Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: આશા-નિરાશા… વિશ્વાસ-અવિશ્વાસના રણમાં ભૂલા પડ્યા હોવ ત્યારે….

#Column: આશા-નિરાશા… વિશ્વાસ-અવિશ્વાસના રણમાં ભૂલા પડ્યા હોવ ત્યારે….

0
167

ડૉ. જય નારાયણ વ્યાસ: વાત કરવી છે આશા-નિરાશા અને વિશ્વાસ-અવિશ્વાસ વચ્ચે ફંગોળાતા એક માણસની.
અફાટ રણ પ્રદેશ ચીરીને એ સામેના દેશમાં જવા નીકળ્યો હતો.
આમ તો આ રણની ધરતી ઉપર પગલાં માંડીને એ અને એનું ઊંટ અનેક વખત પસાર થયાં હતાં.
રણની મુસાફરી એના માટે કોઈ નવાઈ નહોતી.
પણ કહેવત છે કે ભણ્યો ભૂલે અને…
તારો (ખૂબ પાકો તરવૈયો) ડૂબે.
વહેલી પરોઢના સમયે એણે રણ વીંધવા ઊંટ હંકાર્યું હતું.
પાણીની એક નાની-સી મશક અને થોડો સામાન લઈને આ માણસે ઊંટના કાઠડે સવારી કરી હતી.
સુરજ હજુ ઉગ્યો નહોતો.
રણની રાત અને પરોઢમાં એક માદક ઠંડક હોય છે.
એ ઠંડક અને ધીમે ધીમે વાતી પવનની લહેરખી
માણસને જાણે કે માના ખોળામાં સૂતો હોય એવો અનુભવ કરાવે છે.
એનો બધો ઉજાગરો, બધો થાક ખેંચાઈને આંખના પોપચે ચડી બેસે છે.
પોપચાં ઢળી જાય અને મીઠી નીંદર માણસનો કબજો લઈ લે છે.
આમેય ગઈરાતે વાતુંચીતુંમાં સુવાયું મોડું.
રણમાં રેતી ધખધખવા માંડે અને સૂરજ અંગારા વરસાવે તે પહેલા પંથ કાપી લેવો હતો.
વહેલા નીકળ્યા સિવાય છૂટકો ન હતો
એટલે બરાબર સમય સાધીને આ માણસ ઊંટે ચડ્યો હતો.
જાતવાન ઊંટ રણનું હેવાયું હતું.
માલિકે લગામ ખેંચીને ઈશારો કર્યો એટલે એણે વાટ પકડી.
થોડી વાર થઈ હશે અને આ ભાઈ ઝોકે ચડી ગયો.
ઊંટ તો ચાલ્યા કરતું હતું.
કેટલો સમય વીત્યો એનો ખ્યાલ ન રહ્યો.
આ મુસાફર સફાળો જાગ્યો.
માથે સુરજદાદા તપી રહ્યા હતા.
પેલી ઠંડી હવાને બદલે હવે હવામાં પણ ગરમી વરતાતી હતી.
સફાળા જાગીને એણે જોયું અને જોતાં જ ફાળ પડી
ઊંટ કો’ક અજાણ્યા મારગે ચઢી ગયું હતું.
ચારેય બાજુ અફાટ રણ દેખાતું હતું, કોઈ જાણીતી નિશાની દૂર દૂર સુધી દેખાતી નહોતી.
માર્યા ઠાર! આ રણમાં ભૂલા પડીને કેટલાય મોતને ભેટ્યા એવી વાતો એણે ઘરડાંઓ પાસે સાંભળી હતી.
આવી કોઇ શક્યતાના વિચારે એના શરીરમાંથી એક લખલખું પસાર થઈ ગયું.
એણે ખૂબ પ્રયત્ન કર્યો પણ મૂળ વાટ પકડી શકાઇ નહીં.
ખાસ્સો સમય વીતી ગયો.
સુરજ હવે માથે આવી ગયો હતો.
રણની રેતી ઉડાડતી ગરમ લ્હાય હવા મોંને દઝાડતી હતી.
મુસાફર આ અફાટ રણમાં મારગ ભૂલ્યો હતો.
એણે આમતેમ મારગ ફંફોસવાનું કામ ચાલુ રાખ્યું.
એમ કરતાં દૂર એક ઝૂંપડી દેખાઈ.
આ ખાંખાખોળા કરવામાં એની પાસેનું પાણી પણ લગભગ ખલાસ થવા આવ્યું હતું.
બીક લાગે એટલે કદાચ ગળામાં શોષ વધારે પડે એમ બને ખરું?
રસ્તો ભૂલ્યો એ એક મુશ્કેલી તો હતી, એમાં પાણી ખૂટી રહ્યું હતું એણે ઉમેરો કર્યો.
એટલે પેલી ઝૂંપડી જોઈ એને થોડો હાશકારો થયો.
લાગ્યું નક્કી અહીંયાં કોઈ રહેતું હશે.
એણે ઊંટને ઝૂંપડી ભણી લીધું.
બરાબર એ ઝૂંપડીના બારણા પાસે ઊંટને ઝોકાર્યું.
ઠેકડો મારીને એ નીચે ઊતર્યો.
લગભગ દોડતો એ પેલી ઝૂંપડીમાં ઘૂસ્યો.
એના આશ્ચર્ય વચ્ચે ઝૂંપડીમાં કોઇ નહોતું.
ગળામાં શોષ પડતો હતો, પાણીની એને તાત્કાલિક જરૂર હતી.
યોગાનુયોગ આ ઝૂંપડીમાં એક હેન્ડપંપ હતો.
એણે પાણી મેળવવાના હેતુથી એ હેન્ડપંપનું હેન્ડલ હલાવ્યું.
પાણી નીકળ્યું નહીં.

આ પણ વાંચો: #Column: ગુણગ્રાહી બનો… સારપ શોધો

એ હવે બહુ લાંબો સમય પાણી વગર રહી શકે નહીં એ સ્થિતિ તરફ જઈ રહ્યો હતો.
હેન્ડપંપમાંથી પાણી ના નીકળ્યું પણ…
છત સામે જોયું તો વળી એક નવું આશ્ચર્ય!!
છતમાંથી એક બાટલી લટકતી હતી અને તે પણ પાણીથી ભરેલી!
એના આનંદનો પાર ન રહ્યો.
કૂદકો મારીને એણે એ બાટલી ઉતારી લીધી.
પણ એ બાટલી પર ચીટકાડેલા કાગળ પર લખ્યું હતું –
‘આ પાણી પીવા માટે નથી, હેન્ડ પંપ ચાલુ કરવા માટે છે.’
પેલા માણસના મનમાં વિચાર આવ્યો કે હેન્ડ પંપ ચાલુ કરવાના લોભમાં
હું આ પાણી અંદર રેડું અને પછી એ પંપ ચાલુ નહીં થાય તો?
મનમાં વિચારોનો વંટોળ ઉઠ્યો.
શું કરવું તે સમજણ પડતી નહોતી.
છેવટે એણે પેલી બાટલી પર લખેલ સૂચનાનો અમલ કર્યો.
હેન્ડપંપમાં પાણી રેડ્યું અને એને ચલાવવા માટે હેન્ડલથી ઝટકા મારવાના શરૂ કર્યા.
થોડી જ વારમાં હેન્ડ પંપમાંથી સરસ મજાનું ઠંડું પાણી નીકળવા માંડ્યું.
પેલો માણસ રાજીના રેડ થઈ ગયો.
એણે હાથ-મોં ધોયાં, કોગળા કર્યા અને…
ધરાઈ ધરાઈને પાણી પીધું. પેલા મશક જેવા ભોટવામાં પણ ભરી લીધું.
ત્યાં એણે એ ઝૂંપડીના ખૂણામાં એક નાના લાકડાના સ્ટેન્ડ પર
બીજી એક બોટલ પડેલી જોઈ.
એ બોટલની નીચે રણ પસાર કરવા માટેનો નકશો દબાયેલો હતો.
ઝડપથી એણે પોતાના ગજવામાંથી ડાયરી કાઢી અને…
પેલા નકશાની કોપી કરી લીધી.
હવે એની પાસે પાણી પણ હતું અને રણમાંથી બહાર નીકળવાનો નકશો પણ.
માલિકનો ઉપકાર માનતો એ ઝૂંપડીમાંથી બહાર નીકળ્યો.
થોડે દૂર બેસાડેલા એના ઊંટની ડોકને એણે વહાલથી પંપાળી.
આનંદ એટલો બધો હતો કે એણે આ ઊંટના કપાળને ચૂમી લીધું.
જિંદગી અને મોત વચ્ચેની લડાઈમાં છેક હારને હાથ અડાડીને એ જીત્યો હતો.
ઊંટ પર સવારી કરવા જતો હતો ત્યાં જ એને કંઈક યાદ આવ્યું.
એ પાછો પેલી ઝૂંપડીમાં ગયો.
પાણીની જે બોટલ એણે ટીંગાડી હતી તેના લેબલ ઉપર
એક વધારાની સૂચના લખી નાખી –
‘વિશ્વાસ કરજો, આ પાણી હેન્ડ પમ્પમાં નાખશો તો…
સરસ મજાનું કોપરા જેવું મીઠું પાણી હેન્ડ પમ્પ હલાવવાથી નીકળશે.
વિશ્વાસ રાખજો. આ પાણી પી ના જતા, હેન્ડ પમ્પમાં નાખજો.’
આટલું લખી એ બહાર નીકળ્યો.
નકશામાં ચીંધેલા માર્ગે એણે રણ વટાવી પોતાના ગંતવ્ય સ્થાન તરફ જવા
ઊંટ હંકારી મૂક્યું.
દોસ્તો! આપણા બધાના જીવનમાં ક્યારેક ને ક્યારેક તો આવું બને જ છે.
આશા-નિરાશાના રણમાં ભૂલા પડ્યા હોવ ત્યારે ક્યાંક ને ક્યાંક કોક દૈવી મદદ
તમારી તરસ પણ છીપાવી દે છે અને ગૂંચવાડામાંથી બહાર નીકળવાનો મારગ પણ બતાવી દે છે.
સવાલ છે ક્યાંક ઉતાવળા થઈને પેલી બાટલીનું પાણી પી ના જતાં હેન્ડપંપમાં નાખવાનું સાહસ બતાવવાનું.
એટલે જ તમારો નિર્ધાર અને એને પાળવાની પ્રતિબદ્ધતાની સાથે પ્રમાણિકતા ભળે તો ભલભલા રણમાં મારગ શોધતો આવે છે.
એ આવજો ત્યારે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat