Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ‘જીવતાની જય’

#Column: ‘જીવતાની જય’

0
43

ડૉ. જય નારાયણ વ્યાસ: હમણાં જ એક કિસ્સો વાંચવામાં આવ્યો.
વાત છે સૂરજમુખીની.
સૂર્યપ્રકાશ જ્યારે હોય ત્યારે સૂરજમુખી સૂર્ય સામે જોઈને ફરતું રહે.
સૂર્યપ્રકાશ જાણે કે એનો માર્ગદર્શક બની રહે એ રીતે સૂરજમુખીનું મોં પ્રકાશ આવતો હોય તે દિશામાં ફેરવે રાખે.
આ કારણથી જ એને સૂરજમુખી કહેવાય.
પ્રશ્ન એ થાય કે જ્યારે આકાશમાં વાદળો છવાઈ જાય,
દિવસ હોવા છતાં સૂર્યપ્રકાશ દેખાય નહીં,
ત્યારે આ સૂરજમુખીનું શું થાય?
તમને થશે કે સૂરજમુખી એ દિવસ પૂરતું પોતાનું માથું નીચે નમાવીને જમીન તરફ જોઈ જાય.
તમારા મનમાં આવો જ કોઈ વિચાર આવ્યો હતો ને?
પણ એ વિચાર સાચો નથી.
આવા વાદળછાયા દિવસે સૂરજમુખીનું વર્તન કાંઈક આવું હોય છે –
જો ત્યાં એક કરતાં વધારે સૂરજમુખી ઉગ્યાં હોય તો તેઓનું મોં એકબીજા તરફ ફરી જાય અને સંગ્રહિત ઊર્જાની વહેંચણી થઈ જાય.
જો એક જ સૂરજમુખી હોય તો પણ એ જમીન તરફ માથું નીચું નમાવી ના જ રહે.
આ વાત આપણા જીવનને લાગુ કરવી હોય તો?
કેટલાક લોકો જ્યારે મૂંઝવણમાં મુકાય અથવા આપત્તિથી ઘેરાઈ જાય
હતાશા તેમને ઘેરી વળે છે
અને જીવન અકારું લાગે છે
બરાબર ત્યારે જ આપણે સૂરજમુખીના આ દાખલાને યાદ કરવો જોઈએ.
પતિ-પત્ની હોય કે બે મિત્રો
આ એવો સમય છે જ્યારે એકબીજાને સંભાળી લેવાની મોટી જરૂર ઊભી થાય છે.
એકબીજાનો ટેકો અને હૂંફ આવી પરિસ્થિતિમાં મોટામાં મોટું બળ પૂરું પાડે છે.
આને ‘એમ્પાવરમેન્ટ’ એટલે કે સશક્તિકરણ કહેવાય.
આપણા બધામાં આ વૃત્તિ હોવી જોઈએ.
આપણી આજુબાજુ, ઘરમાં કે પછી ઓફિસમાં કોઈકનો ચહેરો પડેલો લાગે,
કોઈ મૂંઝવણમાં હોય અને શૂન્યમનસ્ક થઈને બેઠેલું હોય તેવું લાગે,
ત્યારે આપણે આપણું પાવર હાઉસ ઓફ એનર્જી એટલે કે શક્તિધોધને છૂટો મૂકી દેવાનો છે.
માણસ ઘણીવાર આપઘાત જેવું અંતિમ પગલું લે છે.
માનસશાસ્ત્રીઓ અને કાઉન્સેલિંગ કરતી સંસ્થાઓ કહે છે કે પોતે હતાશાથી ઘેરાઈને અંતિમ પગલું લેવા તરફ જઈ રહ્યો છે એવો અંદેશો એ એક કરતા વધુ રીતે આપે છે.
કાં તો એ ચીડિયો થઈ જાય છે
કાં તો એકાંતવાસના કોચલામાં કોરાઈ જાય છે
કાં તો એવા સૂચક ઉદગારો કરે છે કે ‘હવે આ બધું ઝાઝું નથી વેઠવાનું’.
બરાબર તેવે સમયે કુશળતાપૂર્વક એના મનના અગોચર ખૂણે જે નકારાત્મક વૃત્તિઓ ઊભી થઇ છે તેને હાંકી કાઢવાની છે.
એના મનના સૂરજમુખીને તમારા હકારાત્મક વિચારો, હૂંફ અને લાગણીથી ફરી પાછું ઉર્જાવાન બનાવી અને ખીલવવાનું છે.
હતાશામાંથી એને હકારાત્મક તરફ લઈ જવાનો છે.
સાચા સ્નેહી કે મિત્ર અથવા વડીલ હોય તો એના આત્મવિશ્વાસની જ્યોત નકારાત્મકતાનો પવન બુઝાવી ન દે તે જોવાનું છે.
આજે જ એક મિત્ર દ્વારા મને એક પોસ્ટ મળી છે.
એનું શીર્ષક છે ‘જીવતાની જય’
આ પોસ્ટ અત્યારની ચર્ચા સાથે એટલી બંધબેસતી છે કે એને શબ્દસહ કશા જ ઉમેરા કે ઘટાડા વગર ઉતારું છું.
‘જીવતાની જય’
અગાઉ જયારે ભીષણ યુદ્ધ થતા, બંને બાજુ ભારે ખુંવારી થતી. કયો પક્ષ જીત્યો અને કયો હાર્યો તેનું મહત્વ જ ના રહે એટલા લોકો યુદ્ધમાં ગુજરી જતા. ત્યારે આ પક્ષની કે તે પક્ષની ‘જય’ બોલાવવાની વાત જ ના રહેતી. જે જીવતા રહ્યા તે તમામની જય.
અત્યારે ભારત જે પરિસ્થિતિમાંથી પસાર થઇ રહ્યું છે તેમાં ખૂબ ડર લાગે છે. કોઈની સાથે વાત જ કરવાની હિંમત નથી થતી કે ખરાબ ખબર મળશે. કોઈને તબિયત સારી? ઘરમાં બધું બરાબર? એમ પૂછીએ તો પણ સંકોચ થાય કે કદાચ તકલીફમાં હશે તો પણ આપણે શું મદદ કરી શકવાના?

