Gujarat Exclusive > ગુજરાત એક્સક્લૂઝિવ > #Column: વિઠ્ઠલને તો એક ગુરુ મળ્યો આપણી પાસે તો બે છે -એક વિઠ્ઠલ અને બીજો પેલો રંગારો- જય નારાયણ વ્યાસ

#Column: વિઠ્ઠલને તો એક ગુરુ મળ્યો આપણી પાસે તો બે છે -એક વિઠ્ઠલ અને બીજો પેલો રંગારો- જય નારાયણ વ્યાસ

0
1980

જય નારાયણ વ્યાસ: વેંકટેશ વિઠ્ઠલ કામત, ખૂબ નાની વયે મનમાં વાવેતર કરેલ એવું એક સપનું લઈને એ જીવ્યો.
એણે રાય બહાદુર ઓબેરોયને, આજે જ્યાં ઓબેરોય હોટેલ ઊભી છે ત્યાં નરીમન પોઇન્ટના તે સમયે ઓબેરોય શેરેટન અને અત્યારે ઓબેરોય ટાવર્સના બાંધકામ ઉપર ઉભા રહીને, એમની આંખમાં આંખ નાખીને સાવ નિર્દોષતાથી કહ્યું હતું, “આપ સે ભી બડા હોટેલિયર બનના ચાહતા હું.”

સપનાના આ વાવેતરમાંથી જન્મ થયો સાવ અગોચર કહી શકાય એવી એક કલ્પનાનો.
એના પિતાજીએ જ એને સમજાવ્યું હતું કે કોઈ પણ ધંધાદારીએ ‘કમ્ફર્ટ ઝોન’ એટલે કે હાશ-નિરાંતનો સમય શરૂ થાય ત્યારે પ્રમાદી થવું નહીં.
નવો ઉદ્યમ વિચારવો અને એ રસ્તે આગળ વધવું. આ સલાહથી પ્રેરાઈને એણે એક ફાઈવસ્ટાર હોટલ ઊભી કરવાનો નિર્ણય કર્યો. એટલું જ નહીં પણ એને અમલમાં પણ મૂક્યો.
એ હોટલનું નામ ‘ઓર્કિડ’.
આમ સપનાનું વાવેતર તો થયું. પણ એના ઉછેરના એક તબક્કે વિઠ્ઠલ કામત કપરા કાળમાં ફસાયા.
એક દિવસ એવો આવ્યો કે એને થયું આ જીવતર ટૂંકાવી નાખવું છે.
હતાશાની આ પળોમાં એ એના એક ખાસ મિત્રની ઓફિસમાં જઈ ચડ્યો.
સાવ અનાબ-શનાબ વાતો અને હતાશાથી ઉભરાતા વિઠ્ઠલને એના મિત્રે સીધો જ પ્રશ્ન પૂછ્યો કે “તારે શું કરવું છે. દારૂ પીને તારે દુ:ખ હળવું કરવું છે કે પછી પીને જ આવ્યો છે.”
જવાબમાં વિઠ્ઠલ માથું હલાવીને ના પાડે છે.

આ પણ વાંચો: #Column: જીવનમાં તમે બસ ચૂકી ગયા છો – હાથમાંથી તક સરી ગઈ છે?

પેલો મિત્ર હર વખતની માફક એના માટે નારિયેળ પાણી મંગાવે છે. એનો પટાવાળો નીચેથી નારિયેળ પાણી લઈ આવે છે.
કોઈક કામસર મિત્ર થોડો સમય પોતાની ઓફિસથી બહાર જાય છે.
બાવીસમા માળે આવેલી એની ઓફિસમાં વિઠ્ઠલ એકલો પડે છે. નારિયેળ પાણીના ઘૂંટડા ભરતો ભરતો એ બારી પાસે ઊભો રહે છે.
બરાબર ત્યાં જ એની જીંદગીમાં અચાનક પલટો લાવનાર ગુરુ સાથે એનો સાક્ષાત્કાર થાય છે.
એ ગુરુ એટલે બારી બહાર દેખાતી યુકો બેન્કની ગગનચુંબી ઇમારતના ૨૩ માળની દીવાલ સાથે ઊભી કરેલ વાંસની પાલક પર નચિંત ઉભો રહી પૂર્ણ ધ્યાનમગ્ન બની જીવના જોખમ સાથે કામ કરી રહેલ એક રંગારો.

વિઠ્ઠલના મનમાં જીવનમરણ વચ્ચે એક તસુ જેટલું અંતર રાખી કામ કરતો આ માણસ એક નવી જ ચિનગારી પ્રગટાવી જાય છે.
એ વિચારે છે કે મહિને બે થી ત્રણ હજાર કમાવા આ માણસ જીવના જોખમે કામ કરે છે. કારણકે એણે તો એના જીવનનો ગુજારો કરવાનો છે.
વિઠ્ઠલ પોતાની જાત ઉપર શરમાઇ જાય છે અને જાત સાથે વાત કરતાં એ કહે છે, “જીવ ટૂંકાવી દેવાથી મારી સમસ્યાનો ઉકેલ થોડો આવવાનો હતો.
ઉલ્ટાનું એનાથી તો મારા કુટુંબીઓ માટે વધુ ગૂંચવાડાભરી સમસ્યાઓ ઊભી થાય ને?”
બારીના કાચમાંથી બહાર દેખાઈ રહેલા એ રંગારાએ વિઠ્ઠલને એની ફરજનું ભાન કરાવી દીધું. આ માટે વિઠ્ઠલ એને મનોમન પ્રણામ કરે છે.
અહીં એ ક્ષણ બે ક્ષણ આંખો મીંચી દે છે. જાણે નવેસરથી પોતાની જાત સાથે ઓળખાણ કરી રહ્યો છે.
પેલો મિત્ર પરત આવે છે.
બરાબર ત્યારે જ આંખો ખોલતા વિઠ્ઠલને જોઈને અને એના સાવ બદલાયેલા મિજાજને જોઈને એને નવાઈ લાગે છે.
એને ક્યાં ખબર છે કે વિઠ્ઠલનો પુનર્જન્મ થઈ ચૂક્યો છે.
આપણામાંના ઘણા બધા એક યા બીજા સમયે બધું જ ડૂબી ગયું છે અથવા ડૂબવા બેઠું છે એવી હતાશામાંથી પસાર થઈએ છીએ, ખરુને? કેટલાકને હતાશા ખાઈ જાય છે.
કદાચ જીવન ન ટૂંકાવે તો પણ મનથી એ ભાંગીને ભૂકો થઇ જાય છે.
દોસ્તો!! આવા સમયે વિઠ્ઠલને એનો ગુરુ પેલો રંગારો મળી ગયો.
એ પોતાની જાત સાથે રૂબરૂ થયો.
આત્મહત્યાના ઘાતક વિચારોમાંથી પાછો ફર્યો
હતાશા જ્યારે એનો વિકરાળ ચહેરો લઈને તમારી સામે ઉભી રહે
ત્યારે યાદ રાખજો
જીવનમાં ઘણા બધાને આવી પરિસ્થિતિ સામે ભટકાય છે
મન મક્કમ કરીને બહાર આવે તે જ પોતાના સપનાનું સર્જન કરી શકે છે
વિઠ્ઠલને તો એક ગુરુ મળ્યો
આપણી પાસે તો બે ગુરુ છે.
વિઠ્ઠલ અને પેલો રંગારો.

(લેખકના વિચારો વ્યક્તિગત છે. જયનારાયણ વ્યાસ, ગુજરાત સરકારમાં પૂર્વ કેબિનેટ મંત્રી રહી ચુક્યા છે)