Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: ‘ઘરડાં ગાડાં વાળે’

#Column: ‘ઘરડાં ગાડાં વાળે’

0
156

ડૉ. જય નારાયણ વ્યાસ: એક ગામ હતું.
નાનું પણ રળિયામણું.
એકંદરે ખેતી સાથે જોડાયેલું.
સહુ હળી-મળીને એક પરિવારની જેમ રહે.
નાની મોટી કોઈ બીમારી આવે, બાકી ગામ એકંદરે નીરોગી.
એવામાં આ કોવિડનો વાયરો ફૂંકાયો.
કેટલાક લોકો શહેરમાં રહેતા હતા એ ભયભીત થઈને ગામડે પાછા આવી ગયા.
ગામ બહુ ગીચ નહોતું એટલે અહીંયાં કોવિડનો પ્રકોપ જામે તેમ નહોતો.
આમ છતાં લોકોમાં ભયનો એક ઓથાર તો હતો જ.
એવામાં એક લગ્ન પ્રસંગ આવ્યો.
લગ્નમાં પચાસ માણસથી વધારે લઈ જવા પર પ્રતિબંધ હતો.
કુટુંબ ભણેલું-ગણેલું અને કાયદાને માન આપનારું
બધાએ સાથે મળીને નિર્ણય લીધો કે વડીલોએ ઘેર રહેવું.
જુવાનડાઓ આ લગ્ન માણવા જશે.
હવે જે યુવાનની જાન જવાની હતી એ દાદાનો લાડકો.
દાદા પાસે જ રમતાં રમતાં વાતો સાંભળતા મોટો થયેલો.
મા-બાપ કરતાં પણ દાદા માટે ખેંચાણ વધારે.
દાદાને એટલું જ ખેંચાણ પોતાના પૌત્ર માટે.
આ નિર્ણયના કારણે દાદા પોતાની જાનમાં નહીં આવે એનો પેલા યુવાનને અફસોસ થયો.
દાદા પણ ગમગીન.
પણ દાદો જમાનાનો ખાધેલ.
બેઠી દડીનું એકવડિયું શરીર.
ગામડાનાં ચોખ્ખાં હવાપાણીએ તંદુરસ્તી સારી રાખી હતી.
એ વેશપલટો કરી અને જાનની બસમાં ચઢી બેઠા.
બસ ઉપડી. સામેના ગામ પહોંચવા થઈ.
એ ગામના પાદરે એક નદી.
સરસ મજાનાં નિર્મળ પાણી એમાં ખળખળ કરતાં વહી જાય.
આ નદી પાર કરો એટલે ગામ આવે.
જાન બરાબર નદીના કિનારે પહોંચી ત્યાં વેવાઈ પક્ષના પાંચ-સાત માણસોએ બસ રોકી.
મુરતિયાના બાપાને એટલે કે વેવાઈને ખૂબ આદરપૂર્વક આવકાર આપ્યો.
પણ પછી જે કહ્યું એને કારણે સન્નાટો છવાઈ ગયો.
એમણે કહ્યું કે અમારી એક નાની શરત છે,
સામે આ નદી વહે છે એને તમે દૂધથી ભરી દો એટલે અમે જાન વધાવીએ
ત્યાં સુધી નહીં.
તેલમાં માખી ડૂબે એમ બધા ચૂપ થઈ ગયા.
આવડી મોટી નદીને દૂધથી કઈ રીતે ભરવી?

આ પણ વાંચો: #Column: કેન્દ્રીય અંદાજપત્રમાં સંરક્ષણ અંગેની ફાળવણી – એક વિહંગાવલોકન

બરાબર ખેલ જામ્યો’તો ત્યાં પાછલી સીટમાંથી પેલો દાદો ઊભો થયો.
એણે માથા ઉપર બુઢિયા ટોપી પહેરી ઉપર મફલર બાંધ્યું હતું, બધું કાઢી નાખ્યું.
આમ તો ધોતિયું ને આંગડી પહેરનાર આ માણસ પેન્ટશર્ટમાં ઓળખાતો નહોતો
પણ જેવું મોઢું ખુલ્યું કે બધા આશ્ચર્યચકિત થઈ ગયા.
આ તો વરનો દાદો હતો.
એણે વેવાઈના માણસોને કહ્યું, જાન લઈને આવ્યા છીએ તે અમારામાં ત્રેવડ છે.
તમે કહો તો નદીને દૂધથી નહીં ઘીથી ભરી દઈશું.
અમે દૂધની વ્યવસ્થા કરીએ છીએ.
તમે અબઘડી પાછા જાવ અને વેવાઈને કહો કે નદી ખાલી કરી રાખે.
બધા મોંમાં આંગળાં નાંખી ગયાં.
આ ડોહાએ તો લાજ રાખી.
વટ પાડી દીધો.
ત્યારે બધાને સમજાયું કે જાનમાં બધા જુવાનડા જ હોત તો?
જાન નદી કાંઠેથી લીલા તોરણે પાછી ફરી હોત.
એટલે જ કહ્યું છે કે ‘ઘરડાં ગાડાં વાળે’

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat