Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ઘસાતા વ્યાજદરની દેશની અર્થવ્યવસ્થા, વેપાર-ઉદ્યોગ અને સામાન્ય માણસ પર અસર

#Column: ઘસાતા વ્યાજદરની દેશની અર્થવ્યવસ્થા, વેપાર-ઉદ્યોગ અને સામાન્ય માણસ પર અસર

0
192

ડૉ. જય નારાયણ વ્યાસ: એક વરિષ્ઠ નાગરિકે છેક પ્રધાનમંત્રીશ્રીને રજૂઆત કરી. એમનું કહેવું હતું કે એમણે ઓગસ્ટ ૨૦૧૨ના રોજ પાંચ વરસ માટે એક રાષ્ટ્રિયકૃત બેન્કમાં ૪૦ લાખ રૂપિયા મુક્યા. જે સામે એમને દર મહિને ૩૫,૩૫૨ રૂપિયા વ્યાજ પેટે મળતા હતા જેને કારણે તેઓ આર્થિક રીતે ચિંતામુક્ત જીવન જીવતા હતા. આ સમય મર્યાદા પૂરી થઈ, ડિપોઝિટ પાકી ગઈ જેનું એમણે બેંકમાં ફરી રોકાણ કર્યું. જે સામે હવે દર મહિને ૧૪,૫૧૯ રૂપિયા એટલે કે ૪૦ ટકા ઓછી રકમ તરીકે માત્ર ૨૦,૮૩૩ રૂપિયા મળે છે.
આ વરિષ્ઠ નાગરિકનું કહેવું એ છે કે દવાઓ, આટો, દાળ, શાકભાજી, ફળ, દૂધ વગેરે તો મોંઘા થયા છે ત્યારે એમણે આમાંથી શેનો ત્યાગ કરવો જેથી એમના બજેટના બે છેડા મળી રહે.
વરિષ્ઠ નાગરિકો માટે જે સવલતો ઉપલબ્ધ હતી તેમાં કોઈ વધારો થયો નથી અને વ્યાજની આવક ઘટી છે. સાથોસાથ બેંકના NPA વધ્યા છે ત્યારે બેંકમાં રહેલી ડિપોઝિટો પણ કેટલી સલામત એ બાબત તેમણે પ્રશ્ન કર્યો છે.

૧લી એપ્રિલે વળી એક નવી જાહેરાત આવી જે મુજબ પીપીએફથી માંડીને બધી બચત ઉપર વ્યાજના દર ઘટાડી દેવામાં આવ્યા. સદ્નસીબે સવારના પહોરમાં કેન્દ્રીય નાણામંત્રીએ જાહેરાત કરી કે આ બધું ઓવર સાઇટના કારણે એટલે કે શરતચૂકથી થયું હતું. સરકાર એ જાહેરાત પાછી ખેંચે છે.
ઘણા બધાના શ્વાસ આ સાંભળીને હેઠા બેઠા હશે.
એ સ્વીકૃત બાબત છે કે બજારમાં નાણાંના પુરવઠાના નિયમન માટે વ્યાજના દર બદલાતા રહે છે.
જેમ વ્યાજનો દર વધે એમ બચત વધે એટલે કે બજારમાંથી નાણાં પુરવઠો ખેંચાઈ જાય.
લોકો ઓછો ખર્ચ કરે કારણ કે બચત વધારે આકર્ષક બને. ફુગાવા પર એની અસર થાય. ધિરાણ મોંઘું થાય.
જ્યારે ત્યારે વ્યાજનો દર ઘટે એટલે ધિરાણ સસ્તુ થાય, ખર્ચ વધે, નાણાં પ્રવાહ બજાર તરફ ફંટાય, અર્થતંત્રમાં નવુ નાણું ફરતું થાય. જોકે ફુગાવો વધે એની સામે ધિરાણ સસ્તુ થાય.
૯૦ના દાયકા સુધી દેશમાં વ્યાજનો દર ૧૧ થી ૧૩ ટકા હતો. ત્યારે દેશમાં ટુવ્હીલર અથવા ફોરવ્હીલર બહુ ઓછાને પોષાતું, કારણ વ્યાજના દર ઊંચા હતા. હોમલોનના દર પણ ઊંચા હતા. અને પરિણામે કાર, દ્વિચક્રી વાહન, ફ્રીજ, ટીવી, વોશિંગ મશીન અને હાઉસિંગ સેક્ટરની ડિમાન્ડ ઓછી હતી, જેની સીધી અસર દેશના ઔદ્યોગિક વિકાસ પડતી.
વ્યાજનો દર અને આર્થિક વિકાસ બે એકબીજા સાથે જોડાયેલી બાબત છે.
આજે કોઈ પણ વિકસિત દેશોની પરિસ્થિતિ જોઈએ તો ત્યાં વ્યાજનો દર શૂન્યથી માંડી એક કે દોઢ ટકા આસપાસ છે.
એ દેશમાં લોકો બચત તરફ વળતા નથી.
ઓછો વ્યાજદર એટલે સસ્તુ ધિરાણ અને એને કારણે બજારમાં નાણાંકીય પ્રવાહિતા વધારે.
લોકોને બચત પર ઓછું વળતર મળે ત્યારે એ રકમ બેંકની ફિક્સ ડિપોઝીટ કે બોન્ડમાં રોકાણ કરવાને બદલે શેરબજાર કે અન્યત્ર ફાળવશે, નહિતર ખર્ચ કરશે.
પરિણામે અર્થતંત્રમાં તરલતા વધે, વસ્તુઓની માંગમાં વધારો થાય અને અર્થતંત્ર પુનઃ ધબકતું થઈ જાય.
મૂડી બજારનો વ્યાપ વધે એટલે ઉદ્યોગ અને વેપારધંધા માટે વધુ મૂડી મળી રહે.
ઉત્પાદનનો સ્કેલ વધે એટલે સ્પર્ધાત્મક ભાવે દેશ અને વિદેશમાં માલ વેચાય, એક્સપોર્ટ વધે, વિદેશી મુદ્રાની સ્થિતિ સુધરે.
પણ ગ્રાહક ઉપભોક્તાવાદ વધે.
૧૯૯૦ના દાયકા બાદ વ્યાજનો દર સતત ઘટતો રહ્યો જે આ દેશમાં વેપાર ઉદ્યોગોના વિકાસ માટેનું એક મોટું કારણ છે.
વળી પાછા પેલા સિનિયર સિટિઝનના પ્રશ્ન પણ આવીએ.
છેલ્લા કેટલાક વારસોમાં, લગભગ દરેક બેંકે એફડીના વ્યાજ દરમાં ઘટાડો કર્યો છે. એફડી પરના વ્યાજના દરમાં કાપ મૂકવામાં સૌથી વધુ નુકસાન સીનીયર સિટીઝન્સને થયું છે. ખરેખર, આ વર્ગ એફડીની વ્યાજ આવક પર આધારિત છે.
એક સમય હતો જ્યારે FD મધ્યમ વર્ગ માટે બચતનું સૌથી સુરક્ષિત અને પ્રમાણમાં સારું વળતર આપતું સાધન હતી. જોકે, તેમાં વ્યાજના દર સતત ઘટી રહ્યા હોવાથી બચતનું પ્રમાણ ઘટીને ૧૫ વરસના તળીયે પહોંચ્યું છે. ૨૦૧૯માં ગ્રોસ સેવિંગ્સ ૩૦.૧ ટકા થયો હતો, જે ૨૦૧૨માં ૩૪.૬ ટકા અને ૨૦૧૮માં ૩૬ ટકા હતો. ઘરેલુ બચત જે ૨૦૧૨માં ૨૩ ટકા હતી તે ૨૦૧૯માં ૧૮ ટકા થઈ હતી.
રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૦ના રોજ એક સરવે બહાર પાડ્યો છે જે મુજબ ૧૯૯૦થી ૨૦૦૦ સુધી લોકો ફિઝિકલ એસેટ્સને બદલે ફાઇનાન્સિયલ એસેટ્સમાં રોકાણ કરતા હતા.
2000થી 2007ના ગાળામાં આ ટ્રેન્ડ બદલાયો.

આ પણ વાંચો: #Column: ચિંતાથી ચતુરાઈ ઘટે, માટે ‘મનુષ્ય યત્ન, ઈશ્વર કૃપા’ના સિદ્ધાંતને આત્મસાત કરો અને સુખી રહો

હવે ફાઇનાન્સિયલ એસેટ્સને બદલે ફીઝીકલ સેવિંગમાં રોકાણ વધ્યું.
ઘરગથ્થુ બચત જે ૨૦૧૬માં ૨૪ લાખ ૭૪ હજાર ૯૧૩ કરોડ હતી તે ૨૦૧૮-૧૯માં વધીને ૩૪ લાખ ૪૬ હજાર ૭૬૦ કરોડ થઇ.
કોરોના કાળના છ માસમાં બેંકોમાં ૫૫,૬૩૪ કરોડની ડિપોઝીટ વધી અને બેંક ડિપોઝિટ ૮.૧૫ લાખ કરોડે પહોંચી.
ધિરાણ વિરુદ્ધ થાપણનો રેશિયો ૩.૮૬ ટકા ઘટ્યો.
માર્ચથી સપ્ટેમ્બર સુધીના છ માસમાં આ ૩.૮૬ ટકાનો ઘટાડો થયો જે સૂચવે છે કે ડિપોઝિટની સામે લોનનું પ્રમાણ ઓછું રહ્યું છે.
શેરબજારમાં તેજી છતાં બેંક ડિપોઝિટમાં ૮૫ ટકાની વૃદ્ધિ થઈ.
માર્ચ ૨૦૨૦થી ફેબ્રુઆરી ૨૦૨૧ના ગાળામાં બેન્કની ડિપોઝિટ ૧૨.૧૩ લાખ કરોડે પહોંચી જે આગલા વરસે આ જ સમયગાળામાં ૬.૫૨ લાખ કરોડ હતી.
આ સામે આ જ ગાળામાં બેંક ક્રેડિટ વધીને ૩.૩૩ લાખ કરોડે પહોંચી જે આગલા વરસના સમાન ગાળામાં ૨.૭૧ લાખ કરોડ હતી.
આમ ધિરાણમાં પણ ૨૨થી ૨૩ ટકાનો વધારો જોવાયો.
બેંકો રિવર્સ રેપોરેટનો ઉપયોગ કરતી હોવા છતાં રૂપિયા ૪ લાખથી ૭ લાખની વધારાની પ્રવાહિતતા રહેવા પામી જે ગયા વરસે કેટલીક વાર તો ૮ લાખનો આંક વટાવી ગઈ. આમ બેન્કો અભૂતપૂર્વ લિક્વિડિટીની સમસ્યાથી પીડાવા લાગી.
આ એક નવો પ્રશ્ન બેંકિંગ ક્ષેત્ર માટે ઉભો થયો એમ કહી શકાય.
આમ એક બાજુ પેલી સિનિયર સિટીઝનની વ્યથા છે તો બીજી બાજુ બેંક ડિપોઝિટોથી છોલોછલ ઉભરાય છે.
અર્થતંત્ર હવે વિકાસની ગતિ પકડશે એવું વિશ્વ બેંક કહે છે.
વિશ્વ બેંકની ધારણા ચાલુ નાણાકીય વરસ ૨૦૨૧-૨૨માં જીડીપીનો વૃદ્ધિદર ૭.૫ થી ૧૨.૫ ટકા રહેશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat