Gujarat Exclusive > એક્સક્લૂઝિવ બ્લોગ > #Column: જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી

#Column: જ્યાં ન પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી

0
147

ડૉ. જય નારાયણ વ્યાસ: એક કહેવત છે –

જ્યાં ન પહોંચે રવિ
ત્યાં પહોંચે કવિ
અને… જ્યાં ન પહોંચે કવિ
ત્યાં પહોંચે અનુભવી

માણસ વૃદ્ધ થયો એટલે નકામો થઈ ગયો અને એણે નિવૃત્તિની જિંદગી જીવવી જોઈએ, વધુમાં વધુ તીર્થાટન કે હરિસ્મરણ કરવું જોઈએ એ માન્યતા ઘણી બધી ભૂલભરેલી છે.

વૃદ્ધત્વની ઉંમરે જીવી રહેલ વ્યક્તિ પાસે અનુભવનું એક મોટું ભાથું છે.

એણે દુનિયા જોઈ છે અને મૂંઝવણો કે કટોકટીનો સામનો પણ કર્યો છે.

કોઈ વાત ગૂંચવાઇ હોય તો એને કઈ રીતે ઉકેલવી એની સમજ અને ડહાપણ એનામાં છે.

એટલે જ કહેવાયું છે કે ‘ઘરડાં ગાડા વાળે’.

આપણે વૃદ્ધોને સાવ ખૂણે બેસાડી દેવાની વાત કરીએ તો શું પરિણામ આવે?

મનુભાઈ પંચોળીની નવલકથા ‘સોક્રેટીસ’ આ પ્રશ્નનો સરસ જવાબ આપે છે.

ગ્રીસની પાર્લામેન્ટે ન્યાયતંત્રમાં અત્યાર સુધી એરોપેગસના વૃદ્ધો ન્યાયાધીશ તરીકે બેસતા હતા તેના બદલે પાર્લામેન્ટનો કોઈ સભ્ય વારાફરતી બેસે એવું નક્કી કર્યું.

એરોપેગસના વૃદ્ધો જ્ઞાની અને અનુભવે ઘડાયા હતા.

એને બદલે જેને ન્યાયપદ્ધતિનું કઈ જ્ઞાન ન હોય તેવા લોકોને ન્યાયાધીશની કામગીરી સોંપવામાં આવી.

સોક્રેટીસ ગ્રીસનો મહાન તત્વચિંતક હતો.

અત્યંત જ્ઞાની અને વિદ્વાન વ્યક્તિ હતો.

આવા વ્યક્તિ પર દેવનું અપમાન કરવાનો મનઘડંત આક્ષેપ મૂકાયો.

ન્યાયાધીશ સમક્ષ કેસ ચાલ્યો.

અને ચુકાદો પણ આવ્યો.

એ ચુકાદાના અમલરૂપે સોક્રેટીસે ઝેર પીવું પડ્યું.
માત્ર ગ્રીસે જ નહીં પણ સમગ્ર વિશ્વે એક મહાન તત્વચિંતક ગુમાવ્યો.

આ પદ્ધતિ એક સમયના અતિસમૃદ્ધ અને બળવાન ગ્રીસને વિનાશ તરફ દોરી ગઈ.

આ પણ વાંચો: #Column: તમે જ તમારા ભાગ્યવિધાતા છો

સોક્રેટીસે એક ચર્ચામાં વૃદ્ધોની જરૂર અને અગત્યતા સમજાવતાં યુવાઓને જરાય અન્યાય ન થાય તે રીતે બહુ સરસ જવાબ આપ્યો હતો.

‘આલ્કેબીડીઝ, તેજ ઘોડા સ્પર્ધામાં સારા, પણ ઘમસાણમાં તો કેળવાયેલા સારા.’ (‘સૉક્રેટિસ’, પાન. ૧૧)

મૂળ વાત તો એજ કે અનુભવનું ભાથું અમુલ્ય છે અને કટોકટીની કોઈપણ પરિસ્થિતીમાં ‘ઘરડાં ગાડાં વાળે’ એ ન ભૂલવું.

 Follow Gujarat Exclusive on Telegram For Latest News From Gujarat Follow Gujarat Exclusive on WhatsApp For Latest News From Gujarat 

Follow Gujarat Exclusive on Instagram For Latest News From Gujarat  Follow Gujarat Exclusive on Twitter For Latest News From Gujarat