આ પણ વાંચો: #Column: નાક નીચેનું ના દેખાવું

આવી હેલ્પલેસનેસ ઇન જનરલ અત્યારે જીવતા લોકોએ પહેલીવાર જ જોઈ હશે. બીજી કોઈ ખરાબ પરિસ્થતિમાં એટલીસ્ટ કોઈકને કંઈક મદદ કરવાની શક્યતા પણ રહેતી. અત્યારે તો નજીકના લોકોના દુઃખને નજરઅંદાજ કરવા સિવાય કશું થઇ શકતું નથી. કારણ જેટલું વધુ વિચારીએ એટલા તુટતા જઈએ, વધુ નેગેટીવ થોટ્સ અને સ્ટ્રેસ આવે. કોણ કોને સાચવે તે પરિસ્થિતિ દરેક ઘરમાં છે.
યુદ્ધમાં જેમ લાગણીઓ બાજુએ મૂકી દુશ્મનને હરાવવા સિવાય કશું વિચારવાનું જ ના હોય તેમ જ જીવવું. પહેલા પોતાનું ધ્યાન રાખવું તો જ ઘરના લોકોને સાચવી શકીશું. એમાં પણ પ્રાયોરીટી આવશે; વડીલો, બાળકો, સ્ત્રીઓ અને છેલ્લે યુવાનો.
માટે મહેરબાની કરીને દરેકે પોતાનું ધ્યાન રાખવું. જેમાં માનતા હો તેને પ્રાર્થના કરવી. નાહવાનું, કપડા બદલવાનું, વાળ ઓળવાનું ચાલુ રાખવું. ચહેરો દિવસમાં બે વાર અરીસામાં અચૂક જોવો. જે ખાઈ પી શકાય તે ખાવું પીવું. માફ કરી શકાય તેને માફ કરી દેવા અને હૃદયથી માફી માંગે તેને માફ કરી દેવા, પોઝીટીવીટીનું એક સર્કલ શરુ કરવું.
ફોન ડિરેક્ટરીમાંથી રોજ કોઈકને કોલ/મેસેજ કરવો, જેની સાથે લાંબા સમયથી વાત ના થઇ હોય તેને પણ. જેની સાથે બોલતા ના હો, નારાજ હો તેને પણ… કોઈ જ પંચાત કે જૂની વાત નહીં, ફક્ત કેમ છો? અમે તમારી સાથે છીએ, અમે તમને ચાહીએ છીએ. યસ્સ્સ! ‘આઈ લવ યુ’ શબ્દની આનાથી વધુ કિંમત ક્યારેય ન હતી.
કશું જ લાંબુ વિચારવું નહીં, આજમાં અને ફક્ત આજમાં જ જીવવું. જીવતા રહ્યા તો નોકરી, ધંધા થઇ રહેશે, રૂપિયા કમાઈ લેશું. બધું જ એકડે એકથી કરીશું. વધુ સારી સકારાત્મક દુનિયા બનાવીશું. એટલે મૂંઝાવું નહીં.
આજે આટલે જ અટકીએ.
યાદ રાખો ‘જીવતો નર ભદ્રા પામે’
સમયને પલટાતાં વાર નથી લાગતી
કોઈનીયે રાત કાયમી નથી
નથી કોઈનો સૂર્યપ્રકાશથી ઝળહળીત દિવસ કાયમી
બસ ટકી રહો
સમય બદલાશે
ચોક્કસ બદલાશે

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat