Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: જો બાઇડન અને કમલા હેરિસની સફળતા ઈચ્છીએ કારણ કે એમાં માત્ર અમેરિકાનું નહીં દુનિયાનું ભલુ છે, આપણું પણ !

#Column: જો બાઇડન અને કમલા હેરિસની સફળતા ઈચ્છીએ કારણ કે એમાં માત્ર અમેરિકાનું નહીં દુનિયાનું ભલુ છે, આપણું પણ !

0
227

jaynarayan vyas blog

અમેરિકાના નવા પ્રમુખ જો બાઇડન હશે એ વાત ની હવે ઝાઝી શંકા રહી નથી. અમેરિકાની પ્રજાએ જગતની આ મહાન અને તાકતવર લોકશાહીને લાયક પોતાની જાતને પુરવાર કરી છે. લોકશાહી માટે એવું કહેવાય છે કે “ઇન અ ડેમોક્રેસી યુ ગેટ ગવર્મેન્ટ યુ ડિઝર્વ” ડોનાલ્ડ ટ્રમ્પ ચૂંટાયા ત્યારે પણ આજ પ્રજા હતી. કદાચ એ પ્રજા છેતરાઈ ગઈ અને ડુપ્લિકેટ માલ ખરીદી લીધો એવું ડોનાલ્ડ ટ્રમ્પ ના વ્હાઈટ હાઉસ ના ભાડુઆત તરીકે નો ચાર વરસનો પુરવાર થઈ ગયો. ટ્રમ્પે અમેરિકાને તો ઊથલપાથલ કરી નાખ્યું આખી દુનિયાને લગભગ ઉથલપાથલના કિનારે લાવીને મૂકી દીધું. તમે દુનિયાની એક સૌથી સફળ મિલેટરી સત્તા અને લોકશાહીનું નેતૃત્વ કરો છો એ વાત ટ્રમ્પના મગજમાંથી વિસરાઈ અને અહંકાર તેમજ આપખુદી અને પરિણામ સ્વરૂપ બેફામ વાણી વિલાસે એનો કબજો લઈ લીધો. અમેરિકાના અત્યાર સુધીના કોઈ પ્રમુખનું ટ્રમ્પ જેટલું રેટિંગ નીચું નથી ગયું. ધીરે ધીરે અમેરિકન પ્રજામાં ટ્રમ્પ માટે ઉભી થયેલ હતાશાનો આ પુરાવો છે. પણ એની બીજી એક ખતરનાક અસર થઈ છે એ આડઅસર એટલે કટ્ટરવાદ અને અહંકાર જૂઠાણા ની ભરમાર ચલાવીને પણ એક ચોક્કસ વર્ગને રિઝવવાની કવાયત.jaynarayan vyas blog

ટ્રમ્પે અમેરિકામાં એક એવો વર્ગ ઊભો કર્યો છે જે અમેરિકા ને માત્ર ને માત્ર પોતાના ઉપભોગ માટે ની બાપકી મિલકત સમજે છે. અમેરિકન સમાજ ભાષા બહુલ, ધર્મ બહુલ અને જાતિ બહુલ છે. દુનિયાભરમાંથી અહીં ઠલવાયેલા લોકોએ પોતાની જાતને અમેરિકન ઓળખમાં ઓગાળી દીધી છે. અમેરિકાને પોતાના દેશ તરીકે આત્મસાત કરી લીધો છે. અમેરિકા એ જે તકો એમને આપી એના બદલામાં એમણે અમેરિકાને પોતાનું સર્વસ્વ અને સર્વોત્કૃષ્ટ આપ્યું છે.

આ અમેરિકાની સાચી ઓળખ છે. ટ્રમ્પે એ ઓળખના મૂળમાં કુહાડો માર્યો છે. તેણે અમેરિકન એટલે જગત જમાદારી કરે. વિશ્વ નાગરિક નહીં પણ એક સ્વાર્થી, ઘમંડી વ્યક્તિ જે પોતે અને પોતાના જેવા સીવાય બીજાને પોતાના ગુલામ બને. અશ્વેતો એમને તેમાં પણ કાળી ચામડી વાળા અમેરિકનો એ તેમને પણ જીવવાનો અધિકાર છે જેવી ચળવળ ચલાવી પડે જે અમેરિકા બહાર પણ ફેલાય.
પોતે કહે તે જ ઉત્તર દિશા એવું નામ ટ્રમ્પીઝમ. અમેરિકનો ને એના પોતાના અધિકારો અને રસના વિષયો બાબત કાળજી રાખવાનો ચોક્કસ અધિકાર છે પણ એ અધિકારનો બેહુદો ઉપયોગ કરીને ઈમિગ્રેશન થી માંડીને આઉટ સોર્સિંગ સુધીની વિશ્વ સાથે જોડાયેલ પ્રવૃત્તિઓ માત્ર અમેરિકન દૃષ્ટિકોણથી જ ન જોવાય. જાહેર ખબરો અને જૂઠાણાં, દંભ અને એકાધિકાર એક એવું જહેર છે જે સમાજ અને દેશની તોડી નાખે છે. વંશવાદ અને જાતિવાદ જેટલા ખરાબ છે એનાથીય વધુ ખરાબ દુનિયામાં અન્યત્રથી આવીને અમેરિકામાં ઓગળી ગયેલા અશ્વેતો તરફ ટ્રમ્પે ઉભો ધિક્કાર છે . છેલ્લા છ મહિનામાં અમેરિકામાં જે તોફાનો થયા તે કલ્પના બહારના હતા. આ બધા જ કારણોસર ટ્રમ્પની અમેરિકન રાષ્ટ્રપ્રમુખ તરીકે વિદાય માત્ર અમેરિકા માટે જ નહીં પણ જગત આખા માટે એક મોટો હાશકારો છે. જ્યારે જો બાઇડન ના ટેકેદારો સડકો પર નાચતા કુદતા આનંદ માનવતા હતા ત્યારે પણ એ ઉજવણી માત્ર અડધા દેશ પૂરતી જ હતી જે ટ્રમ્પવાદે એક્તા ના મૂળમાં કેવો ઘા કર્યો એનો પુરાવો છે.jaynarayan vyas blog

અમેરિકા જેવી સજાગ ચૂંટણી વ્યવસ્થા પણ ક્યારેક ટ્રમ્પ જેવા માણસને તમામ સત્તાઓ સાથે રાજગાદીએ બેસાડી દે છે એનું આથી ખોટું ઉદાહરણ બીજું કોઈ ના હોઈ શકે.
લોકશાહીમાં પ્રજાઓ જ્યારે છેતરાય છે ત્યારે એમાંથી ટ્રમ્પ નો જન્મ થાય છે એથી એ આગળ જઈને કહી શકાય કે તો હવે 31 ડિસેમ્બર ૨૦૨૦ સુધી જ અમેરિકન પ્રમુખ છે. દુનિયાના અને અમેરિકાના સદનસીબે જો બાઈડેન એક માયાળુ અને ઘડાયેલા રાષ્ટ્રપ્રમુખ હશે. એમની પહેલી જાહેરાત આ માણસ કેવો પરિપક્વ છે તેનો નિર્દેશ કરે છે જો બાઈડેન કહે છે કે “જેમણે મને મત આપ્યો છે તેમનો અને જેમણે મને મત નથી આપ્યો તેમનો પણ હું પ્રમુખ છું બધાને સાથે લઈને આ ચાલીશ, બધાના હિતમાં કામ કરીશ”. સૌથી યુવા વયે સેનેટર તરીકે ચૂંટાઈ આવનારા જો બાઇડન સાડાચાર દાયકાથી અમેરિકાની રાજનીતિમાં છે. બરાક ઓબામા જેવા ચબરાક પ્રમુખના એ ઉપ પ્રમુખ રહી ચુક્યા છે. સૌમ્ય અને મૃદુભાષી પણ નિર્ણય શક્તિ માં વજ્ર જેવા કઠોર જો બાઇડન માત્ર અમેરિકા ની નહીં સમગ્ર વિશ્વની એક અસ્ક્યામત છે. જો બાઇડન ની સફળતા આવતીકાલનું વિશ્વ અને કેવું કેટલું જીવવા લાયક હશે તેનો માપદંડ બની રહેશે.

જો બાઇડન સામે પડકારો પણ નાના નથી. પહેલો પડકાર છે રોજના એક લાખ કરતાં પણ વધુ કેસ કોવિડ – 19 ના અત્યારે અમેરિકામાં થઈ રહ્યા છે. 2.38 લોકો મૃત્યુ પામ્યા છે જે દુનિયાનો સૌથી વધુ મૃત્યુ આંક છે. આ રોગને કઈ રીતે નાથવો તે જો બાઇડન સામે નો પહેલો પડકાર હશે. બીજો પડકાર ટ્રમ્પ ના છેલ્લા વરસમાં અમેરિકન અર્થતંત્ર એ જે પછડાટ ખાધી છે તેને ઉભી કરવાનો અને બેકારી હટાવવાનો હશે. 3 ટ્રિલિયન ડોલરથી સહેજ ઓછું સ્ટિમ્યુલસ પેકેજ આપવાની વાત જો બાઇડને કરી છે. આમ થશેતો અમેરિકન અર્થવ્યવસ્થામાં પ્રાણ પુરાશે સાથો સાથ અન્ય દેશોની અર્થવ્યવસ્થા પર પણ તેની અસર થશે.

આ પણ વાંચો: #Column: આ વાંચતા વાંચતા જો આંખનો ખૂણો ભીનો થાય તો… તમે માણસ છો jaynarayan vyas blog

ત્રીજો પડકાર ટ્રમ્પીઝમના જહેરને નીલકંઠ બનીને પી જવાનો રહેશે. અંતિમવાદી અને બેજવાબદાર ટ્રમ્પે પોતાના વાણીવિલાસ અને જાહેરાતોના માધ્યમ થકી અમેરિકન નાગરિકોમાં કટ્ટરવાદ ફેલાવ્યો છે એમાં કોઈ શંકા નથી. ધિક્કાર અને એકાધિકારવાદના પાયા પર કટ્ટરવાદની આ ઇમારત ચણી દીધી. અહંકારી જુઠ્ઠા અને જાહેરાતો કરીને પ્રજાને જીતી જવા નીકળેલ ટ્રમ્પ ફાવ્યો નથી પણ એણે જે વિષ વમન કર્યું છે એની અસર ઓસરતા સમય લાગશે. જો બાઇડન ને પક્ષે ઘણી બધી સમજદારી, મૃદુતા અને મલમપટ્ટા કરવાની તૈયારી સાથે આ જહેરને ઓગાળવા માટે અને અમેરિકાને વળી પાછી મલ્ટી કલ્ચરલ, મલ્ટી રિલીજીયસ અને મલ્ટી રેશનલ સોસાયટી બનાવવા માટે જો બાઇડન અને એના ઉપપ્રમુખ કમલા હેરિસને મહેનત કરવી પડશે. આ રસ્તો સરળ નહીં હોય.

જો બાઇડન સામેનો ચોથો પડકાર સેનેટમાં રિપબ્લિકન બહુમતી છે તે છે. પોતે જે કંઈ કરવા ધારે તેમાં સેનેટમાં થી મંજૂરી મેળવવા તેમને ખૂબ જ કળપૂર્વક અને મુત્સદ્દીગીરી થી કામ લેવું પડશે. જો બાઇડન નો સ્વભાવ અને વ્યક્તિત્વ જોતાં આ અશક્ય નથી પણ મુશ્કેલ તો છે જ. જો બાઇડન અને સેનેટમાં રિપબ્લિકન પાર્ટીના લીડર મિચ પેકનેલ બંન્ને વચ્ચે સમજૂતી અમેરિકાનું ભાવિ નક્કી કરશે. જો બાઇડન (જોસેફ આર. આઇડેન Jr. ) સેનેટના પહેલા દિવસે વહીવટીતંત્રે પેરિસ કલાઇમેટ એગ્રીમેન્ટ સાથે પોતાનો મજબૂત ટેકો પુરવાર કરવો પડશે. અમેરિકન પ્રમુખપદની દોડમાં હોય એવા કોઈપણ ઉમેદવારે અગાઉના ઈતિહાસમાં આવનાર ચાર વર્ષમાં બે ટ્રિલિયન ડોલરના ખર્ચે આ પૃથ્વી પરથી ફ્યુઅલ એમીશનને ભૂતકાળ બનાવીને દેશને ક્લીન એનર્જી તરફ દોરવાનો સંકલ્પ નથી કર્યો. આખાય ચૂંટણી પ્રચાર દરમિયાન પેરિસ એગ્રીમેન્ટમાં પૂન: જોડાઈ અને વિશ્વના નેતાઓને “ક્લાયમેટ વર્લ્ડ સમીટ” માટે ભેગા કરવાનું અને માર્ચ 2017 ના તત્કાલીન અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી હુકમોને ખારીજ કરવાનું રહેશે. આવનાર સમયમાં પ્રદૂષણ ઘટાડવા માટેનાં અનેક પગલાં તેમજ વન્ય જીવોના સંરક્ષણ માટેની કાર્યવાહીમાં અમેરિકા નેતૃત્વ લેશે. આટલા મુખ્ય મુદ્દાઓ ગણી શકાય પણ જો બાઇડન પ્રમુખ બનવાની સાથે ટ્રમ્પે શરૂ કરેલા ટ્રેડ વૉરનો અંત આવશે એવું માનવાના સબળ કારણો છે.
છેલ્લે…..

થોડી શાબાશી અમેરિકાના માધ્યમોને પણ..jaynarayan vyas blog

આ એ દેશ છે જ્યાં કોઈ એક પત્રકાર વ્હાઇટ હાઉસમાં પ્રમુખની આંખમાં આંખ મિલાવીને ડોનાલ્ડ ટ્રમ્પ જેવા સાંઢીયા ને કહી શકે કે તે જુઠ્ઠો છે.
આ એ દેશ છે જ્યાં ટેલિવિઝનમાં હાર ભાળી ગયેલ ટ્રમ્પ જુઠ્ઠાણાં ફેલાવે છે તેમ કહીને તેનું પ્રસારણ બંધ કરી દે.
આ એ દેશ છે જ્યાં ટ્વિટર અને ફેસબુક હજુ સત્તા ઉપરથી નથી ઉતર્યા એવા પ્રમુખને બ્લોક કરી શકે.
આ એ દેશ છે જ્યાં અમેરિકાની સિક્રેટ એજન્સી અને પેન્ટાગોન જો બાઇડન બહુમતી નો આંકડો પાર કરે એટલે એના રહેણાંક વિસ્તારની એર સ્પેસને સિક્યોર કરી દે અને એમની સિક્યુરિટીની જડબેસલાક વ્યવસ્થા ગોઠવાઇ જાય.

આ એ દેશ છે જ્યાં વ્હાઇટ હાઉસનું વહીવટીતંત્ર નવા આવનાર પ્રમુખ માટે વ્યવસ્થાઓ ગોઠવવા મસલતો કરવામાં વ્યસ્ત બની જાય. કોઈને કશું કહેવું પડે નહીં બધું જ વ્યવસ્થા તંત્ર એટલે કે સિસ્ટમમાં ગોઠવાયેલું હોય. સત્તા હોય કે ન હોય જ્યાં સુધી સિસ્ટમ એટલે કે વહીવટીતંત્ર અસરકારક રીતે કામ કરે છે. જ્યાં ન્યાયતંત્ર અમેરિકાની માફક નિર્ભયતાથી પોતાના નિર્ણયો આપે અને જ્યાં ચૂંટણી કરાવનાર તંત્ર ચાલુ પ્રમુખની આંખની શરમ પણ ભરતું નથી, બધું જ નિયમો બધું જ નિયમો પ્રમાણે થાય છે.

એટલે જ એ લોકશાહી દુનિયાની સર્વોત્કૃષ્ટ અને સબળ લોકશાહી ગણાય. એને ટકાવી બળકટ બનાવવા માટે કેટ કેટલાને શાબાશી આપીશું ?

એક વાક્યમાં કહેવું હોય તો બધી જ વ્યવસ્થાઓ ના તો “ફીઅર” એટલે કે ભય ના તો “ફેવર” એટલે કે ચાપલૂસી માં તણાયા વગર પોતાનું કામ બિલકુલ શાંત અને સ્વસ્થ ચિત્તે કર્યા કરે. અમે સત્તા ઉપર આવીશું તો જોઈ લઈશું એવી ધમકી અથવા ક્યાંક ગવર્નર, રાજદૂત કોઈ મલાઈદાર કમિશનનો ચેરમેન, કોઈ બંધારણીય સત્તામાં નિમણૂક કે પછી મંત્રીપદ આવું કશું જ એમને ડરાવી ન શકે ત્યારે તમે અમેરિકન લોકશાહી જેવા બનશો. હજુ સુધી આપણે ત્યાં સર્વ સત્યાનાશ નથી થયો. પણ આ ધારાધોરણોની માપપટ્ટી ઉપર આપણે ક્યાં ઊભા છીએ એ વાત ક્યારેક મનમાં તટસ્થા પૂર્વક વિચારી જોજો ને ?

જો બાઇડન અને કમલા હેરિસ ની સફળતા ઈચ્છીએ કારણ કે એમાં માત્ર અમેરિકાનું નહીં
દુનિયાનું ભલુ છે.
આપણું પણ !

https://chat.whatsapp.com/ELSNNKbgp0tBaAC4irblG9