Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: દૂધપાકના તપેલામાં લીંબુનું એક ટીપું દૂધ ફાડી નાખે છે

#Column: દૂધપાકના તપેલામાં લીંબુનું એક ટીપું દૂધ ફાડી નાખે છે

0
188

ડૉ. જય નારાયણ વ્યાસ: માણસનું મન ચંચળ છે.

એનામાં શંકા-કુશંકા અને એના ઉપરથી ઊભા થતા તર્ક-વિતર્ક ભારોભાર ભર્યા હોય છે.

આ મનને ક્યારેક નાની અમથી એક વાત પૂર્વગ્રહિત કરી દે છે. એકવાર શંકાનું બીજ વવાયું એટલે ત્યારબાદ બનતી નાની-મોટી ઘટનાઓમાં આ શંકાના બીજને ખાતર પૂરું પાડે તેવી વાતો મનમાં બહુ સરળતાથી પકડાઈ જાય છે.

ઘડીવારમાં જેની સાથે દૂધ પીવા જેવા સંબંધ હોય તે બગડીને કડવા ઝેર બની જાય છે.

શંકાનું બીજ જેના મનમાં વવાય છે તે વ્યક્તિ કોઈની પણ વાત મનમાં નાખે તે પહેલાં જો એટલું વિચારે કે જાદુના પ્રયોગો કરનાર જાદુગર સ્ટેજ ઉપર જે રજૂઆત કરે છે અને આપણે ઓડિયન્સમાં બેસીને જેને સગી આંખે જોઈએ છીએ અને પોતાના કાનથી જ સાંભળીએ છીએ, બુદ્ધિ પણ એ ઘટનાને જાણે સાચી ઘટના હોય તેમ સ્વીકારી લે છે, આમાંનું કશું જ સાચું નથી હોતું. જો આટલું સમજાય તો કોઈક ત્રીજી વ્યક્તિએ કરેલ વાત પૂરતી ચકાસણી વગર સાચી કઈ રીતે માની લેવાની? પણ ઘણા બધા કિસ્સામાં આવા કાચા કાનના માણસો સાંભળેલી વાત પરથી, અરે, એથીય આગળ જઈને કોઈકે કોઈ મલિન હેતુસર કાનમાં નાખેલ વાતને ચકાસ્યા વગર જ અભિપ્રાય બાંધી દે છે. વરસોના સંબંધો કે મિત્રતાને માથે છીણી મુકાઈ જાય છે.

આ સંદર્ભમાં નીચેની વાત યાદ રાખો.

દૂધ ઉકાળીને એમાં ભાત નાખી ત્યારબાદ ઉકળતા દૂધમાં ખાંડ, બદામ, ચારોળી, ઈલાયચી, જાયફળ વગેરે નાખી બરાબર ઉકાળી અને તૈયાર કરવામાં આવે છે. મૂળભૂત રીતે દૂધનો સ્વભાવ છે એમાં ખટાશ પડે એટલે ફાટી જાય. દૂધપાકનું આખું તપેલું ઉકળતું હોય પણ એમાં લીંબુના રસનાં બે ટીપાં નાખો એટલે દૂધ ફાટી જશે અને દૂધપાક ખાવાલાયક નહીં રહે. બરાબર આ જ રીતે માણસમાં ગમે એટલા સદગુણ હોય અને એ સદગુણોની સુવાસથી એનું જીવન મહેકતું હોય પણ એકાદો દુર્ગુણ એની બધી કારકિર્દી કે ઈજ્જત આબરૂ રફેદફે કરી દે છે.

એક કહેવત છે, ‘મંછાભૂત અને શંકા ડાકણ’. મંછા એટલે મનીષા, મનની સૃષ્ટિ, મનના વિચારો. કહેવાય છે કે આ જગતમાં ભૂત જેવું કંઈ છે જ નહીં. અખાએ કહ્યું છે કે –

“વા વાયાથી નળિયું ખસ્યું
તે દેખીને કુતરું ભસ્યું
કોઈ કહે મેં દીઠો ચોર
બહુ થયો ત્યાં શોરબકોર”

આ બધા મનના તરંગો છે. અંધારામાં ક્યારેક ઝાડનું ઠૂંઠું પણ માણસ ઊભું છે એવું દેખાય. એટલે મંછા ભૂત.

શંકા એ ખૂબ મોટો દુર્ગુણ છે. શંકા-કુશંકાઓ ભલભલાનાં જીવન ઝેર કરી નાખે છે એ સંદર્ભમાં શંકાને ડાકણની સાથે સરખાવી છે.

માણસે મનના વિચારો મજબૂત રાખવા જોઈએ. એક બાળક જે અંધારાથી ડરતો હતો તેને રંભા નામની દાસીએ રામનામનું કવચ પહેરાવી દીધું અને ત્યારબાદ આ બાળક મોટો થઈને મહાત્મા ગાંધી બન્યો. ડર એના મનમાં નહોતો.

આ પણ વાંચો: #Column: પેટનો બળ્યો ગામ બાળે

શંકારૂપી લીંબુનાં રસના બે ટીપાં મોઢામાં પાણી આવે એવા સરસ મજાના દૂધપાકને ઉકરડે ઢોળી દેવો પડે એવી પરિસ્થિતીનું નિર્માણ કરે છે. સંબંધોમાં પણ આવું જ છે. ભાઈ-ભાઈ હોય, પતિ-પત્ની હોય, મિત્ર હોય, ધંધામાં ભાગીદાર હોય, પરસ્પર વિશ્વાસ હશે ત્યાં સુધી જ એમનો કિલ્લો અભેદ્ય છે. જે દિવસે એમાં શંકાનાં બીજ રોપાયાં માની લેવાનું કે બરબાદીનો મજબૂત પાયો નખાઈ ગયો. ગમે તેવા મજબૂત સંબંધોને એક નાની-શી શંકા તોડી પાડે છે.

માટે ક્યારેય કોઈના કહેવા ઉપરથી તમારા નિકટતમ સ્નેહી માટે કોઈ પણ અભિપ્રાય બાંધતાં પહેલાં પૂરતી તપાસ કરો. શક્ય હોય તો એની સાથે ખુલાસો કરી લો. શંકાની ડાકણ તમારા સંબંધોને ખાઈ ના જાય તેનું ધ્યાન રાખો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat