Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ઓનલાઈન શિક્ષણની અસરકારકતા કેટલી?

#Column: ઓનલાઈન શિક્ષણની અસરકારકતા કેટલી?

0
641

ડૉ. જય નારાયણ વ્યાસ: કોવિડના કારણે આ દેશમાં બાળકોનું શિક્ષણ ખોરવાઈ ગયું છે. બેકારી અને અર્ધબેકારી કેર વરતાવી રહ્યાં છે. તેવા સમયે IIM-અમદાવાદ દ્વારા એક સરવે કરવામાં આવ્યો છે. કોરોનાને કારણે થયેલ લોકડાઉન અને કરફ્યુ ગરીબો માટે મહામારીથી પણ વધારે ભયંકર પુરવાર થઈ રહ્યા છે. લોકડાઉનને કારણે શહેરના મજૂર વર્ગ પર પડેલી અસર તેમજ શાળાઓ/કોલેજો બંધ રહેતા અપ્રત્યક્ષ એટલે કે ઓનલાઇન શિક્ષણ પદ્ધતિના પરિણામો પણ ચોંકાવી દે તેવા છે.

આ સરવે દ્વારા કાઢવામાં આવેલા કેટલાંક તારણો મુજબ માર્ચ 2020 પછી 30 ટકા વિદ્યાર્થીઓ શિક્ષણકાર્યથી સાવ અળગા રહ્યા છે. આ વિદ્યાર્થીઓને ઓફલાઈન અથવા ઓનલાઈન કોઈપણ પ્રકારનું શિક્ષણ મળ્યું નથી જેને કારણે તેઓ શિક્ષણથી સાવ અળગા રહ્યા છે. શિક્ષણથી અળગા રહેલા આ વિદ્યાર્થીઓમાંથી 33 ટકા વિદ્યાર્થીઓ એવા છે કે જેઓ નિયમિત સ્કૂલમાં હાજરી આપતા હતા. સરવે થકી આવરી લેવાયેલમાંથી 26 ટકા બાળકો એવાં હતા કે જેઓ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરે છે જ્યારે 22 ટકા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાં અને RTE અંતર્ગત પ્રવેશ મેળવનાર હતા. આ બધા જ વિદ્યાર્થીઓનો માર્ચ 2020થી શિક્ષણ સાથેનો નાતો સાવ તૂટી ગયો છે. સરકાર દ્વારા ઓનલાઇન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે એ હકીકત છે પણ સરવેના તારણો

મુજબ આ ઓનલાઇન શિક્ષણના ક્લાસ દરમિયાન બાળકને જો કોઈ પ્રશ્ન મૂંઝવતો હોય તો શિક્ષકનો સંપર્ક કરી માર્ગદર્શન મેળવી શકાય એવી કોઈ વ્યવસ્થા એમની પાસે નથી. સરવેનું બીજુ એક તારણ છે કે સરકારી સ્કૂલના શિક્ષકોએ બાળકોના ઘર સુધી જુદા જુદા અસાઇનમેન્ટ પહોંચાડવાના હોય છે પણ માત્ર 15 ટકા બાળકોના કિસ્સામાં જ આ કામગીરી થઇ છે. ઘરે અસાઇનમેન્ટ આપવામાં ખાનગી સ્કૂલો તો સરકારી વ્યવસ્થાથી પણ નબળી રહી છે, એની ટકાવારી માત્ર 8 ટકા છે. આ રીતે ઓનલાઈન શિક્ષણની કામગીરી ખૂબ જ નબળી રહેવા પામી છે એવું આઇઆઇએમ સરવેનું તારણ છે.

આનો બીજો અર્થ એ થાય કે 2020નું મે અંતિત શૈક્ષણિક વરસ અને જૂન 15 થી શરૂ થતું 2021નું શૈક્ષણિક વરસ વિદ્યાર્થીઓના અભ્યાસની દ્રષ્ટિએ સંપૂર્ણ નિષ્ફળ ગયેલા વારસો ગણી શકાય. હવે આ સ્થિતીમાં ગુજરાતના પ્રાથમિક શિક્ષણ લેતાં વિદ્યાર્થીઓનું શું થશે? એમનો પાયો નબળો રહેવા પામ્યો તેને કાયમી ખોડ ન બની જાય તે માટે શું કરવાનું રહેશે? અને એ માટેનું આયોજન કઇ રીતે ઘડાશે? એની કોઈ ચર્ચા વિચારણા હજુ શરૂ થઇ છે કે કેમ એના વાવડ મળતા નથી. આ ખૂબ ગંભીર પરિસ્થિતિ છે જેની વ્યાપક આડઅસરો ગુજરાતની ઉછરતી પેઢીના ભાવિ પર પડવાની છે. ઇન્ડિયન ઇન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અને યુનિસેફ-ગુજરાત દ્વારા શરૂ કરાયેલ નોલેજ મેનેજમેન્ટ એન્ડ ઇનોવેશન ફોર ચેન્જ કાર્યક્રમને ઉપક્રમે આ સરવે કરવામાં આવ્યો હતો જેમાં અમદાવાદ શહેરના ઓછી આવક ધરાવતાં 375 કુટુંબના 700 બાળકોને આવરી લેવાયા હતા.

સરવેનાં બીજા કેટલાંક તારણો પણ ચોંકાવી દે તેવા છે. ઘણા વાલીઓને સરકારી આદેશ છતાં ખાનગી સ્કૂલોએ બાકીની ફી ભરવા માટે દબાણ કર્યું હતું. ઘણા વાલીઓને સ્કૂલ બદલી નાખવા માટે પણ દબાણ થયું હતું. આ તારણોમાં એક મહત્ત્વનું તારણ એ છે કે સરકારના પ્રયત્નો છતાં પણ સરકારી સ્કૂલોમાં અભ્યાસ કરતા 85 ટકા બાળકોને લોકડાઉન દરમ્યાન મધ્યાહન ભોજન માટે મળનારી સરકારી સહાય મળી નથી. હમણાં નેશનલ ફેમિલી હેલ્થ સરવે-5 બહાર પડ્યો છે જેમાં ગુજરાતમાં છ મહિનાથી માંડી પાંચ વરસ સુધીના 80 ટકા બાળકો કુપોષણથી પીડાય છે તેવી ચોંકાવનારી વિગતો બહાર આવી છે. આ અગાઉના NFHS-4 સરવેમાં આ ટકાવારી 63 ટકા હતી જેમાં આમ જોઇએ તો 17 ટકા પણ સાચી રીતે 63 ટકાને પાયો ગણીએ તો 26 ટકા કરતાં વધારે વધારો થયો છે. આ સંયોગોમાં જ્યારે કેન્દ્ર સરકારના ઠરાવ પ્રમાણે તમામ બાળકોને પોષણક્ષમ ખોરાક પૂરો પાડવા માટે મધ્યાહન ભોજન યોજના ચલાવાય છે, લોકડાઉન દરમિયાન પણ આ યોજના કાર્યરત હતી તો પછી 85 ટકા બાળકોને મધ્યાહન ભોજન અથવા તેના બદલામાં અન્ય કોઈ લાભ ન મળે તેવું બને તે ગુજરાત જેવા પ્રગતિશીલ રાજ્યના સરકારી તંત્ર માટે નાલેશીભર્યું છે એમ કહેવામાં જરાય અતિશયોક્તિ નથી.

એક બાજુ બાળકોને પોષણયુક્ત ભોજન અથવા તેના બદલામાં બીજી કોઈ સહાય ન મળે ત્યારે બીજી બાજુ આઇઆઇએમ-અમદાવાદ દ્વારા કરાયેલા સરવે પ્રમાણે 60 ટકાથી ઓછા ઘરોમાં 4Gના સ્માર્ટ ફોનની સુવિધા છે. આની સાથોસાથ હાઈસ્પીડ ઈન્ટરનેટના રિચાર્જ તેમજ ઘરમાં એક કરતાં વધુ બાળક જુદાં જુદાં ધોરણમાં ભણતું હોય ત્યારે એક કરતાં વધુ ડિવાઈસીસની જરૂરત પાછળ ખરચો કરવાની ત્રેવડ ન હોવાને કારણે બાળકો અભ્યાસથી દૂર રહ્યાં છે.

આ પણ વાંચો: #Column: ઠાકોરભાઈને મન નાનામોટા સહુ સરખા

એક કહેવત છે ‘ભરતામાં ભરાય અને પડતાને પાટુ’ એ સાચી પડતી હોય તેમ આ સરવેના એક તારણ મુજબ ગુજરાતમાં અનલોક જાહેર થયા બાદ 85 ટકા પરિવારના સભ્યોએ ફરીથી કામ પર જવાનું શરૂ કરી દીધું છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે લોકડાઉન પહેલાં જે વેતન મળતું હતું તે વેતનમાં મોટો ઘટાડો થયો છે. આને પરિણામે ગરીબીમાં જીવતાં આ કુટુંબોને બે છેડા ભેગા કેમ કરવા તે પણ એક મોટી મુશ્કેલીનો પ્રશ્ન બની ગયો છે. ભલે આ બેરોજગારીની કક્ષામાં ન આવે પણ અર્ધબેરોજગારીની પરિસ્થિતિ તો ગણી જ શકાય. ફૂડ ફોર ઓલ યોજના નીચે તેમજ અન્ય સહાય હવે બંધ થઈ ગઈ છે. આ સંયોગોમાં આ કુટુંબનાં બાળકોને પેટનો ખાડો પુરવામાં ફરજિયાત બાળમજૂરીના રસ્તે જવું પડે તો એમાં આપણે કોનો વાંક કાઢીશું? Column

માધ્યમોથી માંડીને આખુંય તંત્ર કોરોના કેન્દ્રિત થઈ ગયું છે. ક્રિકેટની મેચ રમાતી હોય તેમ કોરોનાનો સ્કોર સરકાર દ્વારા બહાર પાડવામાં આવે અને માધ્યમો એના આધારે સમાચારો પ્રસિદ્ધ કરે. પણ મહામારી કોરોના કેટલાક જીવતા લોકો માટે બદથી બદતર પરિસ્થિતિનું સર્જન કરી ચૂકી છે તેની ચર્ચા તો થતી જ નથી. સમાજ વ્યવસ્થા અને સમરસતાનો આમાં ભુક્કો બોલી ગયો છે. અનેક અબજોપતિની સંપત્તિ આ જ કોરોના કાળ દરમ્યાન દોઢી કે બમણી થઇ છે. એમની સંપત્તિમાં એક બાજુ અબજો રૂપિયાનો વધારો થયો છે જ્યારે બીજી બાજુ દસ કરોડથી વધુ લોકો ગરીબીની રેખા નીચે ધકેલાઈ ગયા છે. એમના માટે બે ટંકનો રોટલો મુશ્કેલ બન્યો છે. એમના બાળકોની શિક્ષાદીક્ષા અટવાઈ પડી છે. એટલું જ નહીં એ ગાડી ફરીથી પાટા પર ચડશે કે કેમ એ સામે ગંભીર પ્રશ્નાર્થો ઊભા થયા છે.

આ પણ વાંચો: #Column: મોટા માણસના નાના મને નાના માણસને મોટો બનાવ્યો

હંગર વોચ સરવેનાં તારણો મુજબ લોકડાઉન પછી અનેક શ્રમિક અને વંચિત પરિવારોને ખાવાના સાંસા પડયા છે. 21.8 ટકા પરિવારોને ઘણીવાર ભૂખ્યા પેટે સુવાનો વારો આવ્યો છે, જ્યારે 20.6 ટકા પરિવારો પૂરતું અનાજ નહીં હોવાથી ભૂખ્યા રહ્યા, રેશનકાર્ડ ‘સાયલન્ટ’ થતાં આ ગરીબોની હાલત કફોડી બની. છ મહિનાથી અનાજ લીધું ન હોય તેવા કેટલાય પરિવારોના રેશનકાર્ડ સાયલન્ટ કરી દેવાયા છે. આ હંગર વોચ સરવેની ભલામણ છે કે શ્રમિક, વંચિત વર્ગની સ્થિતિને જોતા જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ દરેક વ્યક્તિને આગામી છ મહિના માટે દસ કિલો અનાજ, દોઢ કિલો ગોળ અને આઠસો ગ્રામ ખાદ્યતેલ આપવામાં આવે. આ સરવેમાં એવું પણ તારણ નીકળ્યું છે કે 38 ટકા પરિવારોએ ચોખા-ઘઉંનો વપરાશ ઓછો કર્યો, 40.7 ટકા લોકોએ કઠોળ ખાવાનું ઓછું કરી દીધું, 57.6 ટકા લોકોએ શાકભાજી ખાવાનું ઘટાડી દીધું, 36.5 ટકા લોકોની આવક સપ્ટેમ્બર-ઓકટોબર મહિનામાં પણ બંધ રહી જ્યારે લગભગ 50 ટકા લોકોની આવક એપ્રિલ-મેમાં સદંતર બંધ હતી. આ પરિસ્થિતિમાં બાળકોમાં કુપોષણ ના દેખાય તો જ નવાઈ!

ઓનલાઇન શિક્ષણ એ આપાતકાલીન જરૂરિયાત હતી એમાં કોઈ જ શંકા નથી. આપણે એના માટે સરકાર અથવા સ્કૂલોને દોષ દઈએ એનો પણ અર્થ નથી. પ્રશ્ન એ છે કે 2020નું મે અંતિત શૈક્ષણિક કાર્ય લગભગ પરીક્ષાઓ વગર પૂરું થયું. જોકે માર્ચ 2020 સુધી નિશાળો તો ચાલુ હતી પણ જૂન 2021માં પૂરું થતું શૈક્ષણિક કાર્ય 15 જૂન 2020થી શૈક્ષણિક વરસ શરૂ થયાને છ મહિના જેટલો સમય વિતી ગયો પણ માત્ર ઓનલાઈન પર નિર્ભર રહીને ઘણી કચાસવાળું થયું છે. હજુ પણ નિશાળો અને કોલેજો ક્યારે ખુલશે એનો કોઈ અંદેશો નથી. માની લઈએ કે જાન્યુઆરીથી શિક્ષણકાર્ય શરૂ થાય (જે અત્યારે તો લગભગ અશક્ય લાગે છે) તો પણ ત્રણ-ચાર મહિનામાં વિદ્યાર્થીઓને કેટલો કોર્સ ભણાવી શકાશે? અને જે કોર્સ બાકી રહી જાય તે તેમજ અગાઉના વરસમાં જે કચાશ રહી ગઈ તે ક્યારે અને કઈ રીતે પુરી કરી શકાશે? જો આવું નહીં થાય તો આ બે વરસનું શિક્ષણ કાર્ય વિદ્યાર્થીઓ માટે કાચું રહી જશે. સવાલ એ છે કે જ્યારે પરિસ્થિતિ સુધરે ત્યારે વેકેશનોમાં બધી જ સ્કૂલો ચાલુ રહે અને જે અભ્યાસક્રમ નથી ભણાવાયો અથવા જેમાં કચાશ રહી ગઈ છે એ કઈ રીતે પુરી કરી શકાય? આ દિશામાં સરકાર અને શિક્ષણવિદો તેમજ પ્રબુદ્ધ વાલી સમૂહના પ્રતિનિધિઓની બે દિવસની એક ચિંતન શિબિર રાખવી જોઈએ અને આ કચાશ રહી ગઈ છે તેને સુધારી લેવા માટે નક્કર અને પરિણામલક્ષી આયોજન તૈયાર કરવું જોઈએ.

સમાપનમાં ફરી કહીશ કે જે મર્યાદાઓ હતી તેમાં શિક્ષક મિત્રોએ પોતાનાથી બનતું બધું કરવાનો પ્રયત્ન કર્યો છે પણ એમની માનવસહજ મર્યાદાઓ તેમજ આંતર માળખાકીય સવલતોની અધૂરપ અને ત્રુટિઓ એ સરવાળે એક મોટી મર્યાદા બનીને ઉભરી તેનો સ્વીકાર કરીને જ આ દિશામાં ચિંતન કરી શકાશે. સુધારી ન શકાય તેવી આ પરિસ્થિતિ નથી પણ એકબીજા પર દોષનો ટોપલો ઢોળવાથી એનો ઉકેલ નહીં આવે. આમાં પક્ષકાર હોય તેવા બધાએ પોતપોતાની રીતે સારું જ કર્યું છે અને આમ છતાંય એમના કાબુ બહારના સંયોગો અને મર્યાદાએ બાળક માટે એક એવી પરિસ્થિતિનું નિર્માણ કર્યું છે જેમાં એનો કોઈ જ દોષ ન હોવા છતાં ઘાણ કાચો રહી જાય. આ પ્રશ્ન માત્ર સરકારનો નથી, માત્ર શાળાઓ કે કોલેજોનો અથવા શિક્ષણવિદો નથી, વાલીઓનો પણ નથી, એટલે વિદ્યાર્થીને નુકસાન ન થાય એ દિશામાં સહુએ સાથે મળીને આનો ઉકેલ શોધવો જોઈએ. આશા રાખીએ આ દિશામાં ચોક્કસ કંઈક નક્કર અને પરિણામલક્ષી કાર્યવાહી થશે.

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9