Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Coulmn: નિર્મલા સીતારમણનું બજેટ સમય વીતવા સાથે સમજાતું જશે

#Coulmn: નિર્મલા સીતારમણનું બજેટ સમય વીતવા સાથે સમજાતું જશે

0
211

ડૉ. જય નારાયણ વ્યાસ: 1લી ફેબ્રુઆરી 2021ના દિવસે 2021-22 નાણાંકીય વરસ માટેનું કેન્દ્રીય અંદાજપત્ર રજૂ થયું. આપણે જાણીએ છીએ નિર્મલા સીતારમણે આ બજેટ કોવિડ-19 જેવી મહામારીનો કેર 2020ના કૅલેન્ડર વરસને બરબાદ કરી ગયું તે પછી રજૂ કર્યું છે. એ રીતે આ એક ઐતિહાસિક બજેટ છે. આવડી મોટી મહામારી પછી રજૂ થતું બજેટ ઐતિહાસિક અને અસામાન્ય બજેટ કહી શકાય એમાં કોઈ શંકા નથી. પણ જો કોવિડ-19ની મહામારીનો તાપ ચાલુ રહ્યો હોત તો? જો કોવિડ-19 સામે રસી ના શોધાઈ હોત તો?  Jaynarayan Vyas Column Budget

સદનસીબે કોરોનાનો કોપ ઘટતો જઈ રહ્યો છે અને આવનાર નાણાંકીય વરસ કરફ્યુ, લોકડાઉન કે બ્રેકડાઉન વગરનું હશે તેવા આશાવાદના માહોલ વચ્ચે આ બજેટ આવ્યું છે. પરિસ્થિતિ બદલાઇ રહી છે. 31મી જાન્યુઆરી 2020ના દિવસે ગુજરાતમાં કોરોનાને કારણે એક પણ મોત નથી થયું. રોજના નવા કેસની સંખ્યા 300થી નીચે ગઈ છે. પહેલી ફેબ્રુઆરીથી સ્કુલોમાં ધોરણ નવ અને અગિયારના વર્ગો શરૂ થયા છે. ધોરણ દસ અને બારના વર્ગો આ પહેલાં શરૂ થઈ ગયા હતા. 100 ટકા ક્ષમતા સાથે થિયેટરો શરૂ થયા છે. રાત્રે કરફ્યુના સમયમાં ઘટાડો થયો છે, હવે કરફ્યુ રાત્રે 11 થી 6 રહેવાનો છે. જાન્યુઆરી 2021 સતત ચોથો મહિનો છે જ્યારે જીએસટી કલેક્શન મહિને એક લાખ કરોડથી વધુ રહ્યું છે. એક સમયે 2020-21નું નાણાંકીય વરસ માઇનસ 10 ટકા કરતાં વધારે જીડીપી વિકાસદરથી પૂરું કરીશું એવી અપેક્ષા હતી તેને બદલે હવે માઇનસ 7 કે 7.5 ટકાનો આંકડો વાસ્તવિક લાગે છે. આવતા વરસે જીડીપીનો વિકાસ દર 11 ટકા રહેશે તેવો અંદાજ છે. આવા માહોલ વચ્ચે નિર્મલા સીતારમણે પોતાનું અંદાજપત્ર રજૂ કર્યું.

નાણાં મંત્રી પાસેથી અપેક્ષા હતી કે –

• આગામી બજેટ ખાડામાં પડી ગયેલી અર્થવ્યવસ્થાને ઊંચકવાનું કામ કરશે.
• રોજગારી વધારનારું બજેટ હશે.
• ઘરઆંગણાનાં બજારમાં તળિયે પહોંચી ગયેલી માંગને જીવંત કરનારું બજેટ હશે.
• ભારતીય અર્થવ્યવસ્થાને પાટે ચડાવનારું અને ત્યારબાદ વિકાસને રસ્તે અર્થવ્યવસ્થાની ગાડી દોડે તે માટેનું બજેટ હશે.
• કોવિડની મહામારીમાં વધારાના દસ થી બાર કરોડ લોકો ગરીબીની રેખા નીચે પહોંચી ગયા છે એમને ગરીબીની રેખા ઉપર લઈ આવનારું બજેટ હશે.
આપણે નિર્મલા સીતારમણના બજેટને આ સંદર્ભમાં જોવું પડશે.

ઈન્ડો એશિયન ન્યૂઝ સર્વિસ અને સી-વોટર દ્વારા આ સંદર્ભમાં કરવામાં આવેલ સરવેમાં કેટલાંક તારણો જોઈએ.

સરવેનું પહેલું તારણ છે નાણાં મંત્રી પાસેથી આગામી વરસના બજેટમાં મધ્યમ વર્ગને મોટી અપેક્ષાઓ હતી. આ વર્ગ સૌથી વધારે ઘવાયેલો અને અસરગ્રસ્ત છે. કોવિડનો સૌથી મોટો માર આ વર્ગને પડ્યો છે. IANS-સી વોટર બજેટ સ્નેપ પોલ 2021નું એક મહત્વનું તારણ એ છે કે આ બજેટ રજૂ થયા બાદ ઘણા બધાને એમાં પોતાના માટે શું છે તે સમજવું મુશ્કેલ લાગ્યું છે. મધ્યમ વર્ગના લોકો માટે બજેટ મોટો ગૂંચવાડો પેદા કરનારું છે. 60.9 ટકા મધ્યમ વર્ગના માણસોની આ બજેટ પાસેથી મોટી અપેક્ષાઓ હતી જે પૂરી કરવામાં બજેટ ઊણું ઉતર્યું છે.

આ સરવેમાંથી ઉપસતા કેટલાક મુદ્દાઓ નીચે મુજબ છે.
• 50 ટકા જેટલા લોકો માને છે કે છેલ્લા એક વરસ દરમિયાન તેમની જીવનશૈલીની ગુણવત્તા ઘસાઈ છે.
• 56 ટકા લોકો માને છે કે પાર્લામેન્ટમાં રજૂ કરવામાં આવેલ કેન્દ્રીય બજેટ મોંઘવારી લાવશે અને તેમના ઘરખર્ચમાં વધારો થશે. આ સામે 16.1 ટકા લોકો માને છે કે વરસને અંતે એમના હાથમાં ઘરખર્ચ કાઢતા થોડા પૈસા પડ્યા રહેશે.
• સરવેનું એક તારણ એ પણ છે કે ગયા વરસની સરખામણીમાં 2021-22નું કેન્દ્રીય બજેટ સામાન્ય વર્ગમાં મોટો નકારાત્મક અભિપ્રાય ઊભો કરે છે. આ વર્ગ માને છે કે આ બજેટ બાદ કિંમતો વધશે અને એને કારણે મોંઘવારી વધશે.
• સરવેમાં આવરી લેવાયેલ મધ્યમ વર્ગના એક મોટા જૂથનું માનવું છે કે આ બજેટ ફુગાવાને નાથવામાં નિષ્ફળ જશે અને જીવનશૈલીની ગુણવત્તામાં ઘસારો થશે.
• આ સામે 27.6 ટકા લોકો મને છે કે ગયા વરસની સરખામણીમાં ચાલુ વરસે જીવનધોરણ સુધરશે.
• સરવેનું તારણ એવું છે કે શ્રેણીબદ્ધ છૂટછાટો અને રાહતો આ બજેટ પાસેથી અપેક્ષિત હતી. કોવિડ-19એ આરોગ્ય તેમજ સામાન્ય જીવનશેલીને મોટો ઘસારો પહોંચાડ્યો છે,
• આમાંથી લગભગ 50 ટકા (49.50 ટકા) લોકો તો એટલા હતાશ છે કે તેમનું માનવું છે કે આવનાર વરસમાં આવક અને જાવકના બે છેડા ભેગા કરવાનું મુશ્કેલ બનશે જ્યારે 34 ટકા લોકો એવું મને છે કે ખર્ચો વધશે પણ એને મેનેજ કરી શકાશે.

આ સરવેનાં તારણો મુજબ બેફામ ભાવ વધારો થયો છે અને લગભગ અડધોઅડધ જેટલી વસતીના જીવનધોરણને એની અસર થઈ છે. સરવેમાં ભાગ લેનાર 72 ટકા લોકોનું એવું માનવું છે કે ફુગાવાએ માઝા મૂકી છે અને ભાવ વધારો બેફામ બન્યો છે. સામાન્ય માણસને ખાસ કરીને નોકરિયાત મધ્ય ભાગને આવકવેરામાં રાહત મળશે એ અપેક્ષા હતી જે થયું નથી. એ આ બજેટની મોટામાં મોટી નિરાશા છે.

આમ આ સરવે મુજબ સામાન્ય માણસનો પ્રતિભાવ આ અંદાજપત્ર માટે નકારાત્મક છે. કાં તો આ સામાન્ય માણસ નિર્મલા સીતારમણને સમજ્યો નથી કાં તો એમણે 9.5 ટકા ફિસ્કલ ડેફિસિટ રાખીને નવા કરવેરા નાખવાની ટાળ્યું છે એ વાત તેના મગજમાં ઊતરતી નથી. સરવાળે એને આ બજેટમાં સીધી રીતે પોતાનું જીવનધોરણ સુધારે એવી કોઈ વાત દેખાતી નથી.
એ ના ભૂલવું જોઈએ કે આ દેશમાં એક ટકો વસ્તી પાસે 58 ટકા સંપત્તિ છે અને 10 ટકા પાસે 90 ટકા સંપત્તિ છે. કોવિડની ભયંકર મહામારીના સમયગાળા દરમિયાન જ્યારે 2020-21ના નાણાંકીય વરસનાં પહેલી ત્રિમાસીકીનો જીડીપી ગ્રોથ માઇનસ 24 ટકા જઈ રહ્યો હતો ત્યારે આ દેશના એક ટોચના ધનપતિ દર કલાકે 90 કરોડ કમાતા હતા!

અડકતરી રીતે આ બજેટ અર્થવ્યવસ્થાને ઉચકવા માટે પ્રયત્ન કરનારું બજેટ છે એમ માનીએ તો પણ જે કોઈ વર્ગની આગળ ‘નાનો’ શબ્દ લાગે છે એટલે કે –

નાનો ઉદ્યોગકાર
નાનો વેપારી
નાનો પગારદાર
નાનો સર્વિસ પ્રોવાઇડર

આ બધાએ પેલા મોટાનો વિકાસ થશે એટલે ત્યાં વરસાદ ધોધમાર વરસાદની થોડીક વાછટ પોતાને પણ પલાળશે એમ માનીને ચાલવાનું છે. કોવિડ સેસ ના આવ્યો, સંપત્તિ વેરો કે વારસા વેરો ન આવ્યો એ રાહત પણ મોટી રોજગારી પૂરી પાડતા માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો માટે નાણાંમંત્રી આખા બજેટ દરમિયાન ખાસ કશું જ નથી બોલ્યા. આવક વેરાની મર્યાદા વધારીને અથવા અન્ય રીતે નોકરિયાત વર્ગ કે મધ્યમ આવકવાળા વર્ગને કોઈ જ રાહત નથી અપાઈ. કોવિડે લગભગ 10 કરોડથી વધારે લોકોને ગરીબીની રેખા નીચે ધકેલી દીધા છે, તેમને ગરીબીની રેખા ઉપર કઈ રીતે લવાશે તેનો પણ કોઈ ઉકેલ આ બજેટમાં નથી જડતો.

અર્થવ્યવસ્થા ઊંચકાશે તો શેરડીની પાછળ એરડીને પણ પાણી મળશે એવો આડકતરો ફાયદો આ દેશનો બોટમ ઓફ ધ પિરામિડ જેને કહેવાય એવો નાની અને મધ્યમ આવકવાળો વર્ગ આ બજેટમાંથી સમજી શક્યો નથી જેનો પડઘો IANS-સી વોટર સરવેમાં પડ્યો છે. આમ IANS અને સી-વોટર સરવે મુજબ નિર્મલા સીતારમણના બજેટની પહેલી છાપ નકારાત્મક ગઈ છે.  Jaynarayan Vyas Column Budget

તો પછી શેરબજાર ઉછળ્યું શા માટે?

શેરબજાર ધારણા ઉપર ચાલે છે.
કોવિડ સેસ અને સંપત્તિ વેરો આવશે એ ધારણાને એ ડિસ્કાઉન્ટ કરીને બેઠું હતું.
નહીં આવ્યો એટલે સ્પ્રિંગ ઉછળી.
કેન્દ્રીય બજેટ બાબત ડોક્ટર સુબ્રમણ્યમ સ્વામી શું કહે છે જાણવું રસપ્રદ થઈ પડે તેવું છે.
‘સ્વામી સેઝ ઓન્લી ઓન ન્યુઝ એક્સ’ એ શૉમાં સુબ્રમણ્યમ સ્વામી કંઈક આ રીતે પ્રતિભાવ આપે છે –

ડૉ. સ્વામી IANSના પોસ્ટ બજેટ પોલને ટાંકીને પોતાનું મંતવ્ય આપતાં કહે છે કે મધ્યમ વર્ગ અને તે પ્રકારના લોકોમાંથી બે તૃતીયાંશ આ બજેટને વખોડે છે તે સારી વાત નથી. બજેટમાં લેવામાં આવેલા મોટાભાગના પગલાઓ કંઈ ખરાબ થવાની જે આશંકા હતી, દાખલા તરીકે કોવિડ સેસ નાખવાની જે આશંકા હતી તે નથી થયું તેને કારણે ઊભી થયેલી રાહત અથવા હાશકારો છે. ટેક્સ ના વધ્યો, એવું કંઈ ન આવ્યું જેના કારણે લખાપટ્ટી વધી જાય, તે એક મોટી રાહત છે તેમ માનીને ચાલવું રહ્યું. ડૉ. સ્વામી કહે છે કે મોટાભાગના માધ્યમો ડિપ્લોમેટિક (રાજદ્વારી) કરતાંય વધુ ચાલાક બની ગયા છે. લોકશાહીમાં કોઈએ તો જરૂર જણાય ત્યાં ટીકાત્મક વાત કરવી જ જોઈએ જે ડોક્ટર સ્વામી કરે છે.

હું સ્ટોક માર્કેટના પ્રતિભાવથી પ્રભાવિત થઈને બજેટને આંકવા માગતો નથી. ભારતીય શેરબજાર rigged (સખત) માર્કેટ છે. સેન્સેક્સમાં માત્ર 30 જ કંપનીઓ છે અને નિફ્ટીમાં 50 કંપનીઓ છે. આ કંપનીઓ ઉપરથી કરેલું તારણ આખા દેશની અર્થવ્યવસ્થાને લાગુ ન પાડી શકાય. ભારતનું શેરબજાર કેટલાક લોકો ચલાવે છે અને એમની ઇચ્છા મુજબ એમાં ભાવો વધઘટ થાય છે. આ લોકો નક્કી કરે છે કોણ વેચશે, કોણ ખરીદશે અને કોણ બજાર ચલાવશે.

ડૉ. સ્વામી માને છે કે મધ્યમ વર્ગ અને રોજનું કમાઈને રોજ ખાનારાઓમાં ગ્રીવાન્સ (ફરિયાદ) છે. Migrant workers પણ આમાં આવી જાય અને મોટાભાગના માઇક્રો, લઘુ અને મધ્યમ ઉદ્યોગો જે હાલમાં બંધ પડ્યા છે તે પણ આમાં આવી જાય. એમના કામદારો ઉપરાંત હોસ્પિટાલિટી ઇન્ડસ્ટ્રી, એરલાઇન્સ બધા જ ક્ષેત્રમાં તકલીફ છે. તેઓ માણસોને છૂટા કરે છે ને નિર્દયી રીતે પગારકાપ કરે છે. ટેક્સી ડ્રાઇવરો જેઓ ઓલા કે ઉબર અથવા અન્યત્ર કામ કરે છે, આ બધા ભેગા મળીને એક મોટો જથ્થો થાય છે જેમના માટે બજેટમાં કંઈ નથી. કેન્દ્રીય બજેટમાં આ લોકોને જે મુશ્કેલીઓ છે તેના માટે પણ વાત થવી જોઈતી હતી. માત્ર ગણ્યાગાંઠયા મોટા ઉદ્યોગપતિઓને લક્ષમાં રાખીને અંદાજપત્રમાં જોગવાઈ થાય તે યોગ્ય નથી.

અંદાજપત્રમાં દરેક માણસ માટે કંઇક ને કંઇક હોવું જોઈએ. દરેક માણસ એનાથી ખુશ હોવો જોઈએ. પણ આ બજેટમાં મધ્યમવર્ગ માટે અથવા માઇક્રો સ્મોલ અને મધ્યમ ઉદ્યોગો માટે નહીવત જોગવાઈઓ છે એ મોટી નિરાશા છે. ડૉ, સ્વામી ડિસઈન્વેસ્ટમેન્ટ થકી ઊભા થનાર 1.75 લાખ કરોડને ‘ફાઈનાન્શિયલ ફેન્ટસી’ ગણાવે છે. એર ઈન્ડિયા જેવી કંપની ક્યારેય ખાનગી હાથોમાં આપી ન શકાય. આ બધા ગૂંચવાડામાં મોટાપાયે કોર્ટ કેસ થાય તેવી શક્યતા છે. આ આખા સેકટરનું ખાનગીકરણ કરવાની વાત નથી. એરલાઇન્સ સેક્ટરમાં ખાનગીકરણ છે જ. આ એર ઇન્ડિયાના ખાનગીકરણની વાત છે જે એક કંપની છે. ઘણી બધી ખાનગી કંપનીઓ સારું કરી રહી છે. દેશના હિતમાં છે કે કેટલીક વિશિષ્ટ પરિસ્થિતિઓને પહોંચી વળવા જાહેર ક્ષેત્રીય એરલાઇન કંપની હોય.
ડૉ. સ્વામી કહે છે કે બજેટને મૂલવવું હોય તો ચાર મુદ્દે મૂલવી શકાય –

(1) બજેટના હેતુઓ શું છે? બજેટ આર્થિક વિકાસ માટે જ હોય છે એટલે એ હેતુ કયા છે?
(2) બજેટમાં આર્થિક વિકાસ અને નાણાંકીય સધ્ધરતા પ્રાપ્ત કરવા માટેની પ્રાથમિકતાઓ કઈ છે?
(3) આ પ્રાથમિકતાઓ હાંસલ કરવા માટે તમે કઈ આર્થિક વ્યૂહરચનાઓ અપનાવવા માંગો છો?
(4) આ માટેનાં નાણાંકીય સાધનો ક્યાંથી આવવાના છે?

કોઈપણ અંદાજપત્ર આ ચાર પાયા પર ઉભું રહેવું જોઈએ. ભારતમાં નવાં નાણાંકીય સાધનો ઊભાં કરવાં માટેની વ્યાપક અને વિપુલ શક્યતાઓ રહેલી છે.

આ બજેટના મૂળ હેતુઓ શું છે?

બજેટ એ મહેતાજીનું એટલે કે એકાઉન્ટન્ટ દ્વારા તૈયાર કરવામાં આવતું નાણાંકીય હિસાબોનું સરવૈયું નથી. કોઈ પણ સરકારની સર્વસમાવેશક વિકાસ માટેની નીતિઓનું એ સ્ટેટમેન્ટ છે અને એ હેતુઓ સિદ્ધ કરવા માટે ઊભા કરવાના થતા નાણાંકીય સાધનો તેમજ નાણાંકીય સાધનોના વપરાશ માટેની વ્યૂહરચના અંદાજપત્રમાં રજૂ કરે છે.

આ બજેટના હેતુઓની ચર્ચા કરીએ તો માર્ચ 31, 2020ના રોજ પૂરા થતાં 2020-21ના નાણાંકીય વરસ માટે જીડીપીનો વિકાસ દર માઇનસ 10 ટકા જેટલો અંદાજવામાં આવ્યો છે. પહેલી તકલીફ જ અહીંયાં છે. કારણ કે આ વિકાસ દર MSME એટલે કે મધ્યમ લઘુ અને માઇક્રો ઉદ્યોગોની સ્થિતિને લક્ષમાં લીધા વગર અંદાજવામાં આવ્યો છે. આ સેક્ટરનો ડેટા સંગઠિત ક્ષેત્ર એટલે કે મોટાં એકમો / ફેક્ટરી એકમોની માફક સરળતાથી મળતો નથી. એટલે એ ડેટા માટે સેમ્પલ સરવે ઉપર આધાર રાખવો પડે છે. આ નેશનલ સેમ્પલ સરવે કોવિડના કારણે થઈ શક્યો જ નહીં. એટલે આ સેકટરને કોવિડને કારણે થયેલ નકારાત્મક અસર 2020-21ના જીડીપીના અંદાજમાં આવી નથી. એ અસર કેટલી હોઈ શકે?

આ પણ વાંચો: #Column: ઓનલાઈન શિક્ષણની અસરકારકતા કેટલી?

ઔદ્યોગિક ક્ષેત્રનું જીડીપીમાં પ્રદાન લગભગ 25 ટકા છે. આમાં ત્રીજા ભાગનું ઉત્પાદન MSME સેક્ટરમાંથી આવે છે એવી રૂઢિચુસ્ત ધારણા મુકી શકાય. આ ગણીએ તો લગભગ 8 થી 9 ટકા જીડીપી MSME ક્ષેત્રમાંથી આવે છે. આ ક્ષેત્રના તો ચકકાજામ હતા અને હજુ પણ એને પૂરી કળ વળી નથી. ડૉ. સુબ્રમણ્યમ સ્વામીના મત પ્રમાણે આને કારણે નકારાત્મક જીડીપી ઉમેરીએ તો જીડીપીનો વૃદ્ધિ દર 2020-21માં માઇનસ 18 ટકા આવે. જો અડધો જીડીપી ખોયો તેમ ગણીએ જે વધારે તર્કબદ્ધ લાગે છે તોપણ 2020-21ના વરસને અંતે માઇનસ 14થી 15 ટકા જીડીપી સાથે પૂરો થાય એવું માનવું વાસ્તવિક રહે. આમ જીડીપી વિકાસદરના પાયાનો અંદાજ જ સુધારવો પડે. આવતા વરસે 11 ટકાનો જીડીપી વૃદ્ધિદર થશે એવો અંદાજ નાણાંમંત્રી મૂકે છે. આમ જો 2020-21નો જીડીપી વૃદ્ધિદર માઇનસ 15 ટકા ગણીએ તો સરવાળે 2021-22નું વરસ પણ લગભગ શૂન્ય વૃદ્ધિદર સાથે પૂરું થાય.

નિર્મલા સીતારમણના બજેટમાં કેટલીક સારી વાતો

• કોવિડ સેસની અપેક્ષા હતી જે નથી આવ્યો.
• એસ્ટેટ ડ્યૂટી કે હાઇ નેટવર્થ વ્યક્તિઓ ઉપર વધારાનું કરભારણ નથી આવ્યું.
• નાણાં વધારાનો ટેક્સ નાખીને નહીં પણ ફિસ્કલ ડેફિસિટના રુટથી ઉભા કર્યા છે. આ ફિસ્કલ ડેફિસિટ વરસે બે ટકા ઘટાડવાની વાત છે અને એ રીતે 2023-24 સુધીમાં તે ચારથી પાંચ ટકા લઇ જવાશે. આમ નાણાં ખાધ ઘટાડવાની પ્રક્રિયા લગભગ પાંચ વરસ ચાલશે એટલે એનો બોજો અર્થવ્યવસ્થા પર એકાએક પડશે નહીં. આમ જે ફિસ્કલ રોડમેપ દોરવામાં આવ્યો છે તે કન્ઝર્વેટિવ છે.
• એસેટ મેનેજમેન્ટ બેંક એટલે કે બેડ બેંકની સ્થાપના અને તે થકી બેંકોનાં સરવૈયાં સુધારવાનો પ્રયત્ન આવકારદાયક છે. આમ થવાને કારણે બે થી ત્રણ વરસમાં રાષ્ટ્રીયકૃત બેંકોનાં સરવૈયાં ચોખ્ખાં થઈ જશે. ઉપરોક્ત સંયોગોમાં 20,000 કરોડની જોગવાઇ બેંક રિકેપિટલાઇઝેશન માટે આવકારદાયક છે.
• બીપીસીએલ, એર ઇન્ડિયા, શિપિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, કન્ટેનર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, આઇડીબીઆઇ બેન્ક, BEML, પવનહંસ, નીલાચલ ઇસ્ફાત લિમિટેડ વગેરેમાંથી વ્યૂહાત્મક ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાની વાત છે. બે જાહેરક્ષેત્રીય બેન્ક અને જનરલ ઈન્સ્યોરન્સ કંપનીના ખાનગીકરણની વાત પણ આ બજેટ કરે છે. એ ઉપરાંત લાઇફ ઇન્શ્યોરન્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાનો પબ્લિક ઇસ્યુ લાવી નાણાં ઊભા કરવાની વાત છે જે આવકારદાયક છે.
• કેન્દ્ર સરકારે વ્યૂહાત્મક અને બિન વ્યૂહાત્મક ક્ષેત્રોમાં એક ચોક્કસ નીતિ ઘડીને ડિસઇન્વેસ્ટમેન્ટ કરવાનું નક્કી કર્યું છે. ચાર ક્ષેત્ર વ્યૂહાત્મક ક્ષેત્ર તરીકે ગણવામાં આવે છે. વ્યૂહાત્મક ક્ષેત્ર એટલે (અ) એટમિક એનર્જી, સ્પેસ અને ડિફેન્સ (બ) ટ્રાન્સપોર્ટ અને ટેલિકોમ્યુનિકેશન (ક) પાવર, પેટ્રોલિયમ, કોલસો અને બીજી ધાતુઓ (ડ) બેન્કિંગ, ઇન્શ્યોરન્સ અને ફાઇનાન્સ સર્વિસિસ. આ ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્રની હાજરી લઘુતમ જરૂરિયાતો મુજબની જ રહેશે. બાકીના સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝનું આ ચાર વ્યૂહાત્મક ક્ષેત્રોમાં પણ ખાનગીકરણ અથવા મર્જર અથવા સેન્ટ્રલ પબ્લિક સેક્ટર એન્ટરપ્રાઇઝ સાથે જોડાણ અથવા બંધ કરી દેવામાં આવશે. બિન વ્યૂહાત્મક ક્ષેત્રોમાં જાહેર ક્ષેત્રીય એકમોનું ખાનગીકરણ કરી દેવામાં આવશે અથવા એને બંધ કરાશે.

આ પણ વાંચો: #Column: ઓનલાઇન શિક્ષણ તો મળ્યું કે ના મળ્યું પણ મોબાઈલનો ઉપયોગ બાળકોમાં એક વ્યસન બની ચૂક્યો છે

આમ નિર્મલા સીતારમણનું અંદાજપત્ર મેક્રો ઇકોનોમિક પેરામીટર્સની દ્રષ્ટિએ જોઈએ તો નાણાં ખાધ વધારે રાખીને એ બોજ કરવેરા દ્વારા નહીં નાખનારું, કેપિટલ એક્સપેન્ડીચર વધારીને એ રીતે વિકાસ કાર્યોને વેગ આપનારુ અને નાણાં ખાધ ધીમે ધીમે ઘટાડતા જવાની નીતિ રાખીને એકદમ બોજ નહીં નાખનારું બજેટ ગણી શકાય.

પ્રવર્તમાન સંયોગોમાં નાણામંત્રીએ શક્ય તેટલી સારી રીતે સંતુલન જાળવવાનું કાર્ય કર્યું છે એમ કહી શકાય. સામાન્ય માણસને આમાં સીધેસીધા આવકવેરા કે અન્ય કોઈ લાભો નથી મળતા એટલે એનો પ્રતિસાદ નકારાત્મક આવ્યો હોય તેવું બની શકે. તારીખ પાંચમી ફેબ્રુઆરીએ રિઝર્વ બેંકની ફિસ્કલ પોલિસી સમિતિનો અહેવાલ પણ આવ્યો છે જેના તારણો પણ લગભગ અપેક્ષિત દિશામાં છે. આશા રાખીએ બધું ભેગું થઈને ભારતની અર્થવ્યવસ્થા ફરી ધમધમતી થાય તેવું પરિણામ લાવનાર આ બજેટ એક ગેમ ચેન્જર પુરવાર થાય. આવું થશે તો દેશની અર્થવ્યવસ્થા બે-એક વરસમાં પાછી ધમધમતી હશે.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat