વિશાલ મિસ્ત્રી રાજપીપળા: હર હંમેશા કોંગ્રેસનો કડક બચાવ કરતા ગુજરાતના પૂર્વ કોંગ્રેસી નેતા જયરાજસિંહ પરમારે આખરે ભાજપનો ખેસ ધારણ કરવાનો નિર્ણય કર્યો છે.જયરાજસિંહનો આ નિર્ણય જોકે લોકોને ખબર જ હતી, તેઓએ જ્યારે કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યું ત્યારે એમને મીડિયા દ્વારા એક સવાલ પુછાયો હતો કે શું તમે ભાજપમાં જોડશો, ત્યારે જયરાજસિંહે જવાબ આપતા એમ જ જણાવ્યું હતું કે હા કદાચ એમ બની પણ શકે, બીજો કોઈ વિકલ્પ પણ નથી.
તેઓ જ્યારે કોંગ્રેસમાં હતા ત્યારે જે રીતે ભાજપની પોલ ખુલ્લી પાડતા હતા તો હવે ભાજપની એ જ પોલ એમણે ઢાંકવી પડશે, તેઓ હવે ભાજપનો બચાવ કરતા નજરે પડશે.પણ એવું કહેવાય છે કે કોંગ્રેસ છોડી ભાજપમાં જવા માટે ખેરાલુ વિધાનસભાની ટીકીટનું ભાજપ પાસેથી એમણે સેટિંગ કર્યું છે.પણ પ્રશ્ન એ ઉપસ્થિત થાય છે કે ખેરાલુ બેઠક પરથી ભાજપના અજમલજી ઠાકોર વર્ષ 2019 ના બાય ઇલેક્શનમાં વિજેતા થયા હતા, ત્યારે એમને જ હટાવી કોંગ્રેસ છોડી ભાજપમાં આવેલા જયરાજસિંહને ભાજપ દ્વારા ટીકીટ અપાશે ખરી??
અહીંયા જ્યારે વિજય રૂપાણીની જગ્યાએ જ્યારે ભૂપેન્દ્ર પટેલને ગુજરાતના મુખ્યમંત્રી બનાવાયા હતા એ ઘટના યાદ કરવી રહી.ત્યારે આ જ ભરતસિંહે એવો પ્રશ્ન ઉઠાવ્યો હતો કે ખીલો બદલવાથી ભેંસ વધારે દૂધ આપશે ખરી????? તો ખેરાલુ બેઠક પરથી જો જયરાજસિંહને ભાજપ ઉમેદવાર બનાવે ત્યારે જયરાજસિંહે પોતે જ ઉઠાવેલા પ્રશ્નનો જવાબ આપવો પડશે કે ખીલો બદલવાથી ભેંસ વધારે દૂધ આપશે ખરી???? ખેર જયરાજસિંહે જે કર્યું એ એમનો વ્યક્તિગત નિર્ણય છે, પણ તેઓ જાહેર જીવનમાં છે અને અધૂરામાં પુરા તેઓ ભાજપમાં આવશે ત્યારે તો એમણે કોંગ્રેસ વખતે ભાજપને પૂછેલા પ્રશ્નોના જવાબો ભાજપ પાસેથી જ માંગી પ્રજા સમક્ષ તો મુકવા જ પડશે.
ગુજરાતમાં વિવિધ ભરતી પ્રક્રિયાના પેપરો ફૂટ્યા ત્યારે આ જ જયરાજસિંહ પરમારે ખુલ્લે આમ કહ્યુ હતુ કે ભાજપ એટલે પેપર ફોડ સરકાર, યુવાનોના ભવિષ્ય સાથે રમત રમતી સરકાર.ભાજપે પોતાના 27 વર્ષના શાસનકાળમાં જનહિતનું એક પણ કામ કર્યું નથી.તો હવે જયરાજસિંહ એ જ ભાજપમાં જોડાયા છે.ત્યારે પ્રજા એમની પાસેથી એટલી અપેક્ષાઓ તો રાખે જ કે કોંગ્રેસ સમયમાં એમણે ઉઠાવેલા પ્રશ્નોના જવાબ તેઓ જ્યારે ભાજપમાં ગયા જ છે ત્યારે ભાજપ પાસેથી લઈ પ્રજા સમક્ષ મૂકે.જો તેઓ એમ નહિ કરે તો માત્રને માત્ર પોતાના સ્વાર્થ ખાતર જ ભાજપમાં ગયા છે એ બાબત સાબિત જરૂર થશે.
અત્રે એ ઉલ્લેખનીય છે કે જયરાજસિંહનો ભાજપ પ્રવેશ એ કોંગ્રેસ માટે ખરેખર મોટી ખોટ કહેવાય ભલે એવું કોંગ્રેસ માનતી હોય કે ન માનતી હોય.અને અર્જુન મોઢવાડીયાને બાદ કરતાં કોઈ કોંગ્રેસી નેતાએ એમને સમજાવવા શુધ્ધાનો પ્રયત્ન ન કર્યો એ ખરેખર આશ્ચર્ય પમાડે એવી બાબત કહી શકાય.જયરાજસિંહ પરમાર શક્તિસિંહ ગોહીલના ગ્રુપના હોવાનું મનાઈ રહ્યુ છે ત્યારે જયરાજસિંહે કોંગ્રેસ માંથી રાજીનામુ આપ્યા બાદ ત્યાં સુધી કહી દીધું હતું કે હું જેની સાથે વધુ સંકળાયેલો છું એમણે પણ મને કોઈ ફોન નથી કર્યો.કોંગ્રેસ માંથી ભાજપમાં આવ્યા ત્યારે જયરાજસિંહને એટલી તો ખબર પડી જ ગઈ કે તેઓ જેનું સૌથી વધુ સમર્થન કરી રહ્યાં હતાં એ જ નેતાએ એમની છેલ્લે કદર ન કરી.