અમદાવાદ: કોંગ્રેસના પૂર્વ દિગ્ગજ નેતા જયરાજસિંહ પરમારે અંતે જાહેરાત કરી દીધી છે કે, તે મંગળવારે બીજેપીમાં જોડાશે. જયરાજસિંહે ભાજપમાં જોડાવાની જાહેરાત કરતા સોશિયલ મીડિયામાં ટ્વિટ કરીને જાણ કરી છે કે, મારા કુળદેવી શ્રી હરસિધ્ધ ભવાની માતાજી અને ગામદેવી શ્રી અજાય માતાના તથા મારા ગુરુના આશીર્વાદ સાથે હું તારીખ 22-02-2022 ને મંગળવાર ના રોજ સવારે 11 .00 કલાકે શ્રી કમલમ ખાતે ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યો છું.
જયરાજસિંહ પરમારે આ અંગેની જાહેરાત કર્યા પછી મીડિયાને જણાવ્યું હતું કે, મે પહેલા દિવસથી કહ્યું હતું કે, મે પક્ષ છોડ્યો છે રાજનીતિ નહીં. મંગળવારે હું ભાજપમાં જોડાઇશ, મેં નવી દિશા પકડી લીધી છે.
તેમણે વધુમાં પોતાની વાત કરતા જણાવ્યુ કે, હું જે સંસ્થામાં નાનાથી મોટો થયો તે સંસ્થાને ભાંડવાથી કોઇ મતલબ નથી, તેના કરતા હવે પછીની લડાઇ જવાબદારીની હશે. ભાજપ પાસે મારી કોઇ માંગણી નથી. મારે જે મહેનત કરવાની છે તે સમય બતાવશે.
કોઇનો કઇ જગ્યાએ ક્યાં ઉપયોગ થઇ શકે તે માટે કોઇ કોંગ્રેસમાં કોઇ ઝવેરી નથી. પરંતુ કઇ વ્યક્તિનો ક્યાં ઉપયોગ થઇ શકે અને ક્યા તે કામ કરી શકશે તે, ભારતીય જનતા પાર્ટી, નરેન્દ્રભાઇ મોદી, અમિતભાઇ શાહ સારી રીતે જાણે છે.