબુ બોખિરિયા સામે કોંગ્રેસના અર્જુન મોઢવાડિયા એ બંને પોતપોતાની કારકિર્દીના આખરી તબક્કામાં છે. આ વખતે મોઢવાડિયા પ્રત્યે મતદારો પ્રચારમાં દર્શાવે છે એવી જ સહાનુભૂતિ મતદાનમાં પણ દાખવે તો મોઢવાડિયાને તક મળી શકે છે. સામા પક્ષે બાબુભાઈ દર ચૂંટણીમાં છેલ્લી ઘડીએ કરાતી તડજોડ પર આશાવાદી છે.
કુતિયાણાઃ એનસીપીએ આ બેઠક પર દબંગ નેતા કાંધલ જાડેજાને ટીકિટ ન આપીને આ બેઠક કોંગ્રેસને ધરી દીધી છે. અહીં કોંગ્રેસના નાથા ઓડેદરા, ભાજપના ઢેલીબહેન અને અપક્ષ કાંધલ જાડેજા એમ ત્રણેય ઉમેદવારો એકસરખી ક્ષમતા અને આ બેઠક પર ચૂંટણી જીતવા માટે જરૂરી આવડતો ધરાવે છે. અહીંનો જંગ બહુ જ રસાકસીભર્યો ગણાય છે. ભાજપ મહિલા ઉમેદવારના ચહેરાના આધારે જંગ જીતવા આશાવાદી છે પરંતુ કાંધલ જાડેજા માટે આ વર્ચસ્વની લડાઈ છે. અહીં છેલ્લી ઘડી સુધી કંઈપણ કહેવું મુશ્કેલ ગણાશે
Advertisement