Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત

#Column: અબ પછતાયે ક્યા હોત જબ ચીડિયા ચુગ ગઈ ખેત

0
188

ડૉ. જય નારાયણ વ્યાસ: સંત કબીરના જીવન સાથે જોડાયેલો એક કિસ્સો બાળપણમાં ગુજરાતી ભાષાના પુસ્તકમાં ક્યાંક ભણ્યા છીએ એવું આછું પાતળું સ્મરણ છે.
આજે જૂની યાદોની તિજોરીને ખોલું છું તો નજર સામે એક નદી દેખાય છે.
નદીમાં નિર્મળ જળનો પ્રવાહ વહી રહ્યો છે.
સ્ફટિક જેવા પાણીમાં કોઈ સ્નાન કરે છે.
કોઈક વળી ખોબે ખોબે પાણી પીને તરસ બુઝાવે છે.
થોડે દૂર એક ગોવાળ પોતાના ધણને પાણી પીવરાવે છે.
ધોબીઘાટ ઉપરથી ધોવાતાં કપડાનો ધબાક ધબાક અવાજ સંભળાય છે.
ઘાટ પરથી પનિહારીઓ પાણી ભરી જાય છે.
નદી કિનારાની રેતમાં ક્યાંક ક્યાંક ધરો ઊગી છે.
ક્યાંક ક્યાંક કાંટાળા જવાસાના છોડ.
જ્યાં નદીનું પાણી એક ઊંડા ખાડામાં ભેગું થયું છે અને વહેતું નથી ત્યાં અડાબીડ પાનનાં ઝુંડ ઉગ્યાં છે.
એ પાણીને ધરો કહેવાય.
ધરાના આ પાણીમાં માછલી, દેડકાં, સાપ જેવાં પૈડકાં (પાણીના બિનઝેરી સાપ) તેમ જ અન્ય કેટલાક જળચર જીવો જીવી રહ્યા છે.
સવારના દસ વાગ્યાનો સમય છે.
સૂર્યનાં કોમળ કિરણો નદીનાં પાણી પરથી પરાવર્તિત થઈને એક નવી જ આભા રચે છે.
આવા સમયે ઘાટ પાસેના પ્રવાહમાં કેટલાક લોકો નદીનું જળ ખોબામાં લઇને અર્ઘ્ય આપી રહ્યા છે.
સંત કબીર ત્યાં આવી ચઢે છે.
કબીર એમાંના એકને પૂછે છે, “ભાઈ આ શું કરો છો?”
પેલો માણસ જવાબ આપે છે, “અમે અમારા પૂર્વજોને અર્ઘ્ય આપીએ છીએ.”
કબીર પાછા પૂછે છે, “તમારા પૂર્વજો ક્યાં છે?”
પેલો માણસ જવાબ આપે છે, “એ તો ક્યારના સ્વર્ગવાસી થઈ ગયા. આ પવિત્ર નદીના જળના પાણીનો સવારે અર્ઘ્ય પામીને એમના આત્માને પરમ શાંતિ થશે.”
કબીર થોડીવાર એ ભાઈના ચહેરા સામે જોઈ રહે છે. એના મોઢામાંથી શબ્દો નીકળે છે, “આ તો બહુ સારું!” એ પણ ત્યાં લાઈનમાં ઊભા રહી અને ખોબે ખોબે પાણીનો અર્ઘ્ય આપવા માંડે છે.
એની આ ચેષ્ઠા જોઈને પેલો પૂછે છે, “શું કરે છે તું?”
કબીર કહે છે, “અહીંથી થોડે દૂર મારાં ખેતર આવેલા છે. હું એ ખેતરને પાણી પીવડાવું છું.”
પેલો માણસ હસી પડે છે, “ભલા માણસ, એમ કાંઈ ખેતર સુધી પાણી પહોંચે?”
કબીર એને સામો પ્રશ્ન પૂછે છે, “તમે જે અર્ઘ્ય આપ્યો છે તે છેક સ્વર્ગ સુધી પહોંચે છે. તો હું જે અર્ઘ્ય આપું છું તે મારાં ખેતરો સુધી કેમ ન પહોંચે?”
કબીરજીની આ વાતનો મર્મ સમજાય છે?
મા-બાપ હયાત ન હોય પછી આ બધી ચિંતા કરવા કરતાં જ્યારે મા-બાપ કે દાદા-દાદી હયાત હોય ત્યારે જ એમની ખૂબ સેવા કરો.
તમારી સેવાનો અર્ઘ્ય સીધે સીધો એમને પહોંચવાનો છે.
એટલે જ શાસ્ત્રોમાં કહ્યું છે
માતૃદેવો ભવ
પિતૃદેવો ભવ

આ પણ વાંચો: #Column: આંબો અને યુવાન… વાત સમજવા જેવી છે

આપણા આ દેવો આપણી સન્મુખ હોય ત્યારે આપણે તેને તુચ્છકારીએ છીએ, દુઃખી કરીએ છીએ એને બદલે…
એમને જે ભાવતું હોય તે જમાડીએ,
દેવદર્શને લઈ જઈએ
એમની સાથે બેસીને ઉમળકાથી વાત કરીએ
એમની પીઠ પસવારીને આપણો પ્રેમ વ્યક્ત કરીએ
આવું બધું ન કરો તો એમના ગયા પછી આ અર્ઘ્ય આપવાનો કોઈ જ અર્થ નથી.
કબીરની આ વાતનો મર્મ સમજાય તો આપણા સમાજમાં વધુ ને વધુ વૃદ્ધાશ્રમો ખૂલતા જાય છે તેની જરૂર ન રહે.
જેણે આપણને જીવનભર જાળવ્યા
ભીનામાં સૂઈ રહીને આપણને કોરામાં સુવડાવ્યા
આપણો શોખ પૂરો કરવા માટે પોતાની જરૂરિયાત જતી કરી
આપણા માટે અડધા ભૂખ્યા રહીને કંદોઈની દુકાનેથી ફરસાણ લાવી આપ્યું
જેની આંગળી ઝાલીને આપણે દુનિયા જોઈ
જેમણે આપણને દુનિયાદારી શીખવી, તે મા-બાપ કે પૂર્વજો…..
હયાત ન હોય ત્યારે તેમને યાદ કરીને આવાં વિધિવિધાનો કરવાનો કોઈ ફાયદો ખરો?
કબીરની આ વાત સમજો.
જેમ નદીનું પાણી ખોબે ખોબે ખેતર સુધી નથી પહોંચી શકતું તેમ તમે કરેલું પિંડદાન કે અર્ઘ્ય ખરેખર એમને પહોંચે તે દિવસની રાહ શેને માટે જુઓ છો?
અત્યારે જ એમની સેવામાં લાગી જાવ
એ હયાત નહીં હોય ત્યારે પસ્તાવાનો કોઈ અર્થ નથી.
નીચેની પંક્તિઓ યાદ રાખો
અબ પછતાયે ક્યા હોત
જબ ચીડિયા ચુગ ગઈ ખેત
તમારા જીવનમાં આ સાચું ન પડે તે જોજો.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat